હૈદરાબાદમાં ધોળાદિવસે સરાજાહેર એક વ્યક્તિને રહેંસી નાખ્યો, પોલીસ મૂકદર્શક બનીને જોતી રહી

પોલીસે મૃતકની ઓળખ રમેશ ગોડ તરીકે કરી છે, જે ગયા વર્ષે જાતિય ઈર્ષાના કેસમાં તેના મિત્ર મહેશ ગોડની હત્યાનો મુખ્ય આરોપી છે

હૈદરાબાદમાં ધોળાદિવસે સરાજાહેર એક વ્યક્તિને રહેંસી નાખ્યો, પોલીસ મૂકદર્શક બનીને જોતી રહી

હૈદરાબાદઃ બુધવારે હૈદરાબાદમાં એક વ્યક્તિની ધોળાદિવસે સરાજાહેર માર્ગ ઉપર બે વ્યક્તિ દ્વારા હત્યા કરી દેવામાં આવી. આ સમયે પોલીસ બાજુમાં ઊભી-ઊભી મૂકદર્શક બનીને સમગ્ર ઘટના જોઈ રહી હતી. 

હૈદરાબાદમાં પીવીએનઆર એક્સપ્રેસવે પર આવેલા અટ્ટાપુર રોડ પર બે વ્યક્તિઓ કુહાડી લઈને એક વ્યક્તિ પર અત્યંત નિર્દયી રીતે તુટી પડ્યા હતા. ઘટનાસ્થળ પર હાજર લોકો દ્વારા ઉતારવામાં આવેલા વીડિયો મુજબ એક હુમલાખોર વારંવાર ભોગ બનનાર વ્યક્તિ પર કુહાડીથી હુમલો કરી રહ્યો હતો અને જ્યાં સુધી તે મરી ન ગયો ત્યાં સુધી તે અટક્યો નહીં. રિપોર્ટ મુજબ માત્ર 21 સેકન્ડમાં પેલી વ્યક્તિએ મૃતક પર કુહાડીના 13 ઘા માર્યા હતા. 

પોલીસે મૃતકની ઓળખ રમેશ ગોડ નામથી કરી છે, જે ગયા વર્ષે મહેશ ગોડની જાતિય ઈર્ષામાં થયેલી હત્યાનો મુખ્ય આરોપી છે. મહેશના પિતા ક્રિશ્ના ગોડ, કાકા લક્ષ્મ ગોડે તેમના પુત્રની મહેશની હત્યાનો બદલો રમેશની હત્યા કરીને લીધો છે. રમેશ હત્યા કેસમાં કોર્ટમાં હાજરી આપીને ઘરે પાછો ફરી રહ્યો હતો. 

ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ એ સમયે પોલીસ નજીકમાં જ ઊભી હતી પરંતુ તેણે હત્યારાઓને રોક્યા નહીં. જોકે, પોલીસ અધિકારીઓએ આ આરોપોને નકારી દીધા છે અને તેમણે જણાવ્યું છે કે પોલીસ તેમની લાકડી લેવા માટે ગઈ હતી. 

વાયરલ થયેલા વીડિયો મુજબ રમેશ પર જ્યારે હુમલો થઈ રહ્યો હતો ત્યારે પોલીસની જીપ નજીકમાંથી જ પસાર થઈ રહી હતી. પોલીસે આ અંગે સ્પષ્ટતા કરી છે કે, તેમની જીપ રોડથી થોડે દૂર ઊભી હતી. હુમલાખોરોએ નજીકમાં જ પોલીસનું પેટ્રોલિંગ વાહન ઉભેલું હોવા છતાં પણ નિશ્ચિંત રહીને હુમલાને અંજામ આપ્યો હતો. 

વીડિયોમાં જોવા મળે છે તે પ્રમાણે હત્યા કરી લીધા બાદ હત્યારાએ પોતાના શર્ટના બટન બંધ કર્યા હતા જાણે કે અને પોતાના હાથ ઊંચા કરીને જાણે કે કોઈ મોટો 'વિજય' મેળવ્યો હોય એવો ઈશારો કર્યો હતો. પોલીસે હત્યારાઓની ધરપકડ કરી લીધી છે. 

પોલીસના જણાવ્યા મુજબ, 38 વર્ષના રમેશના એક મહિલા સાથે લગ્નેતર સંબંધ હતા, પરંતુ તેના મિત્ર મહેશે પણ એ મહિલા સાથે મિત્રતા શરૂ કરી દીધી હતી. રમેશની ચેતવણી બાદ પણ મહેશ જ્યારે માન્યો નહીં ત્યારે રમેશે તેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. 

રમેશ તેના ત્રણ મિત્રો સાથે મહેશને લઈને શહેરની બહાર આવેલા એક મંદિરે લઈ ગયા હતા. આ દરમિયાન કારમાં મહેશને ચિક્કાર દારૂ પીવડાવાયો હતો. જ્યારે મહેશ દારૂના નશામાં આવી ગયો ત્યારે રમેશે ચાલતી કારમાં જ મહેશનું ગળું રહેંસી નાખ્યું હતું અને ત્યાર બાદ મંદિરની નજીક જઈને તેના મૃત શરીરને સળગાવી નાખ્યું હતું. 

આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે સર્વિસ સેન્ટરમાં મિકેનિકે કારમાં લોહીનાં ટીપાં જોયાં હતા અને પછી પોલીસને જાણ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news