ફાયદાની વાત: હાઈપરટેન્શન, ડાયાબિટીસ અને મેદસ્વીતા નિવારે છે દૂધ

વર્ષ 2018માં પ્રસિધ્ધ થયેલા બ્રિટીશ જર્નલ ઓફ ન્યૂટ્રીશનને ટાંકીને જણાવ્યું કે 10 થી વધુ સંશોધન અભ્યાસમાં જણાવાયું છે કે દૂધ, યોગર્ટ અને અન્ય ડેરી પ્રોડક્ટસ મેટાબોલિક સિન્ડ્રોમ અને તેના હાઈપરટેન્શન, ડાયાબિટીસ અને મેદસ્વીતા જેવા સિન્ડ્રોમ નિવારે છે. 

ફાયદાની વાત: હાઈપરટેન્શન, ડાયાબિટીસ અને મેદસ્વીતા નિવારે છે દૂધ

આણંદ: ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ,  આણંદ ખાતે આવેલા ડો. વર્ગીસ કુરિયન સેન્ટર ઓફ એક્સેલન્સના ઉપક્રમે ‘ડાયાબિટીસ જેવા જીવનશૈલીના રોગોમાં દૂધ અને ડેરી પ્રોડ્કટસની ભૂમિકા’ અંગે પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને ડો. મોહન ડાયાબિટીસ સ્પેશ્યાલિટીઝ સેન્ટર, ચેરમેન અને મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન, ચેન્નાઈના પ્રેસિડેન્ટ ડો. વી. મોહનના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતુ.

વર્ષ 2021 ડો. કુરિયનની જન્મ શતાબ્દિ વર્ષ તરીકે મનાવાઈ રહ્યું છે અને આ તે પ્રસંગે ભારતીય ડેરી ઉદ્યોગમાં તેમના પ્રદાનને યાદ કરવામાં આવી રહ્યું છે. ડો. કુરિયન ભારતમાં ઓપરેશન ફ્લડના પ્રણેતા હતા અને જેના કારણે ભારત ટોચના દૂધ ઉત્પાદક દેશ તરીકે આત્મનિર્ભર બન્યો. આ ક્રાંતિથી કરોડો ખેડૂતોની સમૃધ્ધિમાં તો વધારો થયો જ, પણ સાથે સાથે તેમના આર્થિક- સામાજીક ઉત્કર્ષમાં પણ વધારો થયો.તાજેતરના સમયમાં કેટલાક લોકો એવા આક્ષેપો કરી રહ્યા છે કે દૂધ બિનતંદુરસ્ત છે. પ્રસિધ્ધ થયેલા વૈજ્ઞાનિક પૂરાવાના આધારે આ પ્રવચનમાં દર્શાવવામાં આવ્યું હતું કે વાસ્તવમાં દૂધ આરોગ્ય માટે ગુણકારી છે.

ડો. મોહને તેમના પ્રવચનમાં પૌરાણિક માન્યતાઓ અને આધુનિક વિજ્ઞાનને ટાંકીને દૂધના તમામ પાસાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરતાં સ્પષ્ટપણે જણાવ્યું હતુ કે હિંદુ પુરાણો અનુસાર કામધેનુ ઈચ્છા પૂરી કરતી ગાય  હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે બાળક તરીકે ભગવાન કૃષ્ણને માખણ પ્રિય હોવાથી ‘માખણચોર’ તરીકે ઓળખવામાં આવતા હતા. ડો. મોહને દૂધની અને ડેરી પ્રોડક્ટસની સારપ અંગે વાત કરતાં જણાવ્યું કે સદીઓથી દૂધથી આરોગ્યને થતા લાભ પૂરવાર થયેલા છે તેમાં કોઈ શંકા નથી.

દૂધના કેટલાક પોષણલક્ષી ફાયદાઓનો ઉલ્લેખ કરીને તથા એ-1 અને એ-2 દૂધ અંગેની આશંકાઓ દૂર કરતી ચર્ચા કરતાં તેમણે કહ્યું હતું  કે ડાયાબિટીસ, મેટાબોલિક સિન્ડ્રોમ અને અન્ય જીવનશૈલીના રોગો અંગે કેટલાક વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં ડેરી આહાર સાથેનો સંબંધ દર્શાવાયો છે. તેમણે વર્ષ 2018માં પ્રસિધ્ધ થયેલા બ્રિટીશ જર્નલ ઓફ ન્યૂટ્રીશનને ટાંકીને જણાવ્યું કે 10 થી વધુ સંશોધન અભ્યાસમાં જણાવાયું છે કે દૂધ, યોગર્ટ અને અન્ય ડેરી પ્રોડક્ટસ મેટાબોલિક સિન્ડ્રોમ અને તેના હાઈપરટેન્શન, ડાયાબિટીસ અને મેદસ્વીતા જેવા સિન્ડ્રોમ નિવારે છે. 

આ અભ્યાસોમાં એવો ઉલ્લેખ કરાયો છે કે જે લોકો ડેરી પ્રોડક્ટસનો ઉપયોગ કરે છે તેમને હાઈપરટેન્શન અને ડાયાબિટીસનું જોખમ 10 થી 20 ટકા જેટલું ઓછુ રહે છે. તેમણે વધુ એક મેટા-એનાલિટીક્સ કે જેમાં 15 અભ્યાસનો સમાવેશ થાય છે તેનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે લો-ફેટ ડેરી પ્રોડક્ટસ, ચીઝ અને યોગર્ટ લેવાથી ટાઈપ-2 ડાયાબિટીસ રોકી શકાય છે.

ડો. મોહને બીએમસી મેડીસીનમાં પ્રસિધ્ધ થયેલા 3 યુએસ એડલ્ટ કોહોર્ટનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે વધુ પ્રમાણમાં યોગર્ટ લેવાથી ટાઈપ-2 ડાયાબિટીસ સાથે સંકળાયેલા જોખમો ઓછા થાય છે. ત્યાર બાદ ડો. મોહને વર્ષ 2009માં પ્રસિધ્ધ થયેલા તેમના પોતાના ડાયેટરી, કાર્બોહાઈડ્રેટસ, ગ્લેકેમીક લોડ, ફૂડ ગ્રુપ્સ અંગે ચેન્નાઈમાં થયેલા અભ્યાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ડેરી પ્રોડક્ટસના વપરાશથી ડાયાબિટીસ થવાની સંભાવના લગભગ 50 ટકા જેટલી ઘટી જાય છે. આથી ઉલ્ટું, વધુ પ્રમાણમાં રિફાઈન્ડ અનાજ (પોલિશ્ડ વ્હાઈટ રાઈસ) સાથે ટાઈપ-2 ડાયાબિટીસનું વધુ જોખમ સંકળાયેલું રહે છે. તેમના 10 વર્ષના અભ્યાસના પરિણામો અંગે વિશ્લેષણ કરતાં તેમણે જણાવ્યું હતું કે ટાઈપ-2 ડાયાબિટીસમાં ડેરી પ્રોડક્ટસ સુરક્ષાની કામગીરી કરે છે.

ડો. મોહને પોપ્યુલેશન ઓફ અર્બન રૂરલ એપીડેમીઓલોજી (PURE) ના અભ્યાસને ટાંકીને જણાવ્યું કે મેક માસ્ટર યુનિવર્સિટી, કેનેડાના ડો. સલીમ યુસુફે કરેલા 5 ખંડના 21 દેશોમાં દોઢ લાખ વ્યક્તિઓ ઉપર 15 વર્ષ સુધી હાથ ધરવામાં આવેલા દીર્ઘ અભ્યાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ અભ્યાસમાં ભારતના 5 શહેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમના આ અભ્યાસમાં દૂધ, યોગર્ટ અને વિવિધ પ્રકારના ચીઝ, યોગર્ટ ડ્રીન્કસ અને દૂધમાંથી તૈયાર કરાયેલી મિશ્ર વાનગીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં હાઈપરટેન્શન અને ટાઈપ-2 ડાયાબિટીસના પ્રારંભ અંગે આંતરરાષ્ટ્રીય માપદંડોનો ઉપયોગ કરીને વ્યાખ્યા કરવામાં આવી હતી. 

આ અભ્યાસમાં  એવું દર્શાવવામાં આવ્યું છે કે ડેરી પ્રોડક્ટસનો વધુ ઉપયોગ કરવાથી હાઈપરટેન્શન અને ડાયાબિટીસનો પ્રસાર ઓછો થાય છે. આ અભ્યાસ બીએમજે ઓપન ડાયાબિટીસ રિસર્ચ જર્નલમાં પ્રસિધ્ધ કરાયો હતા. અંતમાં પ્રતિષ્ઠીત ‘લેન્સેટ’ જર્નલમાં પ્રસિધ્ધ થયેલા વધુ એક PURE સ્ટડીનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે ડેરી પ્રોડક્ટસ લેવાથી કાર્ડિયોવાસ્કયુલર રોગો અને કાર્ડિયોવાસ્ક્યુલર મોર્ટાલિટી બંનેમાં ઘટાડો થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો જે લોકો ડેરી પ્રોડક્ટસનો વપરાશ કરે છે તે લાંબુ જીવે છે. આ રીતે ડેરી પ્રોડ્કટસના આરોગ્યલક્ષી લાભ પૂરવાર થયેલા છે.

અત્યાર સુધીમાં થયેલા તમામ અભ્યાસને આધારે ડો. મોહને અંતમાં જણાવ્યું હતું કે ડેરી પ્રોડક્ટસના વપરાશથી ડાયાબિટીસ ઓછો પ્રસરે છે તથા મેટાબોલિક સિન્ડ્રોમ, હાઈપરટેન્શન, કાર્ડિયોવાસ્ક્યુલર રોગો, સ્ટ્રોક અને મૃત્યુ દરમાં પણ ઘટાડો થઈ લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. તેમણે જણાવ્યું હતું કે ડેરી પ્રોડક્ટસના વપરાશને અને ખાસ કરીને નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશો એ કે જ્યાં આહારની ગુણવત્તા નબળી છે ત્યાં પ્રોત્સાહન આપવું જોઈએ તથા ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ ઓછુ છે ત્યાં દૂધ અને ડેરી પ્રોડ્કટસ  પ્રોટીન અને કેલ્શિયમનો સ્રોત બની રહે છે.

પ્રવચન પહેલાં ઈરમાના એક્ટીંગ ડિરેક્ટર ડો. શાશ્વત બિશ્વાસે તમામ મહાનુભાવોનું તથા સમારંભમાં ભાગ લેનારનું સ્વાગત કર્યું હતું. જ્યારે વર્ગીસ કુરિયન સેન્ટર ફોર એક્સેલન્સના ચેરપર્સન અને ઈન્ડીયન ડેરી એસોસિએશનના ચેરમેન ડો. જે બી પ્રજાપતિએ વક્તાનો પરિચય આપ્યો હતો અને સમગ્ર સમારંભનું સંચાલન કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news