Valentine Special: ફિલ્મોની કહાની કરતા પણ રસપ્રદ છે સચિન પાઈલટ અને સારા અબ્દુલ્લાની Love Story
Sachin Pilot and Sara Pilot: વિદેશમાં થયેલ એક મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ. કેટલાંક સમય પછી સચિન અને સારા એકબીજાને ડેટ કરવા લાગ્યા. જોકે દરેક મુશ્કેલીને પાર કરીને 2004માં સચિન અને સારાએ લગ્ન કરી લીધા.
- વિદેશમાં અભ્યાસ દરમિયાન થયો પ્રેમ
- પહેલાં ધર્મ પછી ગર્લફ્રેન્ડના પિતા બન્યા અડચણ
- દિલચશ્પ છે સચિન પાઈલટ-સારા અબ્દુલ્લાની લવ સ્ટોરી
Trending Photos
જયેશ જોશી, અમદાવાદઃ અગર કીસી ચીજ કો પૂરી સિદ્ધત સે ચાહો, તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને કી કોશિશ મેં લગ જાતી હૈ... શાહરૂખ ખાનની ફિલ્મનો આ ડાયલોગ વાસ્તવિક જીવનમાં કોંગ્રેસના કદાવર નેતા રાજેશ પાઈલટના પુત્ર સચિન પાઈલટ અને સારા અબ્દુલ્લાની લવ સ્ટોરી પર એકદમ ફીટ બેસે છે. કેવી રીતે પાઈલટના પ્રેમમાં ગળાડૂબ કદાવર રાજનેતાની પુત્રીએ ધર્મની દિવાલ તોડતાં પોતાના પ્રેમને સફળ બનાવ્યો.
લંડનમાં અભ્યાસ દરમિયાન પ્રેમની શરૂઆત:
1990ના દાયકામાં જ્યારે કાશ્મીર ઘાટી આતંકવાદ સામે ઝઝૂમી રહી હતી. ત્યારે ફારુક અબ્દુલ્લાની પુત્રી સારાને અભ્યાસ માટે લંડન મોકલવામાં આવી. જ્યાં એક લગ્ન સમારોહમાં સચિન પાઈલટ અને સારાની પહેલી મુલાકાત થઈ. પછી સચિન યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં MBAનો અભ્યાસ કરવા ચાલ્યા ગયા. આ દરમિયાન તેમની અને સારાની મુલાકાત પ્રેમમાં પરિણમી અને સંબંધ આગળ વધ્યો. થોડા સમય પછી સચિન અને સારા એકબીજાને ડેટ કરવા લાગ્યા. પછી લંડનમાં સારાએ સચિનની પોતાની માતા સાથે મુલાકાત કરાવી અને પોતાની લવ સ્ટોરી વિશે જાણકારી આપી. સચિનની નિર્દોષ સ્માઈલે સારાની માતાનું દિલ જીતી લીધું અને તેમણે બંનેના સંબંધને મંજૂરી આપી દીધી. જોકે મુશ્કેલી તો હજુ આવવાની બાકી હતી.
ઈ-મેલ અને ફોન પર થતી હતી વાત:
લંડનમાં અભ્યાસ પૂરો કર્યા પછી સચિન પાઈલટ દિલ્લી પાછા આવી ગયા. જ્યારે સારા પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે લંડનમાં હતા. બંને વચ્ચે ઘણું અંતર હોવા છતાં પ્રેમ જળવાઈ રહ્યો. ઈ-મેલ અને ફોનના માધ્યમથી દરરોજ બંને વચ્ચે વાતચીત થતી હતી.
3 વર્ષ સુધી એકબીજાને કર્યા ડેટ:
બંનેએ પોતાના સંબંધને સમય આપ્યો અને લગભગ 3 વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા. જેના પછી બંનેએ પોતાના સંબંધ વિશે પરિવારને જણાવવાનો નિર્ણય કર્યો. પરંતુ આ એટલું સરળ ન હતું. હિંદી ફિલ્મોની જેમ સાચી જિંદગીમાં પણ સારા અને સચિનને પોતાના પ્રેમને અંજામ સુધી પહોંચાડવામાં ઘણી મુશ્કેલી સહન કરવી પડી.
દીવાલ બનીને ઉભો હતો ધર્મ:
ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી પોતાના પરિવારને બંનેએ જાણકારી આપી. પરંતુ ધર્મ અલગ હોવાના કારણે બંનેના પરિવારના લોકો આ સંબંધને સ્વીકારવા તૈયાર ન હતા. કેમ કે સચિન હિંદુ હતા. તો સારા મુસ્લિમ હતા. જોકે સારાના પિતા ફારુક અબ્દુલ્લાએ ક્રિશ્વિયન મહિલા સાથે લગ્ન કર્યા હતા. તેમ છતાં ફારુક અબ્દુલ્લા આ સંબંધના વિરોધમાં હતા. તેમની રાજકીય ઈચ્છા પણ હતી. બીજી બાજુ સચિનના પરિવારમાં પણ મુસ્લિમ યુવતીને વહુના રૂપમાં સ્વીકાર કરવા માટે કોઈ તૈયાર ન હતું.
બંનેનો સંબંધ પરિવારને હતો નામંજૂર:
સારાના પિતા ફારુક અબ્દુલ્લાએ આ સંબંધ વિશે વાત કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. પરંતુ સારાએ હાર માની નહીં. તે પોતાના પ્રેમ માટે લડી અને પોતાના પિતાને મનાવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો. સચિન સાથે લગ્ન માટે સારા અનેક દિવસો સુધી રડતી રહી. પરંતુ પુત્રીના આંસુઓ પણ પિતાનું દિલ પીગળાવી શક્યા નહીં. અને તે માન્યા નહીં.
જાન્યુઆરી 2004માં સારા-સચિને લગ્ન કર્યા:
તમામ મુશ્કેલીઓને કોરાણે મૂકીને વર્ષ 2004માં સચિન અને સારાએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. સચિનના માતા અને કોંગ્રેસના સાંસદ રમા પાઈલટના દિલ્લીના 20 કેનિંગ લેનમાં આવેલ સરકારી આવાસ પર સાદાઈથી લગ્ન કર્યા. જોકે લગ્નમાં અબ્દુલ્લા પરિવારમાંથી કોઈપણ વ્યક્તિ હાજર રહ્યા નહીં.
સાંસદ બન્યા ત્યારે અબ્દુલ્લાએ પાઈલટને માન્યા જમાઈ:
લગ્નના થોડા સમય પછી સચિને રાજનીતિના મેદાનમાં પોતાનું નસીબ અજમાવ્યું. 26 વર્ષની ઉંમરે 2004માં લોકસભાની ચૂંટણીમાં દૌસાથી મેદાનમાં ઉતર્યા અને મોટી જીત હાંસલ કરી. તેના પછી સચિન-સારાના લગ્નનો વિરોધ કરનારા ફારુક અબ્દુલ્લાએ સચિન પાઈલટને પોતાના જમાઈના રૂપમાં સ્વીકાર કરી લીધા.
અનેકવાર એકસાથે જોવા મળ્યાં સચિન-ફારુક અબ્દુલ્લા:
લગ્ન પછી સચિન પાઈલટ અને ફારુક અબ્દુલ્લા અનેકવાર સાર્વજનિક મંચ પર સાથે પણ જોવા મળ્યા. જ્યારે સચિન પાઈલટ મનમોહન સિંહ મંત્રીમંડળમાં સામેલ થયા ત્યારે ફારુક અબ્દુલ્લા ઘણા ખુશ જોવા મળ્યા. સારાના પિતાએ ભલે પુત્રીના લગ્નનો વિરોધ કર્યો. પરંતુ તેમણે એક ક્રિશ્વિયન મહિલા સાથે લગ્ન કર્યા હતા. જ્યારે ઉમર અબ્દુલ્લાએ એક આર્મી ઓફિસરની પુત્રી પાયલ નાથ સાથે લગ્ન કર્યા છે.
બે બાળકોના માતા-પિતા છે સારા-સચિન:
સચિન અને સારા મજબૂત રાજકીય પરિવાર સાથે સંબંધ રાખતા હતા. પરંતુ રાજકીય પરિવારની મજબૂરી સામે પણ આ જોડીએ હાર માની નહીં. બંનેના પિતા પણ મિત્ર હતા. બંને પરિવાર એકબીજાને સારી રીતે ઓળખતો હતો. પરંતુ કહેવાય છે કે જબ પ્યાર કિયા, તો ડરના ક્યા. સારા અને સચિને પણ આવું જ કર્યુ અને પોતાના પ્રેમને અંજામ સુધી પહોંચાડ્યો. આજે બંનેના બે પુત્ર છે. એકસમયે રાજકારણમાં પગ ન મૂકવાની વાત કરનારા સચિન પાઈલટ રાજસ્થાનથી લઈ દિલ્લી સુધી રાજકારણમાં પોતાનો પ્રભાવ ધરાવે છે. જ્યારે સારાનો સમય સામાજિક કાર્યોમાં પસાર થાય છે. બંનેને પરફેક્ટ કપલનું ટાઈટલ આપી શકાય તેમ છે. બંનેના લગ્ન અને પ્રેમની કહાની કોઈ ફિલ્મી સ્ટાઈલવાળા લગ્નથી ઓછા નથી. અનેક લોકો તેમના લગ્નને પ્રેમની મિસાલ પણ કહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે