Bihar Bridge Collapse: બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો પુલ ધરાશાયી, સામે આવ્યો ખતરનાક Video
Bihar News: લોકોએ પોતાના કેમેરામાં પૂલ ધરાશાયી થવાની ઘટનાને કેદ કરી હતી. આ બ્રિજની કિંમત લગભગ 1750 કરોડ રૂપિયા છે અને તે મુખ્યમંત્રી નીતિશ કુમારનો ડ્રીમ પ્રોજેક્ટ છે.આ બ્રિજનો સેગમેન્ટ ગત વર્ષે એપ્રિલમાં પણ તૂટી ગયો હતો.
Trending Photos
ભાગલપુરઃ બિહારના ભાગલપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો સુલતાનગંજ-અગુવાની ફોરલેન પુલ ધરાશાયી થઈ ગયો છે. જાણકારી મળી રહી છે કે 30થી વધુ સ્લેબ એટલે કે આશરે 100 ફૂટનો ભાગ ધારાશાયી થયો છે. આ પુલનું નિર્માણ ખગડિયા અને ભાગલપુર જિલ્લાને જોડવા માટે કરવામાં આવી રહ્યું હતું. આ પુલ ધ્વસ્ત થવાની ઘટના કેટલાક લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે. આ પુલ કુલ 1750 કરોડના ખર્ચે બનવાનો હતો અને આ મુખ્યમંત્રી નીતીશ કુમારનો ડ્રીમ પ્રોજેક્ટ છે. પાછલા વર્ષે એપ્રિલમાં પણ આ પુલનો એક ભાગ પડી ગયો હતો.
બિહારના ભાગલપુરમાં 1750 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો બ્રિજ 14 મહિનામાં બીજી વખત ધરાશાયી થયો છે. સાડા સત્તરસો કરોડ રૂપિયાનો નિર્માણાધીન બ્રિજ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં તૂટી પડ્યો હતો. અને હવે ફરીથી બીજી વાર પણ ભ્રષ્ટાચારનો આ બ્રિજ ગંગા નદીમાં સ્વાહા થઈ ગયો છે. આ બ્રિજના 3 પીલર ગંગા નદીમાં સમાઈ ગયા છે.
Bhagalpur Viral Video: અગુવાની-સુલતાનગંજ બ્રિજ બન્યા પહેલા ગંગા નદીમાં બીજી વાર પડ્યો, જુઓ આ વીડિયો #Bihar #Bhagalpur #ViralVideo #ZEE24Kalak pic.twitter.com/GS55UKHS5X
— Zee 24 Kalak (@Zee24Kalak) June 4, 2023
બિહાર સ્ટેટ બ્રિજ કંન્સ્ટ્રક્શન કોર્પોરેશન ખગડિયાના એક્ઝીક્યુટિવ એન્જિનિયર યોગેન્દ્ર કુમારે કહ્યુ- કેટલાક સ્પેન પડ્યા છે. હું દુર્ઘટના સ્થળે જઈ રહ્યો છું. હાલ તેના પર કંઈ કહી શકાય નહીં. તો પરબતાના ધારાસભ્ય ડો. સંજીવ કુમારે કહ્યુ કે, આ પુલની ગુણવત્તાને લઈને વિધાનસભામાં સવાલ ઉઠાવ્યા હતા. આ મુખ્યમંત્રી નીતીશ કુમારનો ડ્રીમ પ્રોજેક્ટ છે. પરંતુ પુલનું નિર્માણ કરનારી કંપની એસપી સિંગલાએ ક્વોલિટીનું કામ કર્યું નથી. સંજીવ કુમારે કહ્યુ કે, આ મામલાની તપાસ થવી જોઈએ અને તેમણે દોષિતો પર એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી છે. તેમણે આ પ્રોજેક્ટના ડાયરેક્ટર આલોક ઝા પર હુમલો કર્યો છે.
2022માં પણ પડ્યો હતો પુલ
29 એપ્રિલ 2022માં આ બ્રિજના 36 પીલર તૂટી પડ્યા હતા અને ત્યારે એવું કારણ આપવામાં આવ્યું હતું કે ભારે પવન ફૂંકાતાં બ્રિજ તૂટી પડ્યો છે. હવે ફરી એકવાર બિહારના ભાગલપુરમાં બનતો એ જ બ્રિજ ધરાશાયી થઈ ગયો છે. ગયા વર્ષે આ બ્રિજ તૂટી પડ્યો ત્યારે નીતીશ કુમારની સરકારે કહ્યું હતું કે ડિસેમ્બર મહિના સુધીમાં નવો બ્રિજ બનીને તૈયાર થઈ જશે. પરંતુ 2022નું વર્ષ પૂરું થયું અને 2023નો જૂન મહિનો આવી ગયો. હજુ સુધી બ્રિજ બનતો હતો અને બને એ પહેલાં તો ફરીથી તૂટી પડ્યો છે. દેશની જનતાના પરસેવાની કમાણી કેવી રીતે ભ્રષ્ટાચારીઓના હાથમાં જઈને સમાણી છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. ભ્રષ્ટાચારીઓને આ જ ગંગા નદીમાં સમાધિ આપી દેવી જોઈએ જેથી દેશમાં એક કડક સંદેશો જાય કે હવે ભ્રષ્ટાચાર નહીં ચાલે. પરંતુ દેશની જનતાનાં કમનસીબ છે કે ભ્રષ્ટાચારીઓનો વાળ પણ વાંકો થતો નથી અને લાખો કરોડો રૂપિયાનું આંધણ થઈ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે