President Election 2022: વિપક્ષની એકતાનો ખુડદો બોલાયો, આ રાજ્યોમાં થયું ભરપૂર ક્રોસ વોટિંગ

એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની જીત નક્કી જ હતી પરંતુ ક્રોસ વોટિંગથી જે રીતે વિપક્ષની એક્તાની પોલ ખુલે તેણે બધાને ચોંકાવી દીધા છે. કેટલાક રાજ્યોમાંથી તો 100 ટકા મતો દ્રૌપદી મુર્મૂને મળ્યા છે. એમાંથી પણ એક રાજ્ય તો એવું છે જ્યાં ભાજપની સરકાર નથી. 

President Election 2022: વિપક્ષની એકતાનો ખુડદો બોલાયો, આ રાજ્યોમાં થયું ભરપૂર ક્રોસ વોટિંગ

દ્રૌપદી મુર્મૂએ વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવીને  ભારતના પહેલાં આદિવાસી રાષ્ટ્રપતિ બનીને ઈતિહાસ રચી નાખ્યો. તેઓ 25મી જુલાઈએ દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકેના શપથ લેશે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આમ તો વિપક્ષની હાર પહેલેથી નક્કી માનવામાં આવી રહી હતી. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની જીત નક્કી જ હતી પરંતુ ક્રોસ વોટિંગથી જે રીતે વિપક્ષની એક્તાની પોલ ખુલે તેણે બધાને ચોંકાવી દીધા છે. જેને પગલે વિપક્ષના નેતાની ખરાબ રીતે હાર થઈ. દ્રૌપદી મુર્મૂ જ્યારે ઉમેદવાર તરીકે જાહેર થયા ત્યારે જ વિપક્ષની એકતામાં ગાબડું પડવાના એંધાણ જણાઈ રહ્યા હતા. ત્યારબાદ તો બીજેડી, જેડીએસ, જેએમએમ, વાયએસઆર કોંગ્રેસ જેવા અનેક એનડીએના ઘટકદળો ન હોય તેવા પક્ષોએ પણ દ્રૌપદી મુર્મૂના સમર્થનમાં આવી ગયા હતા. ત્યારબાદ ચૂંટણી પછી આવેલા પરિણામે તો જાણે વિપક્ષનો જુસ્સો તોડી નાખવા જેવું કર્યું. 

રાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ
એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સાંસદો અને ધારાસભ્યોના કુલ મળીને 2824 મત મળ્યા, જેનું કુલ મૂલ્ય 6,76,803 રહ્યું. જ્યારે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હાને 1877 મત મળ્યા જેનું કુલ મૂલ્ય 3,80,177 રહ્યું. મુર્મૂ કુલ કાયદેસર મતોના 64 ટકા મેળવવામાં સફળ રહ્યા. જ્યારે સિન્હને કુલ કાયદેસર મતનો 36 ટકા મળી શકયા. 

આ ત્રણ રાજ્યોમાં મળ્યા 100 ટકા મત
દ્રૌપદી મુર્મૂને આંધ્ર પ્રદેશ, નાગાલેન્ડ અને સિક્કિમ જેવા રાજ્યોમાંથી 100 ટકા મત મળ્યા છે. આંધ્ર પ્રદેશ એટલા માટે મહત્વનું છે કારણ કે અહીં ભાજપ સત્તામાં નથી છતાં તેમને મત મળ્યા. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશમાંથી 93.2 ટકા, મણિપુરમાંથી 90 ટકા, મેધાલયમાં 85.5 ટકા, મિઝોરમમાં 72.5 ટકા અને ત્રિપુરામાંથી 69.5 ટકા મત મળ્યા. 

આ 8 રાજ્યોમાં સિન્હાને મળ્યા વધુ મત
વિપક્ષના સંયુક્ત ઉમેદવાર સિન્હાને કેરળમાંથી 99.3 ટકા, તેલંગણામાથી 97.4 ટકા મત મળ્યા. સિન્હાએ જે 6 રાજ્યોમાંથી મત મેળવ્યા તેમાં છત્તીસગઢ, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, અને દિલ્હી સામેલ છે. 

ક્રોસ વોટિંગે તોડી વિપક્ષની કમર
મળતી માહિતી મુજબ 18 રાજ્યોના 143 સાંસદો અને ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 126 ધારાસભ્યો અને 17 સાંસદ છે.

ભાજપનો આ દાવ વિપક્ષને પછાડી ગયો
દ્રૌપદી મુર્મૂનો ચહેરો એનડીએ માટે નિર્ણાયક સાબિત થયો. ભાજપના આદિવાસી કાર્ડથી વિપક્ષની સ્થિતિ પડતા પર પાટા જેવી થઈ ગઈ. દેશને પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ પણ મળી ગયા. 

આ રાજ્યમાં સૌથી વધુ ક્રોસ વોટિંગ
અસમમાં સૌથી વધુ ક્રોસ વોટિંગ થયું. અહીં 22 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું. બીજા નંબરે મધ્ય પ્રદેશ રહ્યું. અહીં આદિવાસી ધારાસભ્યોની સંખ્યા સારી એવી છે. એમપીમાં 19 ધારાસભ્યોએ મુર્મૂના પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યું. 

ક્રોંગ્રેસ શાસિત આ રાજ્યોમાં પણ ક્રોસ વોટિંગ
ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ કોંગ્રેસ શાસિત છત્તીસગઢ અને ઝારખંડમાં પણ યુપીએના વિધાયકોએ મુર્મૂને ક્રોસ વોટિંગ કર્યું છે. બિહાર-છત્તીસગઢમાં 6-6, ઝારખંડમાં 10, મહારાષ્ટ્રમાં 16, મેઘાલયમાં 7, હિમાચલ પ્રદેશમાં 2 અને ગોવામાં 4 ધારાસભ્યોએ દ્રૌપદી મુર્મૂના પક્ષમાં મતદાન કર્યું. ગુજરાતમાં 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું. કોંગ્રેસથી લઈને એનસીપી અને સપા કોઈ પણ પાર્ટી પોતાના ધારાસભ્યોને ક્રોસ વોટિંગ કરતા રોકી શકી નહીં. વિપક્ષની એક્તાનું સૂરસૂરિયું થઈ ગયું. 

સિન્હાનું ગૃહ રાજ્યમાં નબળું પ્રદર્શન
યશવંત સિન્હાનું સૌથી વધુ નિરાશાજનક પ્રદર્શન તો તેમના જ ગૃહ રાજ્યમાં રહ્યું. ઝારકંડના કુલ 81 મતોમાંથી તેમને ફક્ત 9 મત મળ્યા. બીજી બાજુ મુર્મૂને પોતાના ગૃહ રાજ્ય ઓડિશાના 147માંથી 137 મત મળ્યા. 

ગુજરાતમાં ચૂંટણી પહેલા મળ્યો ઝટકો
ગુજરાતમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. પરંતુ અહીં પણ એનડીએના ઘટકદળો ન હોય તેવા 10 મત દ્રૌપદી મુર્મૂને મળ્યા છે. જેમાંથી 7 કોંગ્રેસના છે. જ્યારે 2 બીટીપી અને એક એનસીપીના ધારાસભ્ય છે. કોંગ્રેસ માટે આ સ્થિતિ ખરેખર આંખ ઉઘાડનારી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news