સપા-આરએલડી-બસપાને PM મોદીએ ગણાવ્યાં 'શરાબ', કહ્યું- સ્વાસ્થ્ય માટે હાનિકારક

લોકસભા ચૂંટણી 2019માં ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે વડાપ્રધાને આજથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.

સપા-આરએલડી-બસપાને PM મોદીએ ગણાવ્યાં 'શરાબ', કહ્યું- સ્વાસ્થ્ય માટે હાનિકારક

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે વડાપ્રધાને આજથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. પીએમ મોદીએ આજે મેરઠમાં એક જનસભાને સંબોધી. તેમની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય નેતાઓ પણ મંચ પર હાજર હતાં. પીએમ મોદીનું ભાજપના કાર્યકર્તાઓએ ફૂલનો હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ ખીચોખીચ ભરેલા મેદાનના મંચ પરથી કહ્યું કે 'જેમને 2019નો જનાદેશ જોવો હોય તે આ જનસેલાબ જોઈ લે.' તેમણે મંચ પરથી કહ્યું કે આ વખતે ભાજપની સરકાર બનવાનું નક્કી જ છે. પીએમ મોદીએ કહ્યું કે 'જમીન હોય કે આકાશ, કે પછી અંતરીક્ષ... સર્જિકલ સ્ટ્રાઈકનું સાહસ તમારા આ ચોકીદારની સરકારે કરીને દેખાડ્યું છે. આ વર્ષે અમને 2014 કરતા પણ મોટી જીત મળશે.  '

સપા-આરએલડી-બસપાને PM મોદીએ ગણાવ્યાં 'શરાબ', કહ્યું- સ્વાસ્થ્ય માટે હાનિકારક
પીએમ મોદીએ વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યાં. તેમણે ઉત્તર પ્રદેશમાં સપા-બસપા અને આરએલડીના ગઠબંધનને 'શરાબ' ગણાવ્યું. તેમણે કહ્યું કે સપાનો શ, રાષ્ટ્રીય લોક દળનો આર અને બસપાના બથી બચીને રહો. કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 

— ANI UP (@ANINewsUP) March 28, 2019

રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
પીએમ મોદીએ મિશન શક્તિની સફળતા પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ટિપ્પણી ઉપર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે સેટેલાઈટ પર રાહુલ ગાંધી કન્ફ્યુઝ થઈ ગયા. તેઓ એ-સેટને થિયેટરનો સેટ સમજી રહ્યાં હતાં. રાહુલને સેટેલાઈટ અને થિયેટરનો ફરક ખબર નથી પડતી. તેમણે કહ્યું કે આજે જ્યારે દેશ પોતાની તાકાત વધારી રહ્યો છે અને અંતરીક્ષમાં ચોકીદારી કરી રહ્યો છે ત્યારે કેટલાક લોકોને પેટમાં દુખાવો થાય છે. આ લોકો ભારતને હંમેશા નબળો બનાવી રાખવા માંગે છે. 

પીએમ મોદીએ કહ્યું કે હું તેમની પાસેથી જાણવા માંગુ છું કે કોના ઈશારે, કોને ફાયદો પહોંચાડવા માટે તમે લોકો આવું વલણ અપનાવો છો. આપણા વૈજ્ઞાનિકો કેટલાય સમયથી અંતરીક્ષમાં સેટેલાઈટને તોડી પાડવાના પરીક્ષણની માગણી કરી રહ્યાં હતાં. જૂની સરકારે આ નિર્ણય ટાળી દીધો. દેશની સુરક્ષા માટે આ નિર્ણય બહુ પહેલા લેવાવો જોઈતો હતો. પરંતુ નિર્ણય સતત ટાળવામાં આવ્યો. 

માયાવતી અને અખિલેશ પર પ્રહાર
પીએમ મોદીએ યુપીમાં થયેલા સપા બસપા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે વંશવાદ અને ભ્રષ્ટાચાર માટે યુપીમાં ગઠબંધન થયું છે. ઉત્તર પ્રદેશમાં જે પાર્ટીના નેતાઓને  જેલમાં મોકલવા માટે, બહેનજીએ જીવનના 2 દાયકાઓ લગાવી દીધા તેની સાથે જ હાથ મિલાવી દીધા છે. જે પક્ષના નેતા બહેનજીને ગેસ્ટ હાઉસમાં ખતમ કરવા માંગતા હતાં, તેઓ આજે તેમના સાથી બની  ગયા છે. તેમણે કહ્યું કે હજુ ગત ચૂંટણીમાં યુપીએ 2 છોકરાનો ખેલ જોયો અને 2 છોકરાઓમાંથી બુઆ બબુઆ સુધી પહોંચવામાં જે ઝડપ દેખાડવામાં આવી છે તે ખુબ ગજબ છે. 

તેમણે કહ્યું કે ફક્ત  બોર્ડ બદલવાથી દુકાન બદલાતી નથી. સપા બસપાના શાસનની ઓળખ, યુપીના લોકોને અપાયેલો દગો, ઉત્તર પ્રદેશના લોકો ભૂલ્યા નથી. સપાના શાસનકાળમાં થયેલા રમખાણોનો દંશ તમે બધા હજુ સુધી ઝેલી રહ્યા છો. તેમણે કહ્યું કે સપાના શાસનમાં શેરડીના ખેડૂતોને પોતાના જ પૈસા માટે અપમાનિત થવું પડતું હતું. સપા સરકારે શેરડીના ખેડૂતોના 35 હજાર કરોડથી વધુની બાકી રકમ યોગીજી માટે છોડી હતી. જેની હવે ચૂકવણી થઈ ચૂકી છે. સમાજવાદી પાર્ટીના શાસનકાળમાં થયેલા રમખાણોનો દંશ પશ્ચિમ યુપી હજુ ઝેલી રહ્યું છે. 

દેશ જણાવે કે તેમને સબૂત (પુરાવા) જોઈએ કે સપૂત જોઈએ-મોદી
તેમણે એર સ્ટ્રાઈક પર પુરાવા માંગનારા લોકો ઉપર પણ આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે વિપક્ષ રડે છે કે મોદીએ પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને કેમ માર્યું. મહાગઠબંધનના નેતા પાકિસ્તાની મીડિયામાં છવાયા છે. 26 ફેબ્રુઆરીથી આતંકીઓ થરથર કાંપી રહ્યાં છે. હવે દેશ જણાવે કે તેમને સબૂત (પુરાવા) જોઈએ કે સપૂત જોઈએ. પીએમ મોદીએ વિપક્ષ પર હુમલો કરતા કહ્યું કે જ્યારે દિલ્હીમાં આ મહામિલાવટી લોકોની સરકાર હતી તો છાશવારે દેશના અલગ અલગ ભાગોમાં બોમ્બ વિસ્ફોટ થતા હતાં. આ આતંકીઓ પણ જાત અને ઓળખ જોતા હતાં અને તેના આધારે ઓળખ કરીને કોને બચાવવાના અને કોને સજા આપવાની તે નક્કી કરતા હતાં. 

ચોકીદાર ક્યારેય અન્યાય કરતો નથી-મોદી
પીએમ મોદીએ કહ્યું કે હું મારો હિસાબ આપીશ. સાથે સાથે બીજાનો હિસાબ પણ લઈશ. આ બંને કામ સાથે સાથે ચાલવાના છે. ત્યારે જ તો હિસાબ બરાબર થશે. તમે તો જાણો જ છો કે હું ચોકીદાર છું. ચોકીદાર ક્યારેય અન્યાય કરતો નથી. હિસાબ થશે, બધાનો થશે. વારાફરતી થશે. આવનારા દિવસોમાં એનડીએના પાંચ વર્ષનો હિસાબ રજુ કરીશ, અને વિરોધીઓને પૂછીશ કે જ્યારે દેશે તમારા પર ભરોસો મૂક્યો હતો ત્યારે તમે નિષ્ફળ કેમ ગયાં. કેમ તમે તમારા દેશની જનતાનો ભરોસો તોડ્યો. 

એક બાજુ દમદાર ચોકીદાર, બીજી બાજુ દાગદાર
તેમણે કહ્યું કે આજે એક બાજુ વિકાસનો નક્કર આધાર છે, બીજી બાજુ ન નીતિ છે ન વિચાર, કે ન નિયત છે. આજે એક બાજુ નવા ભારતના સંસ્કાર છે અને બીજી બાજુ વંશવાદની બોલબાલા છે. આજે એક બાજુ નવા ભારતના સંસ્કાર છે તો બીજી બાજુ વંશવાદ અને ભ્રષ્ટાચારનો વિસ્તાર છે. એક બાજુ દમદાર ચોકીદાર છે તો બીજી બાજુ કલંકિતોની ભરમાર છે. પીએમ મોદીએ કહ્યું કે 5 વર્ષ પહેલા જ્યારે મેં તમારી પાસે આશીર્વાદ માંગ્યા હતાં ત્યારે તમે ભરપૂર પ્રેમ આપ્યો. મેં કહ્યું હતું કે તમારા  પ્રેમને હું વ્યાજ સાથે પાછો આપીશ અને જે કામ મેં કર્યું છે તેનો હિસાબ આપીશ અને સાથે સાથે બીજાનો હિસાબ પણ લઈશ. 

તમારે હિન્દુસ્તાનના હીરો જોઈએ કે પાકિસ્તાનના?
પીએમ મોદીએ કહ્યું કે બધા મહામિલાવટી લોકો કોણ પાકિસ્તાનમાં વધુ પોપ્યુલર બનશે તેની પ્રતિસ્પર્ધામાં લાગ્યા છે. ત્યાંના મીડિયામાં છવાયેલા છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે હિન્દુસ્તાનના હીરો જોઈએ કે પછી પાકિસ્તાનના? તેમણે કહ્યું કે હું દેશ માટે મારું બધુ દાવ પર લગાવવા માટે  તૈયાર રહેનાર વ્યક્તિ છું. કોઈ પણ રાજકીય દબાણ, કોઈ પણ આંતરરાષ્ટ્રીય દબાણ, તમારા આ ચોકીદારને ડગાવી શકશે નહીં અને ડરાવી શકશે પણ નહીં. 

વિપક્ષ પર સાધ્યું નિશાન
પીએમ મોદીએ વિપક્ષ પર હુમલો કરતા કહ્યું કે જ્યારે દિલ્હીમાં આ મહામિલાવટી લોકોની સરકાર હતી તો છાશવારે દેશના અલગ અલગ ભાગોમાં બોમ્બ વિસ્ફોટ થતા હતાં. આ આતંકીઓ પણ જાત અને ઓળખ જોતા હતાં અને તેના આધારે ઓળખ કરીને કોને બચાવવાના અને કોને સજા આપવાની તે નક્કી કરતા હતાં. તેમણે કહ્યું કે સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય અમારી સરકારે લીધો છે. જ્યારે તમને ખબર પડી હશે તો તમને પણ ગર્વનો અનુભવ થયો હશે. જ્યારે હું બેંક ખાતા ખોલાવડાવતો હતો તો કેટલાક બુદ્ધિજીવીઓ કહેતા હતાં કે દેશમાં બેંક જ નથી તો ખાતાથી શું થશે. જે લોકો 70 વર્ષમાં ગરીબના ખાતા નથી ખોલાવી શક્યા તેઓ આજે કહે છે કે ખાતામાં પૈસા નાખશે. 

પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે 2019ની ચૂંટણીના અભિયાનની શરૂઆત મેરઠથી કરવા પાછળ ખાસ કારણ છે. 1957માં એ જ સપનું, એ જ આકાંક્ષા દિલમાં લઈને આ જ મેરઠથી સ્વતંત્રતા આંદોલનનું પ્રથમ બ્યુગલ ફૂંકવામાં આવ્યું હતું. આપણા બધાના આદરણીય ચૌધરી ચરણ સિંહજીને હું નમન કરું છું. ચૌધરી સાહેબ દેશના એ મહાન સપૂતોમાંથી એક છે જેમણે દેશના રાજકારણને ખેતર, હરિયાળી અને ખેડૂતો તરફ ધ્યાન આપવા માટે બાધ્ય કર્યું. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ ગુરુવારે સવારે ટ્વિટ  કરીને ચૂંટણી પ્રચારની આજથી શરૂઆત કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પ્રિય મિત્રો હું આગામી કેટલાક દિવસો સુધી લોકસભા ચૂંટણીમાં તમારા સમર્થન માટે દેશનો પ્રવાસ કરીશ. આજે હું મેરઠ, રુદ્રપુર (ઉત્તરાખંડ) અને જમ્મુ (જમ્મુ અને કાશ્મીર)માં રેલી કરીશ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news