ગુજરાતે કરી દેખાડ્યું! પ્રદુષણ રોકતા બાયોડીગ્રેડેબલ કોટિંગ મટીરિયલની શોધ, સ્વાસ્થ્યને થશે મોટો ફાયદો

કચ્છ યુનિવર્સિટીના યુવા સંશોધકોએ વિકસાવ્યું ઓઇલ પ્રુફ હર્બલ બાયોડિગ્રે ડેબલ કોટિંગ. નવા સંશોધનથી પ્રદૂષણનું સ્તર ઘટવા સાથે માનવ સ્વાસ્થ્યને થશે મોટો ફાયદો

ગુજરાતે કરી દેખાડ્યું! પ્રદુષણ રોકતા બાયોડીગ્રેડેબલ કોટિંગ મટીરિયલની શોધ, સ્વાસ્થ્યને થશે મોટો ફાયદો

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: રોજબરોજના વપરાશમાં આવતી પેપર ડિશ, પેપર બાઉલ, ચા આપવા માટે વપરાતા કપ વગેરેને કોટિંગ કરવા કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવનના યુવા સંશોધકો દ્વારા ઓઇલપ્રૂફ હર્બલ બાયોડિગ્રેડેબલ કોટિંગ મટિરીયલ વિકસાવ્યું છે. આ નવાં સંશોધન થકી પ્રદૂષણની માત્રામાં ઘટાડો થવા સાથે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારકર કેમિકલ-સ્વાસ્થ્યની વિપરીત અસરોમાંથી બચી શકાશે. 

રસાયણશાત્ર વિભાગના ડો. વિજયરામ, ડો. ગિરીન બક્ષી અને બીજલ શુક્લનાં માર્ગદર્શનમાં એમ.એસસી. એનાલિટિકલ કેમેસ્ટ્રી, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ યશ્વી રાજદે અને રાજવી પરમાર દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું છે. આ સંશોધનથી અત્યારે વપરાશમાં લેવાતા પોલિમર કોટિંગ મટિરીયલ કે જેમના મોટા ભાગના પોલિમર જમીનમાં ઘણા લાંબા સમય સુધી જેમના તેમ જ પડી રહે છે એટલે કે જમીનનાં પ્રદૂષણમાં વધારો કરે છે. તેનો ઉપયોગ ઘટાડી શકાશે. રિતુ લવાણિયા દ્વારા વર્ષ 2022માં ઓઇલપ્રૂફ હર્બલ બાયોડિગ્રેડેબલ કોટિંગ મટિરીયલ વિકસાવવા માટેના પ્રયોગો શરૂ કરાયા હતા. 

પેપર ડિશ, બાઉલ, ચાના કપ વગેરેમાં હાલમાં વપરાતા પોલિમર મટિરીયલ વિશે માહિતી મેળવતાં ખ્યાલ આવ્યો કે અત્યારે પેપર ઉપર કોટિંગ સામાન્ય બે રીતે થાય છે. 1. પેટ્રોલિયમ પ્લાસ્ટિક અને 2. બાયો પ્લાસ્ટિક પેપર પ્લેટ કે જે લાકડાં અથવા શેરડીના બગાસ જેવા નેચરલ મટિરીયલમાંથી બનાવવામાં આવે છે. આવા કોટિંગ મટિરીયલનું જલ્દીથી રિસાઈકલિંગ થતું નથી. 

રોજબરોજના વપરાશમાં લેવાતી વસ્તુઓમાં આવી રીતે વપરાતા કેમિકલને બદલે જો નેચરલ મટિરીયલનો ઉપયોગ થાય તો મનુષ્યનાં સ્વાસ્થ્ય અને પર્યાવરણમાં મોટો ફાયદો થાય તે બાબતને ધ્યાને લઇ બીજલ શુક્લા અન તેમનાં માર્ગદર્શનમાં કામ કરતી એમ.એસસી. એનાલિટિકલ કેમેસ્ટ્રીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ યશ્વી રાજદે અને રાજવી પરમાર દ્વારા 30 જેટલી વિવિધ નેચરલ પ્રોડકટ બનાવી પ્રયોગો કરવામાં આવ્યા હતા. જેમાંથી ખૂબ સારા ગુણધર્મો ધરાવતા ચાર સંયોજનોને પ્રાયોગિક ધોરણે ચેક કરવા માટે રાજકોટની કંપની કે જે પેપર ડિશ અને વિવિધ પ્રોડકટ મોટા પ્રમાણમાં બનાવે છે ત્યાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં 100 ડિગ્રી તાપમાન સુધી ઓઇલને ગરમ કરી રસાયણશાસ્ત્ર ભવનમાં તૈયાર કરવામાં આવેલા કોટિંગ મટિરીયલના ઉપયોગથી બનાવેલી ડિશમાં ઓઇલ અંદર ઊતરે છે કે નહીં તેના પ્રયોગો કરતાં એક ફોર્મ્યુલેશન અસરકારક જણાયું હતું. 

રાજકોટની આ કંપની તેમના દ્વારા બનાવવામાં આવતી ડિશ ઉપર કોટિંગ કરવા માટેનું મટિરીયલ ચીનથી મગાવે છે. પરંતુ આ મટિરીયલમાં કયાં કેમિકલ ભેળવવામાં આવે છે તેની માહિતી આપવામાં આવતી નથી. આ ઉપયોગી પ્રોડક્ટ કઇ રીતે બનાવી શકાય તેનો પેટેન્ટ ડ્રાફટ કરવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં પેટન્ટ મળવાથી કચ્છ યુનિવર્સિટી અને સમાજને ખૂબ ફાયદો થશે તેવી આશા રખાઇ છે. ઉપયોગી સંશોધન કરવા બદલ કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો પી.એસ. હીરાણી અને રજિસ્ટ્રાર ડો. બુટાણી દ્વારા અભિનંદન પાઠવાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news