તમારા બાળકને ભૂલથી પણ ન આપશો આ ફૂડ, જાણો બાળક ખાતુ ન હોય તો આપવો જોઈએ કેવો ખોરાક

બાળકનો વિકાસ તેના આહાર અને આહારશૈલી પર આધાર રાખે છે. ઘણીવાર લોકો એકબીજાનું આંધળુ અનુકરણ કરવામાં બાળક માટે જરૂરી કેટલીક મૂળભૂત વાતોનું ધ્યાન નથી રાખતા. બાળકનાં સારસંભાળ અને ઉછેરમાં કેટલીક આદતો નાનપણથી જ શીખવવામાં આવે, તો તેનું સારુ ઘડતર થઈ શકે છે.  

Updated By: Jan 22, 2021, 12:11 PM IST
તમારા બાળકને ભૂલથી પણ ન આપશો આ ફૂડ, જાણો બાળક ખાતુ ન હોય તો આપવો જોઈએ કેવો ખોરાક

મોનાલી સોની, અમદાવાદઃ દુનિયાનો કોઈપણ બાળક ડાહ્યો ડમરો થઈને એકવાર કહ્યે, ક્યારેય જમવા નથી બેસતો. આ વાત સદીઓ પહેલા પણ લાગુ પડતી હતી, આજે પણ પડે છે અને આગામી વર્ષોમાં પણ લાગુ પડશે. બાળકને જમાડવુ જ પુરતુ નથી, તેની સાથે કેટલીક મૂળભૂત વાતો પણ તેને નાનપણથી શીખવવામાં આવે, તો તેનુ સારુ ઘડતર થઈ શકે છે.

જમાડતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મૂળભૂત બાબતો

બાળકોને હંમેશાં નીચે બેસાડીને જમાડો
બાળકોને જમાડવા માટે આજકાલ માતા-પિતા લાંબી પૈડાંવાળી ખુરશીનો ઉપયોગ કરે છે. જેમાં બાળકને બેસાડ્યા પછી, તેને લોક કરી દેવામાં આવે છે. જેથી જમાડતા સમયે બાળકને પકડવા માટે દોડવુ ન પડે. એટલા માટે માતા-પિતાને લાગે છે કે, બાળકને એક જ જગ્યા પર બેસાડીને જમાડવાનો આ બેસ્ટ ઉપાય છે. પરંતુ આમ કરવુ યોગ્ય નથી. બાળકને નીચે બેસીને જમાડવાનું રાખો. નાનપણથી નીચે બેસીને જમવાના ઘણા ફાયદા છે.

જમાડવાની જવાબદારી તમારી રાખો
બાળક લગભગ ત્રણથી ચાર વર્ષનું હોય ત્યાં સુધી તેને કોઈએ જમાડવું પડે છે. પરંતુ જ્યારે તે બે વર્ષનું હોય ત્યારે, કંઈને કંઈ જાતે ખાવા આપવું. આમ કરવાથી બાળકને જાતે ખાવાનો સંતોષ મળશે. બાળકને ખવડાવવાની જવાબદારી ઘરનાં સભ્યોની જ રાખવી, ક્યારેય ઘરમાં કામવાળા બહેનને કે ભાઈને બાળકને જમાડવાનું ન કહેવું. ઘરના સભ્યોની હૂંફ અને પ્રેમની સાથે બાળક સરળતાથી જમી શકશે. પરિવારની સાથે બેસીને જમવાથી બાળક જલ્દીથી તેની જાતે જમતા શીખી જાય છે.

બાળકના વજન માટે ચિંતિત છો? આ વાત જાણી લો ચિંતા દૂર થઈ જશે

પ્લાસ્ટિકના વાસણમાં ન જમાડો
આજકાલ માર્કેટમાં બાળકો માટે ફેન્સી, કાર્ટૂનની પ્રિન્ટવાળા પ્લાસ્ટિકના, મેલામાઈનનાં વાસણો મળે છે. જે પહેલી જ નજરે બાળકોને ગમી જાય છે અને પેરન્ટસ પણ લેતા આવે છે. પરંતુ પ્લાસ્ટિક ગમે તેટલું સારી ક્વોલિટીનું હોય છતાં, બાળકને પ્લાસ્ટિકના વાસણમાં ખોરાક ન આપો. આપણે ત્યાં નાનાં બાળકોને ચાંદીની વાટકી, ચમચી, નાનો ગ્લાસ જેવા વાસણોની ભેટ આપવામાં આવે છે. ચાંદીના વાસણમાં જમાડવુ સ્વાસ્થ્ય માટે લાભકારક હોય છે.

ખવડાવતી વખતે ઇન્ફર્મેશન ન આપો
આજકાલ બાળકને જમાડતી વખતે તેને જ્ઞાન આપવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જમાડતા સમયે મમ્મી કહેતી હોય છે કે, દાળ ખાવાથી પ્રોટીન બનશે. જે તમને સ્ટ્રોંગ બનાવશે. આ પ્રકારનું જ્ઞાન બાળકોને સતત આપ્યા કરવાથી લાંબાગાળે તેને ખોરાક પ્રત્યે અણગમો થાય છે.  બાળકોને ખોરાકનું જ્ઞાન આપવાના બદલે તેને વાર્તાઓ કહો. એનાથી બાળકને જમવાનું પણ મન થશે, અને ભોજનથી રૂચિ પણ વધશે.

 

રમવું ફરજિયાત
બાળકના વિકાસ જેટલુ મહત્વ ખોરાકનું છે, તેટલુ જ મહત્વ રમતગમતનું છે. બાળકને ગમે તેટલો પોષણયુક્ત ખોરાક આપો, પરંતુ જો તેને રમતગમતમાં રસ જ નથી તો તેનું શરીર પોષણ લેતુ જ નથી. દિવસમાં 90 મિનિટ સુધી રમવુ બાળક માટે જરૂરી છે. ઉછળકૂદ કરતું બાળક સામાન્ય રીતે સંપૂર્ણ ખોરાકમાંથી જ પોતાનું પોષણ મેળવી લે છે. કારણકે તેનું શરીર તેના ખોરાકમાંથી દરેક તત્વનો ઉપયોગ કરતું થઈ જાય છે. માતા-પિતાએ બાળક પર ભણતરનો ભાર એટલો પણ ન રાખવો, કે તે રમવા માટે 90 મિનિટ જેટલો પણ સમય ન કાઢી શકે.


ઊઠ્યા પછી તરત પૅકેટ ફૂડ ન જ આપો
સામાન્ય રીતે બાળકને પેકેટ ફૂડથી દૂર જ રાખવા સારા. પરંતુ જો આમ તમને અશક્ય લાગે છે તો, એટલું ધ્યાન ચોક્કસથી રાખો કે ઊઠીને પહેલો ખોરાક એટલે કે બ્રેકફાસ્ટ તેનો પૅકેટમાંથી ન આવવો જોઈએ. બાળકોને પેકેટવાળુ દૂધ,  કૉર્ન ફ્લેક્સ કે બિસ્કિટ કે ઓટ્સ જેવા નાસ્તા ન આપો. સાથે જ ધ્યાન રાખો કે, બાળક નાસ્તો કર્યા વગર ઘરેથી બહાર ન નીકળે. સ્કૂલમાં જતા પહેલા કારમાં કે બસમાં નાસ્તો કરવો યોગ્ય નથી. માટે ઘરેથી જ યોગ્ય બ્રેકફાસ્ટ કરાવવાની ટેવ પાડો.


તમારા બાળકને ભૂલથી પણ ન આપશો આ ફૂડ
માતા-પિતા બનવામાં જેટલો આનંદ આવે છે, તેટલી જ મુશ્કેલી શરૂઆતના તબક્કામાં પડતી હોય છે. દરેક માતા-પિતાને એમ હોય કે, તેમનું બાળક હેલ્ધી ભોજન લે. પરંતુ કેટલાક ફૂડ બાળકો માટે નુકસાન કારક હોય છે.

ઉકાળ્યા વગરનું દૂધઃ બાળકોના વિકાસ માટે દૂધ ખૂબ જ જરૂરી છે. બાળકોને હંમેશા પેશ્ચરાઈઝ કરેલુ એટલે કે ઉકાળેલુ દૂધ આપવુ જોઈએ. કેટલાક લોકો એવુ માને છે કે, દૂધને ઉકાળવાથી તેમાં રહેલા પોષકતત્વો ઓછા થઈ જાય છે પરંતુ વાસ્તવિકતા અલગ છે. નાના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોય છે. આવામાં ઉકાળ્યા વિનાનું દૂધ આપવાથી તેમને પેટના રોગ થવાની શક્યતા હોય છે. માટે 12 વર્ષથી નાના બાળકોને ઉકાળ્યા વગરનું દૂધ આપવુ હાનિકારક છે.

વ્હાઈટ બ્રેડઃ વ્હાઈટ બ્રેડ એવા ઘઉંના લોટમાંથી બનાવાય છે જેમાં પ્રોટીન અને ગ્લુટન ઊંચા પ્રમાણમાં હોય છે. બાળકોની પાચનશક્તિ નબળી હોવાથી પ્રોટીન અને ગ્લુટન પચાવવુ તેમના માટે મુશ્કેલ હોય છે. માટે 6 વર્ષથી નાના બાળકોને વ્હાઈટ બ્રેડ આપવી હિતાવહ નથી.

પિત્ઝાઃ આજની તારીખનું સૌથી લોકપ્રિય જંકફૂડ છે પિત્ઝા. પંરતુ ઘણા ઓછા લોકો જાણે છે કે, પિત્ઝામાં કેટલાંક ઈન્ગ્રેડિયન્ટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકર્તા હોય છે. પિત્ઝામાં સેચ્યુરેટેડ ફેટ ઘણા ઊંચા પ્રમાણમાં હોય છે. તેમાં સોલ્ટ અને કેલેરિઝ પણ વધુ માત્રામાં હોય છે જે બાળકો અને ટીનેજર્સ માટે પણ નુકસાનકર્તા છે.

પેસ્ટ્રી, કૂકીઝ અને કેકઃ પેસ્ટ્રીઝ અને કેક્સમાં કેલરીઝની માત્રા ખૂબ જ વધુ હોય છે. આ સિવાય તેમાં મહત્વનાં પોષકતત્વો નથી હોતા. મોટી માત્રામાં શુગર હોય છે જે શરીર માટે હાનિકારક છે.
જો પેસ્ટ્રી, કૂકીઝ અને કેક જેવા ફૂડ મોટા લોકોને નુકસાનકર્તા હોય તો વિચારો બાળકો માટે તે કેટલા હાનિકારક હશે!

માઈક્રોવેવ પોપકોર્નઃ ઈન્સ્ટન્ટ પોપકોર્ન બનાવવા પણ સાવ સહેલા છે અને તે બાળકોને ખૂબ ભાવે છે પરંતુ તે બાળકોના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. 2 મિનિટમાં બની જતા પોપકોર્નમાં પર્ફ્યુરોઓક્ટેનોઈક એસિડ રહેલું હોય છે. માઈક્રોવેવમાં પોપકોર્ન આગ ન પકડે તે માટે આ કેમિકલ ઉમેરવામાં આવે છે. આવા પોપકોર્ન ખાવાથી બાળકોના કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઊંચુ જાય છે, અને થાઈરોઈડની સમસ્યા સર્જાઈ શકે છે.

મધઃ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારુ ગણાતુ મધ પણ બાળકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. મધમાં કેટલાંક બેક્ટેરિયા રહેલા છે જે શરીરમાં બોટુલિઝમ જેવા ઈન્ફેક્શન ફેલાવે છે. 2 વર્ષથી નાના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોય છે અને તેમને આ ઈન્ફેક્શન સરળતાથી લાગી શકે છે. એટલા માટે બાળકોને મધ ભૂલથી પણ ન આપવુ જોઈએ.

હાથની રેખાઓ આપે છે બીમારીનો સંકેત,આવી રીતે આપણને થાય છે જાણ

બાળક ખાતું કેમ નથી?
બાળકને ભૂખ ન લાગવાના તથા સરખુ ન જમવાના અનેક કારણો છે. જેમકે માંદગી, જો બહારથી સારા દેખાતા બાળકનો ખોરાક ઓછો હોય કે થઇ જાય તો માંદગી માટે તાપસ કરાવવી. આ સિવાય ઘણી માતા પોતાનું બાળક રડે કે તરત તેને ધાવણ અથવા તો દૂધની બોટલ આપે છે. આમ કરવાથી બાળકને જરૂર કરતાં વધારે પડતુ દૂધ મળે છે. જેની સીધી અસર તેના ખોરાક પર પડે છે. પહેલા બે વર્ષ દરમિયાન બાળકને ખવડાવવા કરતાં ખાતા શીખવવાનું જરૂરી હોય છે. જેમ કે, ચમચી પકડતા ,ચાવતા ,ગળતા ,ખોરાક પારખતા શીખવવાનું હોય છે. આ સિવાય ચોક્કસ સમયે જમવાની તથા તેની ચમચી ,વાટકી,થાળી ,પ્યાલો ,બેસવાની જગ્યા નક્કી જોઈએ જેથી તેને જમવાની ટેવ પડે. ઘણી માતાઓ નોકરી અને અન્ય ઘરકામ માં એટલે વ્યસ્ત હોય છે કે તેને બાળકો ને ખવડાવવાનો પૂરતો સમય નથી ફાળવી શકતી. યાદ રાખો, બાળકનાં ખોરાકનો આધાર કોણ ખવડાવે અને કેવી રીત ખવડાવે તેના પર છે. ગુસ્સો,બળજબરી ધમકી કે બીકથી બાળક કદી સારો ખોરાક નહીં ખાય.

શિયાળામાં ગોળ ખાવાના છે અનેક ફાયદાઓ, બારે મહિના તમારાથી દૂર રહેશે આ રોગો

બાળક ખાતું ના હોય તો શું કરશો?
બાળકની સંપૂર્ણ શારીરિક તપાસ કરાવો અને ઘરે દર છ મહિને ઉંચાઈ તથા વજન માપી નોંધ રાખો. બાળકને શું ગમે છે, તે વાતને પણ પ્રાધાન્ય આપો. બાળક બળજબરીથી ક્યારેય નહીં ખાય. બાળક તમને ગમે તેટલુ વ્હાલુ હોય, તેમ છતાં પણ ખવડાવતા સમયે તેને વધુ પડતા કાલાવાલા ન કરો. ઘરમાં શિસ્ત પણ જરૂરી છે. જો બાળક ખાવામાં વધુ પડતા નાટક કરે, તો ખાવાનું લઈ લેવુ, થોડુ ભૂખ્યુ રાખવુ પડે તો તેમ પણ કરવુ. આમ કરવાથી તેને બોધપાઠ મળશે, અને બીજીવાર ખાવામાં નાટક નહીં કરે.

બાળકને એકનું એક ભોજન દરરોજ ન આપો. સ્વાદિષ્ટ અને આકર્ષક રીતે સજાવીને ભોજન આપો. બાળકને રમતા રમતા ખવડાવો. નાસ્તો વધુ આપો. બાળકની નજર સામે એક મોટા મોંઢાવાળી બરણી સૂકા નાસ્તા અને ડ્રાયફ્રૂટથી ભરેલી રાખો. તે જાતે જ ઈચ્છા મુજબ ખાઈ લેશે. બાળકને જાતે ખાવાની ટેવ પાડો. એકની એક વસ્તુની વારંવાર માગ કરે, તો જરૂરથી આપો પરંતુ થોડા થોડા અંતરે જાતે જ કંટાળી જશે. બાળક માગે તો ક્યારેક બજારનો ખોરાક પણ લઈ આપો. પરંતુ બજારનો ખોરાક ખાવા માટે પૈસા આપવાની ટેવ ન પાડશો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube