Gyanvapi row: જ્ઞાનવાપી મસ્જિદ પર અખિલેશ યાદવનો મોટો દાવો, ભાજપ પર લગાવ્યા આરોપ

Gyanvapi Mosque row: જ્ઞાનવાપી મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદ પર સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પ્રતિક્રિયા આપી છે. તેમણે આ મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, આવા મુદ્દાને મહત્વ આપીને જરૂરી મુદ્દાથી ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે. 
 

Gyanvapi row: જ્ઞાનવાપી મસ્જિદ પર અખિલેશ યાદવનો મોટો દાવો, ભાજપ પર લગાવ્યા આરોપ

લખનઉઃ જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેને લઈને કાયદાકીય વિવાદ વચ્ચે આ મામલે રાજનીતિ પણ ગરમ થઈ ગઈ છે. એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસી તો પહેલા જ હિન્દુ પક્ષના દાવાને નકારી ચુક્યા છે. હવે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા ભાજપ પર નિશાન સાધ્યુ છે. અખિલેશે કહ્યુ કે, જરૂરી મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા માટે આવા મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યાં છે. 

ભાજપની પાસે નફરતનું કેલેન્ડર
સપા નેતાએ કહ્યુ કે જ્ઞાનવાપી જેવા મુદ્દાને ઇરાદાપૂર્વક ભાજપ અને તેના સહયોગીઓ દ્વારા તૂલ આપવામાં આવી રહ્યું છે. આજે તેલ અને ભોજનનો સામાન મોંઘો થઈ ચુક્યો છે. વધતી મોંઘવારીને લઈને ભાજપની પાસે કોઈ જવાબ નથી. અખિલેશ યાદવે દાવો કર્યો કે ભાજપ પાસે નફરત ફેલાવવાનું કેલેન્ડર છે જે મુદ્દાને તે ચૂંટણી આવતા સતત ઉઠાવે છે. 

ખાનગીકરણ પર સવાલ કરતા અખિલેશ યાદવે કહ્યું કે આજે દેશની સંપત્તિ વેચવામાં આવી રહી છે. ભાજપ વન નેશન વન રાશનનો નારો આપે છે પરંતુ હવે વન નેશન વન બિઝનેશમેન પ્રમાણે કામ કરી રહી છે. મહત્વનું છે કે અખિલેશ સિવાય અન્ય વિપક્ષી પાર્ટીના નેતા જ્ઞાનવાપી સર્વેને રાજકીય પગલું ગણાવી ભાજપ પર પ્રહાર કરી ચુક્યા છે. 

કોર્ટે કમિશનરને હટાવ્યા
જ્ઞાનવાપી સર્વેને લઈને મંગળવારે વારાણસી કોર્ટની સાથે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થઈ છે. આ દરમિયાન ટ્રાયલ કોર્ટે કોર્ટ કમિશનર પર જાણકારી લીક કરવાનો આરોપ લાગ્યા બાદ તેમને હટાવી દીધા છે. તો બાકી બે કમિશનરોને બે દિવસની અંદર સર્વે રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય વજૂખાનાની દીવાલ હટાવવા પર કોર્ટ બુધવારે પોતાનો ચુકાદો આપશે. 

જાણો સુપ્રીમ કોર્ટમાં શું થઈ સુનાવણી
જ્ઞાનવાપી મસ્જિદને લઈને શરૂ થયેલા વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે જે સ્થાન પર શિવલિંગ મળ્યું છે, તેને સીલ કરી દેવામાં આવે અને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે. સર્વોચ્ચ કોર્ટે જિલ્લા તંત્રને આદેશ આપતા કહ્યું કે, શિવલિંગવાળા સ્થાનને સુરક્ષા આપવામાં આવે, પરંતુ તેના કારણે નમાઝમાં મુશ્કેલી ન આવવી જોઈએ. આ સાથે સર્વોચ્ચ કોર્ટે આગામી સુનાવણી માટે ગુરૂવારની તારીખ નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું- આગામી સુનાવણી માટે અમે વારાણસીના ડીએમને આદેશ આપીએ છીએ કે શિવલિંગ મળનાર સ્થાનની સુરક્ષા કરવામાં આવે, પરંતુ મુસ્લિમોને નમાઝ પઢવામાં કોઈ સમસ્યા ન આવવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news