Gujarat Riots: SC એ મોદીને અપાયેલી ક્લિન ચીટ યથાવત રાખી, જાણો કોર્ટે કેમ ફગાવી ઝકિયા જાફરીની અરજી
Supreme Court verdict on Gujarat Riots: સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણોમાં તે વખતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને SIT દ્વારા અપાયલી ક્લિન ચીટને યથાવત રાખી છે. કોર્ટે SIT તરફથી અપાયેલી ક્લિન ચીટને પડકારતી અરજી ફગાવી દીધી.
Trending Photos
Supreme Court verdict on Gujarat Riots: સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણોમાં તે વખતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને SIT દ્વારા અપાયલી ક્લિન ચીટને યથાવત રાખી છે. કોર્ટે SIT તરફથી અપાયેલી ક્લિન ચીટને પડકારતી અરજી ફગાવી દીધી. આ અરજી તોફાનોમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્નીએ દાખલ કરી હતી.
'અરજીકર્તા કોઈ અન્યના ઈશારે કામ કરી રહ્યા છે'
જસ્ટિસ એ એમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ સીટી રવિકુમારની અધ્યક્ષતાવાળી બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું કે એવું લાગે છે કે ઝકિયા જાફરી કોઈ અન્યના ઈશારે કામ કરી રહ્યા હતા. તેમની અરજીમાં એવી અનેક વાતો લખેલી છે જે કોઈ અન્યના સોગંદનામામાં નોંધાયેલી છે. તે વાતો ખોટી જણાઈ છે.
લઘુમતીઓ વિરુદ્ધ સરકારી મશીનરીનું ષડયંત્ર નથી
સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું કે SIT એ તમામ તથ્યોની યોગ્ય રીતે તપાસ કરીને પોતાનો રિપોર્ટ આપ્યો છે. તપાસ દરમિયાન એવા કોઈ પુરાવા મળ્યા નથી કે જેના પર શંકા થાય કે રાજ્યમાં લઘુમતી સમુદાય વિરુદ્ધ હિંસાનું ષડયંત્ર ઉચ્ચ સ્તરે રચવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે પોલીસની કમી હોવા છતાં રાજ્ય પ્રશાસને તોફાનોને શાંત કરવા માટે પૂરેપૂરી કોશિશ કરી. જરાય સમય ગુમાવ્યા વગર કેન્દ્રીય સુરક્ષા દળો અને સેનાને યોગ્ય સમયે બોલાવવામાં આવ્યા. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શાંતિ જાળવી રાખવા માટે જનતાને વારંવાર અપીલ કરી.
નિહિત સ્વાર્થ માટે ખોટા આરોપ લગાવ્યા
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે આ મામલાને 2006માં ઝકિયા જાફરીની ફરિયાદ બાદ કેટલાક નિહિત સ્વાર્થને પગલે 16 વર્ષ સુધી જીવિત રાખવામાં આવ્યો અને જે લોકો પણ કાયદાકીય પ્રક્રિયાના ખોટા ઉપયોગમાં સામેલ છે તેમના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.
કોર્ટે એમ પણ કહ્યું કે પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર, હરેન પંડ્યાએ અંગત સ્વાર્થ માટે આ મામલાને સનસનીખેજ બનાવ્યો. ખોટા આરોપ લગાવ્યા. તેમના તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે તત્કાલિન મુખ્યમંત્રી મોદી સાથે મોટા અધિકારીઓએ બેઠકમાં તોફાનોનું ષડયંત્ર રચ્યું. તેમના તરફથી એવો પણ દાવો કરાયો કે તેઓ આ બેઠકમાં હાજર હતા. પરંતુ હકીકત એ છે કે તેઓ તે બેઠકમાં હાજર હતા જ નહીં. SIT ની તપાસમાં તેમનો દાવો ખોટો જણાયો.
ફેબ્રુઆરી 2012માં SIT એ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો
વર્ષ 2011માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફેબ્રુઆરી 2012માં SIT એ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. SIT નું કહેવું હતું કે નરેન્દ્ર મોદી અને 63 અન્ય વિરુદ્ધ કેસ ચલાવવા યોગ્ય પુરાવા મળ્યા નથી. SIT ની ક્લીન ચીટ વિરુદ્ધ ઝકિયા જાફરીની અરજીને મેજિસ્ટ્રેટે ફગાવી દીધી. આ મામલે દાખલ થયેલી ઝકિયા જાફરીની અરજીને ગુજરાત હાઈકોર્ટે ઓક્ટોબર 2017માં ફગાવી હતી. હાઈકોર્ટના આદેશને ત્યારબાદ ઝકિયાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
આ ચુકાદા પર રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે SIT એ આ મામલાની તપાસ કરી અને ક્લિન ચીટ આપી. તેમણે કહ્યું કે આ તમામ ઈન્વેસ્ટિગેશન UPA સરકાર સમયે થયું. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે તેમણે મોદીજીને બદનામ કરવા માટે ષડયંત્ર રચ્યું. આ જ કારણે મોદીજીના વિઝા રોકવામાં આવ્યા. તેમણે કહ્યું કે આ ગંભીર મામલાને રાજકીય ચશ્માથી જોવામાં આવ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે