રાહુલ ગાંધીને મોટો ઝટકો, તેમના ચાર ખાસ મિત્રો માંથી બે 'હાથ' છોડીને ભાજપમાં જોડાઈ ગયાં! બીજા બે મિત્રો પણ છે રાહુલથી નારાજ

ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલાં જિતિન પ્રસાદને પોતાના પક્ષમાં લાવીને બીજેપીએ એક તીરથી બે નિશાન સાધ્યા છે. રાહુલ ગાંધીના નજીકના નેતા પાર્ટી છોડી રહ્યા છે અને જે છે તે નારાજ ચાલી રહ્યા છે. તેનો અર્થ એ થયો કે આવનારા સમયમાં રાહુલ ગાંધી માટેની સફર લોઢાના ચણા ચાવવા જેવી બનવાની છે.

રાહુલ ગાંધીને મોટો ઝટકો, તેમના ચાર ખાસ મિત્રો માંથી બે 'હાથ' છોડીને ભાજપમાં જોડાઈ ગયાં! બીજા બે મિત્રો પણ છે રાહુલથી નારાજ

ઝી બ્યૂરો, અમદાવાદઃ કોંગ્રેસમાં બધું બરાબર ચાલી રહ્યું છે. આજે ફરી એકવાર આ વાત સામે આવી ગઈ. જિતિન પ્રસાદે કોંગ્રેસનો હાથ છોડીને કેસરિયો ધારણ કરી લીધો. ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલાં કોંગ્રેસ માટે આ ઝટકો છે. સાથે જ રાહુલ ગાંધી માટે આ અત્યંત પરેશાન કરનારા સમાચાર છે. જે ચાર નેતા રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવતા હતા. તેમાંથી બે નેતા પાર્ટી છોડીને જતાં રહ્યા છે. રાહુલ ગાંધી જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ હતા, ત્યારે આ ચાર નેતા તેમના સૌથી નજીક હતા અને તેમની ચર્ચા પણ વધારે થતી હતી.

No description available.

 

કોંગ્રેસ કરતાં રાહુલ ગાંધીને મોટો ઝટકો:
જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ, સચિન પાઈલટ અને મિલિંદ દેવરા. આ ચાર તે નામ છે જે વર્ષો સુધી રાહુલ ગાંધીની નજીક રહ્યા. રાહુલ ગાંધીની યુવા ટીમને લઈને જ્યારે ચર્ચા થતી, ત્યારે તેમનો ઉલ્લેખ ચોક્કસ થતો હતો. સંસદની અંદર અને બહાર પણ. અનેક સમયે આ ચારેય સાથે જ જોવા મળતા હતા. આ ચોકડીમાં હવે બે જ રાહુલ ગાંધીની સાથે રહ્યા છે. હવે મોટો સવાલ એ છે કે આ બંને પણ રાહુલ ગાંધીને ક્યારે જવાબ આપી દે તે કહી શકાય નહીં. કેમ કે ભીમકાય થઈ રહેલી બીજેપીની સામે બટુક થઈ રહેલી કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવાની આશા પર વારંવાર પાણી ફરી રહ્યું છે અને નવા કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી કોઈ ને કોઈ રીતે ટાળી દેવામાં આવી રહી છે.

No description available.

ચોકડીમાં બે સાથી રહ્યા, તે પણ છે નારાજ:
ગયા વર્ષે રાજસ્થાનમાં જે થયું તે બધાએ જોયું છે. આ ઝઘડો હજુ પૂરો થયો નથી. ગયા વર્ષે જે અંદરખાને આગ લાગી હતી તેની લહેરો વારંવાર ઉઠતી જોવા મળે છે. રાજસ્થાનમાં પોતાના જ મુંખ્યમંત્રી સામે બાગી થયેલા સચિન પાઈલટ ઘણી મહેનત પછી પાર્ટીની સાથે તો રહી ગયા. પરંતુ તેમની નારાજગી દૂર થઈ નથી. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાઈલટની વચ્ચે શું ચાલી રહ્યું છે તે વાત કોઈનાથી છૂપાયેલી નથી. કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી અનેક પ્રયાસો છતાં પણ મામલો સંપૂર્ણ રીતે શાંત થયો નથી. અને સચિન પાઈલટ વારંવાર અલગ-અલગ રીતે પોતાની નારાજગી વ્યક્ત કરતાં રહે છે.

મિલિંદ દેવરા પણ લાલઘૂમ છે:
રાહુલ ગાંધીના નજીકના સાથીમાં જે નામ બાકી રહ્યુ છે તે મિલિંદ દેવરાનું છે. દેવરાના છેલલાં કેટલાંક નિવેદનો પર ધ્યાન કરવામાં આવે તો આ આશંકાને નકારી શકાય નહીં કે તે રાહુલ ગાંધીને અંગુઠો બતાવી દે. ભારત-ચીન મુદ્દા પર સવાલ ઉઠાવવાનો હોય કે મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપીની સાથે ગઠબંધનની સરકારને લઈને કરવામાં આવેલું નિવેદન હોય. મિલિંદ દેવરાના સૂર બદલાયેલા છે.

રાહુલ ગાંધીનો પડકાર વધશે:
કોંગ્રેસ માટે હાલનો સમય અનેક પડકારોથી ભરેલો છે. આવા સમયમાં જ્યારે પાર્ટી પોતાના માટે આગામી અધ્યક્ષ નક્કી કરી શકતી નથી ત્યારે એક-એક કરીને યુવા નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ બધું સંકટને વધારી રહ્યું છે. રાજસ્થાનમાં જીત પછી સચિન પાઈલટને હાંસિયા પર ધકેલી દેવામાં આવ્યા. તો કમલનાથ સરકાર બન્યા પછી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ પાર્ટીની અંદર પ્રતિષ્ઠા મળે તેની રાહ જોતાં રહ્યા. પરિણામ એ આવ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કમળને પસંદ કરી લીધું અને મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સત્તા છીનવાઈ ગઈ.

રાજસ્થાનમાં સચિન પાઈલટની નારાજગી પછી ત્યાંની સરકાર ધ્રૂજી ગઈ. કોંગ્રેસનો એક મોટો વર્ગ પહેલાંથી નારાજ છે તો બીજી બાજુ રાહુલ ગાંધીના નજીકના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. એવામાં માત્ર કોંગ્રેસ માટે જ નહીં પરંતુ રાહુલ ગાંધી માટે પણ પડકાર વધી જશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news