દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે સાથે કરી મુલાકાત, નાયબ મુખ્યમંત્રી બનવા પર રાજી થયા શિવસેના પ્રમુખ!
ભાજપ હાઈ કમાન્ડે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પર્યવેક્ષક બનાવી મહારાષ્ટ્ર મોકલ્યા છે. આ બંને આવતીકાલે ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે, જેમાં ધારાસભ્ય દળના નેતાના નામ પર મહોર લાગશે.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આવ્યું તેના 11 દિવસ બાદ પણ મુખ્યમંત્રીના નામ પર સસ્પેન્સ યથાવત છે. તેના પરથી એવું લાગી રહ્યું છે કે ભાજપ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવું મોડલ અપનાવી શકે છે... તેની વચ્ચે નિરીક્ષક વિજય રૂપાણીના નિવેદને સસ્પેન્સ વધારી દીધું છે... ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં શું ચાલી રહ્યું છે?.... જોઈશું આ અહેવાલમાં.
ફડણવીસે શિંદે સાથે કરી મુલાકાત
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે વર્ષા બંગલો પર મંગળવારે શિવસેના પ્રમુખ અને કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી છે. સરકાર રચના પર ગતિરોધ શરૂ થયા બાદ શિંદે અને ફડણવીસ વચ્ચે આ પ્રથમ મુલાકાત છે. સૂત્રો પ્રમાણે શિંદેએ નાયબ મુખ્યમંત્રી તરીકે સરકારમાં સામેલ થવાની હા પાડી દીધી છે. મહાયુતિની નવી સરકારનું નેતૃત્વ કોણ કરશે, આ સસ્પેન્સ પરથી આગામી 24 કલાકમાં પડદો ઉઠી જશે.
મહાયુતિને મળ્યો હતો મહાજનાદેશ
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ મહાયુતિના પક્ષમાં આવ્યું... જનતાએ આ વખતે મહાયુતિને પ્રચંડ જનાદેશ આપ્યો... તેને 11 દિવસ જેટલો સમય પસાર થઈ ગયો છે... પરંતુ હજુ સુધી મહાયુતિએ સરકાર બનાવવાનો દાવો પણ કર્યો નથી અને મુખ્યમંત્રીના ચહેરા પર પણ રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે...
મહારાષ્ટ્રના આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ માટેની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે... પરંતુ હજુ સુધી મુખ્યમંત્રી કોણ બનશે, નાયબ મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે કોઈ જ ખુલાસો થયો નથી... ત્યારે નિરીક્ષક તરીકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની વરણી કરવામાં આવી છે.
એકનાથ શિંદેએ સ્પષ્ટપણે કહી દીધું છે કે તેમને ભાજપનો મુખ્યમંત્રી મંજૂર છે. તેમ છતાં પાર્ટીના નેતાઓ હજુ પણ માને છે કે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા જોઈએ.
શપથવિધિ માટે 5 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે... આઝાદ મેદાનમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે... ત્યારે એ જોવાનું રહેશે કે ભાજપ આ વખતે દેવેન્દ્ર ફડણવીસને સીએમની ખુરશી પર બેસાડશે કે પછી કોઈ સરપ્રાઈઝ આપે છે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે