Bypoll Result Anylysis: બિહારમાં જેડીયુ અને બંગાળમાં ટીએમસીનો મેજિક, હિમાચલમાં બીજેપીને મોટો ઝટકો

દેશની ત્રણ લોકસભા બેઠક અને 14 રાજ્યોની 30 વિધાનસભા બેઠક માટે થયેલી પેટાચૂંટણીના પરિણામ સામે આવ્યા. તેમાં 30માંથી 16 બેઠક પર  એનડીએ, 8 બેઠક પર કોંગ્રેસ અને 4 બેઠક પર ટીએમસીએ કબજો કર્યો. જ્યારે અન્યના ખાતામાં 2 બેઠક આવી.

Bypoll Result Anylysis: બિહારમાં જેડીયુ અને બંગાળમાં ટીએમસીનો મેજિક, હિમાચલમાં બીજેપીને મોટો ઝટકો

નવી દિલ્હીઃ પેટાચૂંટણીના પરિણામનું વિશ્લેષણ: દેશની ત્રણ લોકસભા બેઠક અને 14 રાજ્યોની 30 વિધાનસભા બેઠક માટે થયેલી પેટાચૂંટણીના પરિણામ સામે આવ્યા. તેમાં 30માંથી 16 બેઠક પર  એનડીએ, 8 બેઠક પર કોંગ્રેસ અને 4 બેઠક પર ટીએમસીએ કબજો કર્યો. જ્યારે અન્યના ખાતામાં 2 બેઠક આવી. ત્રણ લોકસભા બેઠકની વાત કરીએ તો તેમાંથી દાદરા નગર હવેલી બેઠક પર શિવસેના, હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર કોંગ્રેસ અને મધ્ય પ્રદેશની ખંડવા બેઠક પર ભાજપનો વિજય થયો.

બિહારમાં જેડીયુ અને બંગાળમાં ટીએમસીનો મેજિક:
બિહારના કુશ્વેવરસ્થાન પછી તારાપુર વિધાનસભા બેઠક પર જેડીયુએ કબજો કર્યો. કાંટાની ટક્કરમાં જેડીયુ ઉમેદવાર રાજીવ કુમારે 3821 મતથી જીત મેળવી. પશ્વિમ બંગાળમાં ચાર વિધાનસભાની બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં ટીએમસીનો પ્રચંડ વિજય થયો. ચારેય બેઠક પર મળેલા મતની ટકાવારી જોઈએ તો ટીએમસીને 75 ટકા, બીજેપીને 14.5 ટકા, સીપીઆઈએમને 7.3 ટકા મત મળ્યા. જ્યારે કોંગ્રેસને માત્ર 0.37 ટકા મત મળ્યા જે નોટાથી પણ ઓછા છે.

ચૂંટણીથી કોને કેટલો નફો-નુકસાન:
1. NDA: 30 વિધાનસભા બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં એનડીએના ખાતામાં સૌથી વધારે 16 બેઠક આવી. જેમાં 7 પર બીજેપી અને 9 તેના સાથીદારોના ખાતામાં આવી. એનડીએ છેલ્લી ચૂંટણીમાં જીતેલી માત્ર 4 બેઠક બચાવવામાં સફળ રહ્યું છે. જોકે એનડીએ 12 નવી બેઠક જીત્યું છે.

2. કોંગ્રેસ: પેટાચૂંટણીમાં કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું. પક્ષના ખાતામાં 8 બેઠકો આવી છે. તેમાંથી 4 બેઠકો ફરી જીતવામાં સફળતા મેળવી છે તો 4 બેઠક ભાજપ પાસેથી છીનવી લીધી છે.

3. તૃણમૂલ કોંગ્રેસ: પશ્વિમ બંગાળમાં 6 મહિના પહેલાં જ ચૂંટણી થઈ હતી. પરંતુ ત્યાંની 4 બેઠકો પર ફરીથી પેટાચૂંટણી થઈ છે. તેમાંથી ચારેય બેઠક પર તૃણમૂલ કોંગ્રેસે જીત મેળવી છે. ટીએમસીએ બે બેઠકો બચાવી તો બે બેઠકો ભાજપ પાસેથી છીનવી લીધી.

4. અન્ય પાર્ટીઓ: આ પેટાચૂંટણીમાં માત્ર 2 બેઠકો પર બીજી પાર્ટીઓની જીત થઈ છે. તેમાં આંધ્ર પ્રદેશની બડવેલ અને હરિયાણાની એલેનાબાદનો સમાવેશ થાય છે. પરિણામ પ્રમાણે બડવેલ પર YSRCP અને એલેનાબાદથી INLDએ જીત મેળવી છે.

લોકસભાની પેટાચૂંટણી પર શું થયું:
હિમાચલની મંડી બેઠક, મધ્ય પ્રદેશની ખંડવા અને દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર પેટાચૂંટણી થઈ હતી. આ ત્રણેય બેઠક સાંસદોના નિધન થવાથી ખાલી પડી હતી. જેમાં મંડી અને ખંડવા ભાજપ પાસે હતી, જ્યારે દાદરા નગર હવેલીથી અપક્ષ મોહન ડેલકરે ચૂંટણી જીતી હતી. ભાજપ માત્ર  ખંડવા બેઠક બચાવવામાં સફળ થયું. જ્યારે હિમાચલ પ્રદેશની મંડી બેઠક કોંગ્રેસે જીતી લીધી. તો દાદરા નગર હવેલી બેઠક પર મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરનો વિજય થયો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news