Kirori Singh Bainsla: ગુર્જર આંદોલનના પ્રણેતા કર્નલ કિરોડીસિંહ બેંસલાનું નિધન, લાંબા સમયથી બીમાર હતા

ગુર્જર આંદોલનના મુખિયા રહી ચૂકેલા કર્નલ કિરોડી બેંસલાનું નિધન થઈ ગયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તબિયત બગડતા તેમને જયપુર સ્થિત ઘરેથી મણિપાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

Kirori Singh Bainsla: ગુર્જર આંદોલનના પ્રણેતા કર્નલ કિરોડીસિંહ બેંસલાનું નિધન, લાંબા સમયથી બીમાર હતા

જયપુર: ગુર્જર આંદોલનના મુખિયા રહી ચૂકેલા કર્નલ કિરોડી બેંસલાનું નિધન થઈ ગયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તબિયત બગડતા તેમને જયપુર સ્થિત ઘરેથી મણિપાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ  તેમને મૃત જાહેર કર્યા. તેમના પુત્ર વિજય બેંસલાએ પિતાના નિધનની પુષ્ટિ કરી. અત્રે જણાવવાનું કે કર્નલ બેંસલા લાંબા સમયથી ગુર્જરોને અનામત અપાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. 

તેમનો જન્મ રાજસ્થાનના કરૌલી જિલ્લાના મુંડિયા ગામમાં થયો હતો. ગુર્જર સમુદાયથી આવતા કિરોડીસિંહે  પોતાના કરિયરની શરૂઆત શિક્ષક તરીકે કરી હતી. પરંતુ પિતા સેનામાં હોવાના કારણે તેમનો ઝૂકાવ સેના તરફ વધારે હતો. તેમણે સેનામાં જવાનું મન બનાવ્યું અને સિપાઈ તરીકે દેશની સેવા કરવા લાગ્યા. બેંસલા, સેનાની રાજપૂતાના રાઈફલ્સમાં ભરતી થયા હતા. સેનામાં હતાં ત્યારે તેમણે 1962ના ભારત-ચીન યુદ્ધ અને 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભાગ લીધો હતો. 

કિરોડીસિંહ બેંસલા પાકિસ્તાનના યુદ્ધબંદી પણ રહી ચૂક્યા છે. તેઓ બે ઉપનામથી ઓળખાતા હતા. સીનિયર્સ તેમને ઝિબ્રાલ્ટર કી ચટ્ટાન અને બાકી સાથી કમાન્ડો તેમને ઈન્ડિયન રેમ્બો કહીને બોલાવતા હતા. તેઓ સેનામાં મામૂલી સિપાઈ તરીકે ભરતી થયા અને કર્નલ રેન્ક સુધી પહોંચ્યા. તેમને ચાર સંતાન છે. એક પુત્રી રેવન્યુ સર્વિસમાં છે જ્યારે બે પુત્રો સેનામાં છે. એક પુત્ર ખાનગી કંપનીમાં કામ કરે છે. બેંસલાના પત્નીનું નિધન થઈ ચૂક્યું છે અને તેઓ તેમના પુત્ર સાથે હિંડોનમાં રહેતા હતા. 

સેનામાંથી રિટાયર થયા બાદ કિરોડી સિંહ બેંસલા રાજસ્થાન પાછા ફર્યા અને ગુર્જર સમુદાય માટે પોતાની લડત ચાલુ કરી. આંદોલન દરમિયાન અનેકવાર રેલ રોકી, પાટાઓ પર ધરણા ધર્યા, આંદોલનને લઈને તેમના પર અનેક આરોપ પણ લાગ્યા. કિરોડી સિંહનું કહેવું હતું કે રાજસ્થાનના જ મીણા સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળ્યો છે. જેનાથી તેમને સરકારી નોકરીઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું. પરંતુ ગુર્જરો સાથે એમ થયું નહીં. ગુર્જરોને પણ તેમનો હક મળવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news