રાજીવ ગાંધી પાસેથી 'ભારત રત્ન' પાછો લેવાના પ્રસ્તાવ પર AAPમાં ઘમાસાણ, નારાજ અલકા લાંબા આપશે રાજીનામું
: આપ ધારાસભ્ય અલ્કા લામ્બાએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને અપાયેલા ભારત રત્ન સન્માનને પાછા લેવા મામલે વિધાનસભામાં રજુ થયેલા કથિત પ્રસ્તાવનો વિરોધ કરતા શુક્રવારે કહ્યું કે તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા જઈ રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: આપ ધારાસભ્ય અલ્કા લામ્બાએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને અપાયેલા ભારત રત્ન સન્માનને પાછા લેવા મામલે વિધાનસભામાં રજુ થયેલા કથિત પ્રસ્તાવનો વિરોધ કરતા શુક્રવારે કહ્યું કે તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા જઈ રહ્યાં છે. લાંબાએ શુક્રવારે મીડિયાને જણાવ્યું કે હું આ પ્રસ્તાવનું સમર્થન કરતી નથી.
અલ્કા લાંબાએ કહ્યું કે વિધાનસભામાં આ પ્રસ્તાવ રજુ થવા મુદ્દે હું સદનમાંથી બહાર આવી ગઈ. ત્યારબાદ જ્યારે મને આ પ્રસ્તાવ પસાર થયો હોવાની જાણકારી મળી તો મેં તે અંગે આપના સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે કેજરીવાલે મને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવાનું કહ્યું છે. આથી હું પાર્ટી પ્રમુખના આદેશનું પાલન કરતા રાજીનામું આપવા જઈ રહી છું.
અલ્કા લાંબાએ ટ્વિટ કરીને કહ્યું કે આજે દિલ્હી વિધાનસભામાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો કે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય શ્રી રાજીવ ગાંધીને જે ભારત રત્ન આપવામાં આવ્યો તે પાછો લેવો જોઈએ. મને મારા ભાષણમાં આ અંગે સમર્થન કરવાનું કહેવાયું જે મને મંજૂર નહતું. મેં સદનમાંથી વોકઆઉટ કર્યું અને હવે તેની જે પણ સજા મળશે તે માટે તૈયાર છું.
લાંબાએ કહ્યું કે કોઈ વ્યક્તિને કોઈ એક કામ માટે ભારત રત્ન મળતો નથી. દેશ માટે તેણે આજીવન જે ઉલ્લેખનીય કામ કર્યાં તે માટે આ સન્માન અપાય છે. આથી કોઈ એક કારણસર ભારત રત્ન પાછો લેવાની વાતનું સમર્થન કરવું તે યોગ્ય નથી. તેમણે કહ્યું કે રાજીવજીએ દેશ માટે કુરબાની આપી છે. આ વાતને ભૂલી શકાય નહીં.
ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભામાં શુક્રવારે આપના બે ધારાસભ્યોએ શીખ રમખાણો મામલાનો હવાલો આપતા રાજીવ ગાંધીનો ભારત રત્ન સન્માન પાછો લઈ લેવો જોઈએ તેવી કેન્દ્ર સરકાર પાસે માંગણી કરતો પ્રસ્તાવ રજુ કર્યો હતો. હાલ આપ તરફથી કોઈ અધિકૃત પ્રતિક્રિયા અપાઈ નથી.
(ઈનપુટ ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે