CBIમાં મોટો ફેરફારઃ રાકેશ અસ્થાના સહિત 4 અધિકારીઓની બદલી

CBI vs CBI ઘટનાક્રમમાં વિશેષ સમિતિ દ્વારા થોડા દિવસ અગાઉ સીબીઆઈના વડા આલોક વર્માની બદલીના આદેશ બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા આ વિવાદમાં સંડોવાયેલા અન્ય અધિકારી રાકેશ અસ્થાનાની પણ તાત્કાલિક અસરથી બદલીના આદેશ આપવામાં આવ્યા છે 

CBIમાં મોટો ફેરફારઃ રાકેશ અસ્થાના સહિત 4 અધિકારીઓની બદલી

નવી દિલ્હીઃ CBIમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી ચાલી રહેલા વિવાદ અને ફેરબદલના કારણે તેની ખરડાયેલી છબીને સુધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અનુસાર CBI vs CBI વિવાદમાં સંડોવાયેલા આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાની સાથે અન્ય ત્રણ આઈપીએસ અધિકારીની પણ તાત્કાલિક અસરથી બદલીના આદેશ આપવામાં આવ્યા છે. 

કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ દ્વારા જારી કરવામાં આવેલા આ આદેશમાં જણાવાયું છે કે, "મંત્રીમંડળની નિમણૂક સમિતિ દ્વારા CBIમાં વિશેષ ડિરેક્ટર/ જોઈન્ટ ડિરેક્ટર/DIG/SP પદ પર રહેલા ચાર અધિકારીઓની સત્તામાં તાત્કાલિક ધોરણે કાપ મુકવામાં આવ્યો છે અને તેમની બદલી કરવામાં આવે છે."

કેન્દ્ર સરકાર દ્વારા બદલી કરાયેલા CBIના ચાર IPS અધિકારી
1. રાકેશ અસ્થાના, IPS (GJ., 84), સ્પેશિયલ ડિરેક્ટર, CBI
2. અરૂણ કુમાર શર્મા, IPS (GJ., 87), જોઈન્ટ ડિરેક્ટર, CBI
3. મનીશ કુમાર સિંહા, IPS (AP., 2000), DIG, CBI
4. જયંત જે. નાયકનાવરે, IPS (MH., 2004), SP/HoB, CBI

ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે 24 જાન્યુઆરીના રોજ પસંદગી સમિતી દ્વારા સીબીઆઈના નવા વડાના નામ અંગે નિર્ણય લેવાવાનો છે. અત્યારે સીબીઆઈના વચગાળાના ડિરેક્ટર તરીકે એમ. નાગેશ્વર રાવ પદભાર સંભાળી રહ્યા છે. 

રાકેશ અસ્થાનાએ બુધવારે તેમના અંગે દિલ્હી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા પર પુનર્વિચારણા માટે ફરીથી અરજી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકોર્ટો રાકેશ અસ્થાનાની એ અરજીને ગયા અઠવાડિયે ફગાવી દીધી હતી, જેમાં તેમના સામે ભ્રષ્ટાચાર અંગેની દાખલ કરાયેલી એફઆઈઆર રદ્દ કરવાની માગ કરાઈ હતી. દિલ્હી હાઈકોર્ટની સિંગલ ન્યાયાધિશની બેન્ચ દ્વારા અસ્થાનાને વચગાળાની રાહત આપવાનો ઈનકાર કરાયો હતો અને ન્યાયાધિશ નજમી વઝીરીએ સીબીઆઈને બે અઠવાડિયા સુધી 'જૈસે થે'ની સ્થિતી જાળવી રાખવા આદેશ અપાયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news