નિરંકારી હુમલામાં વપરાયો પાકિસ્તાની ગ્રેનેડ, આતંકીની માહિતી આપનારને 50 લાખ ઇનામ
આતંકવાદી હુમલા અંગે માહિતી આપનાર વ્યક્તિને 50 લાખ ઇનામની જાહેરાત કરાઇ, હુમલાખોર અને બાઇકની ઓળખ થઇ
Trending Photos
અમૃતસર : અમૃતસરનાં રાજસાંસી વિસ્તારમાં એક ધાર્મિક ડેરા પર રવિવારે થયેલા ગ્રેનેડ હૂમલાની તપાસ કરી રહેલ સુરક્ષા એજન્સીઓને મહત્વનો પુરાવો મળ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ હૂમલામાં જે ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો હતો, તે HE-36 સીરીઝનો છે. આ પ્રકારનાં ગ્રેનેડ પાકિસ્તાની લશ્કર જ ઉપયોગ કરે છે. આ એક હેન્ડ ગ્રેનેડ છે જે ફેંકવામાં આવ્યા બાદ ધુમાડો છોડે છે અને પછી જોરદાર વિસ્ફોટ થાય છે. બીજી તરફ આતંકવાદી હુમલા મુદ્દે ગૃહમંત્રાલયમાં એક મહત્વની બેઠક યોજાઇ રહી છે. તેમાં રૉ અને આઇબી સહિત ગૃહમંત્રાલયના અનેક વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ હૂમલામાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. સુત્રો અનુસાર હૂમલા પાછળ કોઇ નવા આતંકવાદી સંગઠનનો હાથ હોઇ શકે છે. બીજી તરફ તપાસ એજન્સીઓનાં મહત્વનાં પુરાવા મળ્યા બાદ હવે હૂમલાનાં તાર પાકિસ્તાન સાથે જોડાઇ રહ્યા છે. બીજી તરફ આ મુદ્દે પંજાબ અને જમ્મુ કાશ્મીરની બોર્ડર પર નવું હાઇએલર્ટ ઇશ્યું કરવામાં આવ્યું છે. NIAની 3 સભ્યોની ટીમ ઘટના સ્થળ પર તપાસ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબ સરકાર દ્વારા હુમલાખોરોની ભાળ આપનાર વ્યક્તિને સરકારે 50 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. હુમલા બાદ સમગ્ર પંજાબ ઉપરાંત દિલ્હી અને હરિયાણા પોલીસ પણ એલર્ટ પર છે. અગાઉ પણ સુરક્ષા એજન્સી દ્વારા 6 આતંકવાદી પંજાબ બોર્ડરથી ઘુસ્યા હોવાની તથા તેઓ દિલ્હી તરફ આગળ વધી રહ્યા હોવાનું એલર્ટ આપવામાં આવ્યું હતું.
સીસીટીવી ફુટેજમાં હૂમલાખોર દેખાયા
એક અંગ્રેજી ચેનલના અનુસાર સીસીટીવી ફુટેજના આધારે હુમલામાં વપરાયેલી બાઇકની ઓળખ કરી લેવામાં આવી છે. ફુટેજમાં બાઇકની ઓળખ કરી લેવાઇ છે. જ્યારે હુમલાખોરોમાં એક વ્યક્તિએ મોઢુ ઢાંકેલુ હોવાનુ દેખાય છે. જ્યારે અન્યનો સ્કેચ જાહેર કરી દેવામાં આવ્યો છે. અનેક જિલ્લાની પોલીસ અમૃતસરમાં તપાસ કરી રહી છે. આસપાસના ગામોમાં પણ બાઇક અને હુમલાખોરોની તપાસ કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે