Election Result: ચાર રાજ્યોના પરિણામો અપેક્ષા પ્રમાણેના હશે કે ચોંકાવનારા? દિગ્ગજોના ભાવિનો થશે ફેંસલો

3 ડિસેમ્બર એટલે કે રવિવારનો દિવસ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ માટે ખુબ મહત્વનો રહેવાનો છે. રવિવારે ચાર રાજ્યોના ચૂંટણી પરિણામ જાહેર થવાના છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણાનો સમાવેશ થાય છે. 

Election Result: ચાર રાજ્યોના પરિણામો અપેક્ષા પ્રમાણેના હશે કે ચોંકાવનારા? દિગ્ગજોના ભાવિનો થશે ફેંસલો

નવી દિલ્હીઃ સાત નવેમ્બરથી શરૂ થયેલો પાંચ રાજ્યોનો ચૂંટણી જંગ પૂરો થવાને આડે હવે ગણતરીના કલાકો બાકી છે. પરિણામોની જાહેરાત સાથે જ જંગ પૂરો થઈ જશે. પરિણામોમાં રાજકીય પક્ષોના દાવા અને એગ્ઝિટ પોલની પણ પરીક્ષા થશે. ત્યારે કયા મુદ્દા પર સમેટાયો હતો ચૂંટણીનો આ જંગ અને કયા દિગ્ગજોની કિસ્મતનો ફેંસલો થશે, જોઈએ આ અહેવાલમાં...

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણામાં આગામી પાંચ વર્ષ કોની સરકાર રહેશે. તે સામે આવવામાં હવે વધુ સમય બાકી નથી. પરિણામોની ઘડી નજીક આવતાં ઉત્સુકતા વધી રહી છે. પરિણામો અપેક્ષા પ્રમાણેના હશે કે ચોંકાવનારા, તે વિચારીને નેતાઓના ધબકારા વધી રહ્યા છે. 

ચૂંટણી પરિણામોમાં જ્યાં રાજકીય પક્ષોનો હિસાબ થશે, ત્યાં દિગ્ગજોની અંગત પ્રતિષ્ઠાનું પણ પરિણામ આવશે. 

મધ્ય પ્રદેશના મુખ્ય ચહેરાઓ પર નજર કરીએ તો બુધની બેઠક પર મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉમેવાદર છે. છિંદવાડા બેઠક પર કોંગ્રેસના કમલનાથ ઉમેદવાર છે. ઈન્દોર-1 બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા કૈલાશ વિજયવર્ગીય મેદાનમાં છે, તો દિમની બેઠક પરથી કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર મેદાનમાં છે. 

છત્તીસગઢમાં પાટન બેઠક પર સૌથી રોમાંચક જંગ ખેલવાનો છે, કેમ કે અહીં કોંગ્રેસના ઉમેદવાર અને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની સામે ભાજપમાંથી તેમના જ ભત્રીજા અને સાંસદ વિજય બઘેલ મેદાનમાં છે. 

રાજસ્થાનના મુખ્ય ચહેરા પર નજર કરીએ તો સરદારપુરા બેઠક પરથી મુખ્યમંત્રી અશોક ગેહલોત મેદાનમાં છે. ભાજપના વસુંધરા રાજે સિંધિયા ઝાલરાપાટન બેઠક પરથી ઉમેદવાર છે. કોંગ્રેસના સચિન પાયલટ પોતાની જૂની ટોંક બેઠક પરથી ઉમેદવાર છે. તો જયપુરની ઝોટવાડા બેઠક પરથી ભાજપના રાજ્યવર્ધસિંહ રાઠોડ મેદાનમાં છે. 

તેલંગણામાં જે બેઠકો પર હાઈ પ્રોફાઈલ જંગ ખેલાવાનો છે તેમાં સૌથી ટોચ પર છે ગજવેલ બેઠક,  જ્યાંથી BRSમાંથી ખુદ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ મેદાનમાં છે. જ્યારે હૈદરાબાદની ચંદ્રયાનગુટ્ટા બેઠક પરથી AIMIMમાંથી  વર્તમાન ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસી મેદાનમાં છે, 

ભાજપ અને કોંગ્રેસે મેનિફેસ્ટોના માધ્યમથી મતદારોને આકર્ષવાની કોઈ કસર  બાકી નથી રાખી.. બંને પક્ષોએ વાયદાઓનો પિટારો ખોલી દીધો છે...બંને પક્ષોના વાયદાઓમાં સામાન્ય મુદ્દાઓ જોઈએ તો તેમાં ખેડૂતો માટે ટેકાના ભાવમાં વધારો, સરકારી નોકરીઓમાં વધારો, ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડીને 400થી 500 રૂપિયા સુધી કરવાનો, મહિલાઓ માટે નાણાકીય મદદ તેમજ દિકરીઓને શિક્ષણ માટે લેપટોપ અને આર્થિક મદદનો સમાવેશ થાય છે.

કોંગ્રેસે જ્યાં સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવી, ઓબીસી અનામતમાં વધારો અને જાતિ આધારિત વસ્તી ગણતરી જેવા મોટા વર્ગોને આકર્ષે તેવા વાયદા કર્યા છે,ત્યારે  ભાજપે પીએમ કિસાન સમ્માન નિધિની રકમમાં વધારો કરવાનો અને સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો વાયદો કર્યો છે. 

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના પરિણામોની સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠાં છે. મધ્ય પ્રદેશમાં ભાજપ 2003થી સત્તા પર છે. જેમાંથી શિવરાજ સિંહ 13 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા છે. રાજસ્થાનમાં જો કોંગ્રેસ સતત બીજી વખત  સત્તા પર આવશે તો રેકોર્ડ સર્જાશે. 

તેલંગણામાં BRS અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. એગ્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસ રાજ્યમાં સત્તા પર આવી શકે છે. ત્યારે હવે ગણતરીના કલાકોમાં આ તમામ આતુરતાનો અંત આવી જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news