રાજસ્થાનમાં ત્રિશંકુની શક્યતાને જોતાં ભાજપ-કોંગ્રેસની તૈયારી, પરિણામો પહેલાં જ ભાજપ-કોંગ્રેસ અપક્ષોના સંપર્કમાં

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બર, રવિવારે જાહેર થવાનું છે. આ પહેલા સામે આવેલા એક્ઝિટ પોલમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. જો પરિણામ એક્ઝિટ પોલ પ્રમાણે રહ્યું તો અપક્ષ ઉમેદવારો મહત્વના સાબિત થશે. બંને પાર્ટીઓએ પરિણામ પહેલા જ અપક્ષ ઉમેદવારો સાથે સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે. 
 

રાજસ્થાનમાં ત્રિશંકુની શક્યતાને જોતાં ભાજપ-કોંગ્રેસની તૈયારી, પરિણામો પહેલાં જ ભાજપ-કોંગ્રેસ અપક્ષોના સંપર્કમાં

જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પહેલાં જ સરકાર બનાવવા માટેની તડજોડ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અને ભાજપ બંને અપક્ષોના સંપર્કમાં છે. 2018ના પરિણામોને જોતાં અપક્ષ અને અન્ય પક્ષોના મહત્વને કોઈ અવગણઈ શકે તેમ નથી. એગ્ઝિટ પોલના વર્તારાએ ભાજપ અને કોંગ્રેસ બંનેને દોડતાં કરી દીધાં..ત્યારે શું છે રાજસ્થાનમાં અપક્ષોનું ગણિત, જોઈએ આ અહેવાલમાં...

પરિણામો પહેલાં દિગ્ગજો મંદિરોમાં દર્શન માટે પહોંચી રહ્યા છે. જીત માટે આશીર્વાદ લઈ રહ્યા છે. રાજસ્થાન માટેના એગ્ઝિટ પોલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે, બંને પક્ષોમાં બેઠકોનું વધુ અંતર નથી, ત્યાં પરિણામો પહેલાં જ ભાજપ અને કોંગ્રેસે સરકાર બનાવવાના પ્રયાસ શરૂ કરી દીધા છે.  

ભાજપ અને કોંગ્રેસના મોટા નેતાઓ અપક્ષ ઉમેદવારોના સંપર્કમાં છે. કોંગ્રેસ તરફથી જ્યાં અશોક ગેહલોતે મોરચો સંભાળ્યો છે, ત્યાં ભાજપ તરફથી પ્રદેશ અધ્યક્ષ સી.પી.જોશી અને વસુંધરા રાજે મેદાનમાં છે. ભાજપના 25 અને કોંગ્રેસના 20 બળવાખોરો જ્યાં અપક્ષ તરીકે મેદાનમાં છે, ત્યારે બંને પક્ષોમાં પોતાના અને બીજાના બળવાખોરોને પોતાની તરફ કરવાની હોડ જામી છે. ત્યાં સુધી કે અપક્ષો માટે ખાનગી ચાર્ટર પ્લેન પણ તૈયાર રાખવામાં આવ્યા છે. અશોક ગેહલોત અને વસુંધરા રાજે સિંધિયાએ શુક્રવારે રાજ્યપાલ સાથે મુલાકાત પણ કરી છે. 

આ કવાયત દેખીતી છે, છતાં ભાજપ અને કોંગ્રેસ પોતાને સ્પષ્ટ બહુમતિ મળવાનો દાવો કરે છે.

હવે સવાલ એ ઉભો થાય છે કે આખરે ભાજપ અને કોંગ્રેસ અપક્ષો તરફ કેમ દોડી રહ્યા છે, તો તેનો સીધો જવાબ છે, એગ્ઝિટ પોલમાં સામે આવેલી કાંટાની ટક્કર. જો ત્રિશંકુ વિધાનસભા જેવી સ્થિતિ સર્જાય તો અપક્ષો તેમજ અન્ય પક્ષો સરકાર બનાવવા જરૂરી આંકડા પૂરા પાડી શકે છે. 2018માં કોંગ્રેસને 200માંથી 100 બેઠકો મળી હતી. જો કે સરકાર બનાવવા ખૂટતી એક બેઠક માટે કોંગ્રેસે બીએસપી સાથે ગઠબંધન કર્યું હતું.  આ જ કારણ છે કે કોંગ્રેસ સરકારને જાળવી રાખવા કોઈ કસર બાકી રાખવા નથી માગતી.

રાજસ્થાનની ચૂંટણીનું આંકડાકીય ચિત્ર પણ સમજવા જેવું છે. કુલ 200 બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે.  જેમાં કુલ 1875 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ અને કોંગ્રેસ સહિત 14 પક્ષોના 880 અને એક હજાર જેટલાં અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. 

અપક્ષો ઉપરાંત અન્ય પક્ષો પર પણ ભાજપ કોંગ્રેસની નજર છે. કોનું કોની સાથે ગઠબંધન છે, એ તો પરિણામો બાદ જ સામે આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news