દેશના 46માં ચીફ જસ્ટિસ બન્યા રંજન ગોગોઈ, રાષ્ટ્રપતિ કોવિંદે લેવડાવ્યા શપથ 

જસ્ટિસ રંજન ગોગોઈ દેશના 46માં ચીફ જસ્ટિસ બની ગયા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને ચીફ જસ્ટિસ તરીકેના શપથ લેવડાવ્યા.

દેશના 46માં ચીફ જસ્ટિસ બન્યા રંજન ગોગોઈ, રાષ્ટ્રપતિ કોવિંદે લેવડાવ્યા શપથ 

નવી દિલ્હી: જસ્ટિસ રંજન ગોગોઈ દેશના 46માં ચીફ જસ્ટિસ બની ગયા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને ચીફ જસ્ટિસ તરીકેના શપથ લેવડાવ્યા. જસ્ટિસ રંગન ગોગોઈનું ધ્યાન જે ખાસ પ્રમુખ મુદ્દાઓ પર રહેશે તેમાં અયોધ્યા વિવાદ અને આસામમાં એનઆરસી (નેશનલ રજિસ્ટર ફોર સિટિઝન્સ) સામેલ છે. ગોગોઈ આજે જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કે એમ જોશેફ સાથે કેસોની સુનાવણી શરૂ કરશે. 

જસ્ટિસ ગોગોઈનો કાર્યકાળ 17 નવેમ્બર 2019 સુધીનો છે. આ દરમિયાન તેઓ કેટલાક સંવેદનશીલ કેસોની પણ સુનાવણી હાથ ધરશે. તેમની સામે સૌથી પહેલો પડકાર આસામમાં એનઆરસીના સંકલનની પ્રભાવી નિગરાણી સુનિશ્ચિત કરવાનો રહેશે. આગામી સુનાવણી સુધી તેઓ નિર્ણય લેશે કે એનઆરસી ડ્રાફ્ટમાં જે લોકોના નામ છૂટી ગયા ચે તેમની નાગરિકતાના પુરાવા તરીકે રાશનકાર્ડને માન્યતા આપવામાં આવે કે નહીં. પાડોશી દેશોમાંથી ગેરકાયદેસર રીતે આસામમાં રહેતા લોકોની ઓળખ અને તેમને બહાર કરવાના હેતુથી બની રહેલા એનઆરસીના ડ્રાફ્ટમાં લગભગ 40 લાખ લોકોના નામ નથી. એનઆરસી મામલે જે બેન્ચ સુનાવણી કરી રહી છે તેમાં જસ્ટિસ આર એફ નરીમન પણ સામેલ છે. બેન્ચ એનઆરસી ડ્રાફ્ટમાં જગ્યા ન મેળવનારા લોકોની ડીટેલને કેન્દ્ર સરકાર સાથે શેર કરવાનું નક્કી કરી ચૂકી છે. 

— ANI (@ANI) October 3, 2018

આ ઉપરાંત જસ્ટિસ ગોગોઈ અયોધ્યા વિવાદની સુનાવણી ઉપર પણ ચુકાદો આપશે તેમ મનાય છે. અયોધ્યા કેસની સુનાવણી આ મહિનાના અંતથી શરૂ થવાની છે. કેસની સુનાવણી કરનારી બેન્ચમાં સીજેઆઈ દીપક મિશ્રાની સાથે જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ એસ નઝીર પણ સામેલ હતાં. પરંપરા મુજબ નવી બેન્ચમાં પણ જસ્ટિસ ભૂષણ અને જસ્ટિસ નઝીર સામેલ રહેશે. પરંતુ સીજેઆઈ ગોગોઈ બેન્ચમાં સામેલ જજોને બદલી પણ શકે છે. કારણ કે રોસ્ટર નક્કી કરવાનો તેમનો અધિકાર છે. 

લોકપાલની નિયુક્તિમાં મોડું થવું એ મુદ્દો પણ સીજેઆઈ ગોગોઈનું ધ્યાન ખેંચી શકે ચે. તેઓ આ મામલે સરકારની ધીમી ગતિ પર નિરાશા પણ વ્યક્ત કરી ચૂક્યા છે. પરંતુ સરકાર તરફથી કોઈ આશ્વાસન મળ્યું નથી. દાગી નેતાઓના મામલે સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના અને તેમના કામકાજના મુદ્દે પણ તેઓ સુનાવણી કરશે. ગત સુનાવણી વખતે તેમણે કેન્દ્રના સોગંદનામા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આ પ્રકારના પેન્ડિંગ કેસો સંબંધિત આંકડા માંગ્યા હતાં. જેને સરકાર રજુ કરી શકી નહતી. 

જસ્ટિસ ગોગોઈ એમ પણ કહી ચૂક્યા છે કે તેઓ ફક્ત તે જ જનહિતની અરજીઓ પર વિચાર કરશે કે જેને કોઈ ગરીબે દાખલ કરી હશે. જેનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે હાલના વર્ષોમાં જ્યુડિશિયલ એક્ટિવિઝમમાં થયેલા વધારા ઉપર તેઓ થોડી લગામ લગાવવા માંગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news