અસમમાં પૂરથી સ્થિતિ ખરાબ, 29 જેટલા જિલ્લાઓ પાણીથી લબાલબ, અત્યાર સુધી 50થી વધુના મોત

અસમમાં સતત વરસાદ પડી રહ્યો છે અને બ્રહ્મપુત્ર નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. તેના કારણે સૌથી મોટા શહેર ગુવાહાટીના ઘણા ભાગમાં પાણી ભરાવાની સ્થિતિ રહી હતી.  

 અસમમાં પૂરથી સ્થિતિ ખરાબ, 29 જેટલા જિલ્લાઓ પાણીથી લબાલબ, અત્યાર સુધી 50થી વધુના મોત

ગુવાહાટીઃ કેરેબિયન દેશોમાં વાવાઝોડા તો ભારતમાં મેઘરાજા તબાહી મચાવી રહ્યા છે. હાલ જો સૌથી ખરાબ સ્થિતિ હોય તો તે અસમ જિલ્લાની છે. સતત અનરાધાર વરસાદના કારણે 29 જિલ્લાઓ પાણીમાં ડૂબી ગયા છે. એટલું જ નહીં લોકોની સાથે સાથે કાઝીરંગા નેશનલ પાર્કમાં પ્રાણીઓ પણ પૂરના પાણીથી પ્રભાવિત થયા છે. ત્યારે હાલ પૂરના કારણે કેવી છે અસમ રાજ્યની સ્થિતિ જોઈએ આ અહેવાલમાં.... 

અસમમાં હાલ પૂરની સ્થિતિએ તબાહી મચાવી છે. એક તરફ પૂર અને બીજી તરફ વરસાદે લોકોનું જીવવું હરામ કરી દીધું છે. પ્રચંડ વરસાદ અને પૂરના કારણે હાલ તો રાહત શિબિરો જ લોકો માટે ઘર બની ગઈ છે.  છેલ્લા થોડા દિવસથી અસમમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ પણ એટલો કે અસમના અંદાજે 29 જેટલા જિલ્લા પાણીથી લબાબલ થઈ ગયા છે.  જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે.

અસમની બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓ સહિત મુખ્ય નદીઓના જળસ્તર ખતરાના નિશાનની ઉપર પહોંચી ગયા છે. જેના કારણે અસમના 29 જિલ્લાઓમાં લોકોની હાલત બદથી બદતર થઈ ગઈ છે.  અસમમાં થઈ રહેલો સતત વરસાદ લોકોના જીવ માટે જોખમ સાબિત થઈ રહ્યો છે. રાજ્યમાં તોફાન, ભૂસ્ખલન અને પૂરના કારણે ઘણા લોકોના મોત થઈ ચુક્યા છે. પૂરની તબાહીની વાત કરીએ તો અસમમાં અત્યાર સુધીમાં પૂરના કારણે 50થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે 21 લાખથી વધુ લોકો પૂરના પાણીથી પ્રભાવિત થયા છે.

પૂરના કારણે હાલ સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોને બચાવવા માટે NDRF અને SDRF ઉપરાંત ઘણી જગ્યાએ અર્ધ સૈનિક દળોને પણ મેદાનમાં ઉતારવા પડ્યા છે. એક આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં 5 હજારથી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. જ્યારે હજારો લોકો હજુ રાહત શિબિરોમાં શરણ લઈને બેઠા છે. અસમના ડિબ્રુગઢમાં તો સૌથી વધુ ખરાબ સ્થિતિ છે. જેના કારણે ખૂદ મુખ્યમંત્રીને પાણીમાં ઉતરવું પડ્યુ અને સ્થિતિ અંગે જાણકારી મેળવવાની ફરજ પડી. ભારે વરસાદના કારણે છેલ્લા એક અઠવાડિયાથી ડિબ્રુગઢની સ્થિતિ ખરાબ છે. ડિબ્રુગઢમાં રસ્તા પર ભરાયેલા પાણી તંત્રની કામગીરીની ધજિયા ઉડાવી રહ્યા છે. 

અસમના પૂરના કારણે માત્ર લોકો જ નહીં પરંતુ પ્રાણીઓ પણ પ્રભાવિત થયા છે. કેમ કે કાઝીરંગા નેશનલ પાર્કના મોટાભાગમાં પૂરના પાણી ફરી વળ્યાં છે. અને હવે આ જ પાણી કાઝીરંગા પાર્કના પ્રાણીઓ માટે ખતરો બની ગયું છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં 30થી વધુ પ્રાણીઓના ડૂબી જવાના કારણે મોત થયા છે. જેમાં સૌથી વધુ 23 હરણના મોત ડૂબી જવાના કારણે થયા છે. તો 15 જેટલા હરણના મોત રેસ્કયૂ બાદ સારવારમાં થયા છે. 

અમસમાં ચોમાસાએ લગભગ 15 જૂનની આસપાસ દસ્તક આપી હતી. અને અસમમાં 15 સપ્ટેમ્બર સુધી ચોમાસું ચાલતું હોય છે. એટલે કે અસમમાં હજુ તો ચોમાસાની શરૂઆત જ છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદથી હાહાકાર મચ્યો છે. તો બીજી તરફ હજુ આવનારા દિવસોમાં હવામાન વિભાગે વધુ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે એક તરફ પૂરના પાણી અને બીજી તરફ હજુ ભારે વરસાદની આગાહી અસમના લોકોની ચિંતા વધારી રહી છે...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news