નોબેલ વિજેતાનું મોટું નિવેદન, કહ્યું- ચૂંટણી પરિણામોએ દેખાડી દીધુ કે ભારત હિન્દુ રાષ્ટ્ર નથી

અમર્ત્ય સેને નેતાજી સુભાષ ચંદ્ર બોસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક બાંગ્લાદ સમાચાર ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, ભારત એક હિન્દુ રાષ્ટ્ર નથી, ચૂંટણી પરિણામોથી એ સ્પષ્ટ જાહેર થાય છે.

નોબેલ વિજેતાનું મોટું નિવેદન, કહ્યું- ચૂંટણી પરિણામોએ દેખાડી દીધુ કે ભારત હિન્દુ રાષ્ટ્ર નથી

લોકસભા ચૂંટણી પતી ગઈ અને તેના પરિણામ પણ આવી ગયા જે અનેક રીતે ચોંકાવનારા રહ્યા. હવે નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેને ભાજપ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે હાલની લોકસભા ચૂંટણીના પરિણામ એ  તથ્ય તરફ ઈશારો કરે છે કે વાસ્તવમાં ભારત એક 'હિન્દુ રાષ્ટ્ર' નથી. અત્રે જણાવવાનું કે ગણતરીના કલાકો પહેલા જ સેન અમેરિકાથી કોલકાતા પહોંચ્યા છે. તેમણે લોકોને કેસ વગર જ જેલમાં રાખવાના કથિત ટ્રેન્ડ પર નારાજગી પણ વ્યક્ત કરી. 

અમર્ત્ય સેને નેતાજી સુભાષ ચંદ્ર બોસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક બાંગ્લાદ સમાચાર ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, ભારત એક હિન્દુ રાષ્ટ્ર નથી, ચૂંટણી પરિણામોથી એ સ્પષ્ટ જાહેર થાય છે. તેમણે કહ્યું કે આપણે હંમેશા ચૂંટણી બાદ ફેરફાર આવે તેવી આશા રાખીએ છીએ. પહેલા (ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દરમિયાન) જ કઈ થયું, જે રીતે લોકોને કેસ વગર જેલમાં નાખવા અને અમીર ગરીબ વચ્ચે ખાઈને વધારવી, એ હજુ પણ ચાલુ છે. તેમણે કહ્યું કે આ બંધ થવું જોઈએ. 

નવી કેબિનેટ પણ પહેલા જેવી જ
જાણીતા અર્થશાસ્ત્રી અર્મત્ય સેને કહ્યું કે રાજનીતિક રીતે ખુલ્લા વિચારોની જરૂર છે. ખાસ કરીને જ્યારે ભારત ધર્મનિરપેક્ષ બંધારણ સાથે એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. 90 વર્ષના સેને કહ્યું કે મને નથી લાગતું કે ભારતને 'હિન્દુ રાષ્ટ્ર'માં બદલવાનો વિચાર યોગ્ય છે. તેમણે એમ પણ કહ્યું કે નવા કેન્દ્રીય મંત્રીમંડળ પહેલા જેવું જ છે. તેમણે  કહ્યું કે મંત્રીઓ પાસે પહેલાની જેમ જ વિભાગ વહેંચાયેલા છે. મામૂલી ફેરફાર છતાં રાજકીય રીતે શક્તિશાળી હજુ પણ શક્તિશાળી છે. 

જ્યારે હું નાનો હતો...
સેને એ પણ યાદ કર્યું કે તેમના બાળપણ દરમિયાન જ્યારે ભારત બ્રિટિશ શાસનને આધીન હતું ત્યારે લોકોને કોઈ પણ કેસ વગર જેલમાં નાખી દેવાયા હતા. નોબેલ વિજેતાએ કહ્યું કે, જ્યારે હું નાનો હતો, મારા અનેક કાકાઓ, અને પિતરાઈઓને કેસ વગર જેલમાં નાખી દેવાયા હતા. અમને આશા હતી કે ભારત તેનાથી મુક્ત  થશે. કોંગ્રેસ પણ તેના માટે દોષિત છે કે એ અટક્યું નહીં. તેમણે તેને બદલ્યું નહીં...પરંતુ તે હાલની સરકારમાં વધુ થઈ રહ્યું છે. 

અયોધ્યા રામ મંદિર ઉપર શું કહ્યું?
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ છતાં ભાજપ ફૈઝાબાદની લોકસભા સીટ હાર્યું જેના  પર સેને કહ્યું કે દેશની વાસ્તવિક ઓળખને છૂપાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા. આટલા પૈસા ખર્ચ કરીને રામ મંદિર બનાવવું...ભારતને એક હિન્દુ રાષ્ટ્ર તરીકે ચિત્રિત કરવું, જે મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર, અને નેતાજી સુભાષચંદ્ર બોસના દેશમાં નહતું થવું જોઈતું. તે ભારતની વાસ્તવિક ઓળખની ઉપેક્ષા કરવાના પ્રયત્નને દર્શાવે છે અને તેને બદલવું જોઈએ. સેને એમ પણ કહ્યું કે ભારતમાં બેરોજગારી વધી રહી છે અને પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક સ્વાસ્થ્ય સેવા જેવા ક્ષેત્રોની ઉપેક્ષા થઈ રહી છે. (પીટીઆઈ ઈનપુટ)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news