Agniveer Recruitment: અગ્નિવીરોની ભરતી માટે આર્મીએ બહાર પાડ્યું નોટિફિકેશન, જાણો ક્યારથી શરૂ થશે રજિસ્ટ્રેશન
Agniveer Recruitment: અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે ભારતીય સેનાએ આજે એક મહત્વનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.
Trending Photos
Agniveer Recruitment: કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી માટે ભારતીય સેનાએ અગ્નિવીર રિક્રૂટમેન્ટ રેલી નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. જે હેઠળ ઉમેદવારોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જુલાઈ 2022થી શરૂ થશે.
નોટિફિકેશનમાં અપાઈ આ વિગતો
બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં યોગ્યતા શરતો, ભરતી પ્રક્રિયા, વેતન અને ભથ્થાથી લઈને સેવાના નિયમો અંગેની વિગતો છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે joinindianarmy.nic.in પર જવું પડશે. નોટિફિકેશન મુજબ 8મું અને 10મું ધોરણ પાસ યુવા પણ તે માટે અરજી કરી શકે છે. યોજના હેઠળ અગ્નિવીરોની ચાર વર્ષ માટે ભરતી થશે. તેમને પેન્શન કે ગ્રેજ્યુઈટી મળશે નહીં. અગ્નિવીરોને પહેલા વર્ષે 30 હજાર રૂપિયા, બીજા વર્ષે 33 હજાર રૂપિયા માસિક, ત્રીજા વર્ષે 36,500 રૂપિયા માસિક અને ચોથા વર્ષે 40 હજાર રૂપિયા માસિક પગાર મળશે. આ પેકેજમાંથી 30 ટકા દર મહિને અલગ જમા કરવામાં આવશે. આટલા જ પૈસા સરકાર પોતાના તરફથી જમા કરશે.
ચાર વર્ષની સેવા પૂરી થયા બાદ સેવા નિધિ તરીકે લગભગ 12 લાખ રૂપિયા દરેક અગ્નિવીરને મળશે. સેવા નિધિ પર આવકવેરા કર લાગશે નહીં. અગ્નિવીરોને વર્ષમાં 30 રજાઓ મળશે. રેગ્યુલર કેડેટ અંગે નોટિફિકેશનમાં કહેવાયું છે કે ચાર વર્ષ બાદ પસંદગી પામેલા અગ્નિવીરને આગામી 15 વર્ષ માટે સેનામાં સામેલ કરાશે. આર્મીમાં પણ અગ્નિવીરોને વર્ષમાં 30 રજાઓ મળશે. અગ્નિવીરોને કોઈ મોંઘવારી ભથ્થું કે મિલેટ્રી સર્વિસ પે મળશે નહીં.
Indian Army issues notification for Agniveer recruitment rally, registration to open from July onwards#AgnipathScheme pic.twitter.com/VnrAiOXibU
— ANI (@ANI) June 20, 2022
એરફોર્સ અને નેવીમાં ભરતીનું શું છે સ્ટેટસ?
રવિવારે ત્રણેય સેનાઓએ અગ્નિપથ યોજના હેઠળ ભરતીઓમાં તેજી લાવવાની વાત કરી હતી. વાયુસેનાએ કહ્યું કે અગ્નિવીરો માટે રજિસ્ટ્રશન પ્રક્રિયા 24 જૂનથી શરૂ થઈ જશે. તે ઓનલાઈન રહેશે. 24 જુલાઈથી ફેઝ વન ઓનલાઈન એક્ઝામ થશે. પહેલી બેચની ટ્રેનિંગ 30 ડિસેમ્બર સુધીમાં શરૂ થવાની યોજના છે. નેવીએ કહ્યું કે ભરતી પ્રક્રિયા પર સમગ્ર કામ થઈ ગયું છે. 25 જૂન સુધીમાં જાહેરાત બહાર પડશે. 21 નવેમ્બરના રોજ પહેલી અગ્નિવીરોની બેચ ટ્રેનિંગ સેન્ટર પર પહોંચવાની શરૂ થઈ જશે. મહિલા અગ્નિવીર પણ સામેલ થશે.
આ અગાઉ રવિવારે ભારતીય સેનાએ અગ્નિપથ સેનાભરતી યોજના હેઠળ સેનામાં સામેલ થવા ઈચ્છતા યુવાઓ માટે દિશા નિર્દેશ અને અન્ય સંબંધિત જાણકારી પણ બહાર પાડી. સેનાએ કહ્યું કે અગ્નિવીર ભારતીય સેનામાં અલગ અલગ શ્રેણીમાં હશે જે હાલના રેંકથી અલગ હશે તથા તેમને કોઈ પણ રેજિમેન્ટ કે યુનિટમાં તૈનાત કરી શકાશે.
સમય પહેલા સેવામુક્ત નહીં
સેવાનો સમયગાળો પૂરો થયા પહેલા સેવામુક્ત થવાની 'અગ્નિવીર'ની ભલામણ સ્વીકાર કરાશે નહીં. માત્ર અસાધારણ સંજોગોમાં જ તેની મંજૂરી હશે. સક્ષમ અધિકારીની ભલામણ બાદ જ આમ થઈ શકશે.
14 જૂને થઈ જાહેરાત
અત્રે જણાવવાનું કે સરકારે 14 જૂનના રોજ અગ્નિપથ યોજના અંગે જાહેરાત કરી જે હેઠળ સાડા સત્તર વર્ષથી 21 વર્ષ સુધીના યુવાઓ ચાર વર્ષ માટે સેનામાં જોડાઈ શકશે અને તેમાંથી 25 ટકા સૈનિકો આગામી 15 વર્ષ માટે સેનામાં રાખવામાં આવશે. જો કે બાદમાં સરકારે વર્ષ 2022 માટે થનારી ભરતી માટે મહત્તમ ઉંમર મર્યાદા વધારીને 23 વર્ષ કરી. આ નવી યોજના હેઠળ ભરતી થનારા યુવાઓ 'અગ્નિવીર' કહેવાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે