Health Tips: સામાન્ય ભાષામાં સમજો ગર્ભાશયના મુખના કેન્સરને, દરેક મહિલાએ સજાગ થવું જરૂરી
Health Tips: પૂનમ પાંડેનું મોત દરેક સ્ત્રી માટે ચેતવણી સમાન છે. કારણ કે સર્વાઇકલ કેન્સરને લઈને દરેક સ્ત્રીએ સચેત રહેવું જરૂરી છે. સર્વાઇકલ કેન્સરને સામાન્ય ભાષામાં ગર્ભાશયના મુખનું કેન્સર પણ કહેવાય છે. સર્વાઇકલ કેન્સર ભારતમાં મહિલાઓમાં થતું બીજા ક્રમનું કેન્સર છે.
Trending Photos
Health Tips: બોલીવુડ અભિનેત્રી પૂનમ પાંડે નું 32 વર્ષની ઉંમરે સરવાઇકલ કેન્સરના કારણે મોત થયું છે. પૂનમ પાંડેએ પોતાના વતન કાનપુરમાં અંતિમ શ્વાસ લીધા. પૂનમ પાંડેના નિધનની જાણકારી તેની ટીમે ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને આપી હતી. પૂનમ પાંડેના ઈંસ્ટા પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે, " 2 ફેબ્રુઆરી અમારા માટે મુશ્કેલ દિવસ છે. એ જણાવતા દુઃખ થઈ રહ્યું છે કે અમે સર્વાઇકલ કેન્સરના કારણે પૂનમને ગુમાવી છે...." આ પોસ્ટ શેર થતાં જ પૂનમ પાંડેના ફેન્સને આંચકો લાગ્યો છે. પૂનમ પાંડેનું મોત દરેક સ્ત્રી માટે ચેતવણી સમાન છે. કારણ કે સર્વાઇકલ કેન્સરને લઈને દરેક સ્ત્રીએ સચેત રહેવું જરૂરી છે.
શું છે સર્વાઇકલ કેન્સર ?
સર્વાઇકલ કેન્સરને સામાન્ય ભાષામાં ગર્ભાશયના મુખનું કેન્સર પણ કહેવાય છે. સર્વાઇકલ કેન્સર ભારતમાં મહિલાઓમાં થતું બીજા ક્રમનું કેન્સર છે. જે હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે એચપીવીના કારણે થાય છે. જે એક સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન છે. આ સંક્રમણ થવું ખૂબ જ સામાન્ય છે અને મોટાભાગના લોકો તેના જીવનમાં આ વાઇરસથી સંક્રમિત થાય છે. પરંતુ કેટલાક લોકોનું શરીર આ વાઇરસને ખતમ કરવા માટે સક્ષમ હોય છે. અને કેટલાકના શરીરમાં આ વાઇરસ ગર્ભાશયની ગ્રીવામાં અસામાન્ય સેલ્સના વિકાસનું કારણ બને છે. જે આગળ જતા કેન્સરમાં પરિવર્તિત થાય છે.
સર્વાઇકલ કેન્સરના શરૂઆતી લક્ષણ
સર્વાઇકલ કેન્સરની શરૂઆતમાં કોઈ જ લક્ષણ દેખાતા નથી. જેમ જેમ કેન્સર વધે છે તેમ મહિલાઓને યોનિમાંથી રક્તસ્ત્રાવ થાય છે. સાથે જ પેટના નીચેના ભાગમાં દુખાવો અનુભવાય છે. આ સિવાય અસામાન્ય રીતે વજન ઘટી જાય છે અને શરીરમાં સતત થાક લાગે છે. આ લક્ષણો સર્વાઇકલ કેન્સરની શરૂઆતમાં જોવા મળે છે.
કેવી રીતે બચવું સર્વાઇકલ કેન્સરથી ?
સર્વાઇકલ કેન્સરને રોકવાનો સૌથી સારો ઈલાજ છે એચપીવી માટેની રસી. આ રસીકરણ અંગે નાણામંત્રી નિર્મલા સીતારામ અને બજેટમાં પણ ઉલ્લેખ કર્યો હતો. આ રસી યુવતીઓ અને મહિલાઓને એચપીવી સંક્રમણથી બચાવે છે. આ વાયરસ જ સર્વાઇકલ કેન્સર થવાનું મુખ્ય કારણ હોય છે. એચપીવી રસી ભારતમાં 9 થી 26 વર્ષની યુવતીઓ અને મહિલાઓ માટે ઉપલબ્ધ છે. આ સિવાય સર્વાઇકલ કેન્સરથી બચવા માટે દરેક મહિલાએ નિયમિત રીતે એચપીવી ટેસ્ટ કરાવવો, સુરક્ષિત યૌન સંબંધ બનાવવા, ધુમ્રપાન ન કરવું, નિયમિત રીતે વ્યાયામ કરવો અને હેલ્ધી ડાયટ ફોલો કરવી.
સર્વાઇકલ કેન્સર માટેના ટેસ્ટ
સર્વાઇકલ કેન્સર છે કે નહીં તેના માટે નિયમિત તપાસ કરવી મહત્વપૂર્ણ છે. તેના માટે પૈપ સ્મીયર અને એચપીવી ટેસ્ટ મુખ્ય રીતે કરવામાં આવે છે. આ બંને ટેસ્ટ વડે જાણી શકાય છે કે સર્વાઇકલ કેન્સર છે કે નહીં. દર વર્ષે અનેક મહિલાઓ સર્વાઇકલ કેન્સરના કારણે જીવ ગુમાવે છે ત્યારે સર્વાઇકલ કેન્સર પ્રત્યે સજાગ થવું અને નિયમિત રીતે હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે