મહારાષ્ટ્રમાં સરકાર બને તે પહેલા આ શું? એક બીજાની પોલ ખોલવામાં મશગૂલ BJPની સહયોગી પાર્ટીઓ

મહારાષ્ટ્રમાં સરકાર બને તે પહેલા આ શું? એક બીજાની પોલ ખોલવામાં મશગૂલ BJPની સહયોગી પાર્ટીઓ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યે એક અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો પરંતુ હજુ સુધી સરકાર બનવવા કે મુખ્યમંત્રીના ચહેરાને લઈને કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી. જો કે લગભગ ભાજપના જ મુખ્યમંત્રી હોવાનું નક્કી મનાય છે પરંતુ મહાયુતિની અંદર બે મોટી પાર્ટીઓ વચ્ચે હાલ ખેંચતાણ જોવા મળી રહી છે. એકનાથ શિંદેવાળી શિવસેનાના કેટલાક નેતા અજીત પવારની એનસીપી પર તો બીજી બાજુ એનસીપીના નેતા શિવસેનાને લઈને પોતાના મનની વાત રજૂ કરી રહ્યા છે. શિવસેના વિધાયક ગુલાબરાવ પાટિલે કહ્યું કે જો અજીત પવારની એનસીપી મહાયુતિનો હિસ્સો ન હોત તો એકનાથ શિંદેના નેતૃત્વવાળી પાર્ટી ચૂંટણીમાં 90-100 સીટો જીતી શકત. 

મહારાષ્ટ્રમાં શિંદે Vs અજીત પવાર
અજીત પવાર ગત વર્ષ જુલાઈમાં શિંદે સરકારમાં સામેલ થયા હતા અને તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા. હાલની સરકારમાં મંત્રી પાટિલે કહ્યું કે અમે ફક્ત 85 સીટો પર ચૂંટણી લડી હતી. અજીત દાદા વગર અમે 90-100 બેઠકો પર ચૂંટણી લડી શકતા હતા. શિંદેએ ક્યારેય પૂછ્યું નથી કે અજીત પવારવાળી એનસીપીને તેમની સરકારમાં કેમ સામેલ કરી.  તેમણે શિંદેના વખાણ કરતા કહ્યું કે શિંદે એક મોટામનવાળા માણસ છે. જે નારાજ થવાની જગ્યાએ મુકાબલો કરવામાં વિશ્વાસ ધરાવે છે. 

NCP નો પલટવાર
આામાં અજીત પવારવાળી એનસીપીના નેતા ક્યાં પાછળ રહે તેવા હતા. પલટવાર કરતા એનસીપીના પ્રવક્તા અમોલ મિટકરીએ પાટિલના મંત્રી પદને જોખમમાં ગણાવી દીધુ. તેમણે પાટિલ વિશે કહ્યું કે તેઓ આ પ્રકારની  હલકી વાતો ન કરે. મિટકરીએ કહ્યું કે પાટિલે પહેલા મંત્રીમંડળમાં સામેલ થવા વિશે વિચારવું જોઈએ. આ વખતે તેમના મંત્રી બનવાની શક્યતા બહુ ઓછી છે. 

કેન્દ્રીય નેતા પર ભડક્યા શિવસેના નેતા
વાત અહીં જ પૂરી નથી થઈ અને વધુ એક જુબાની જંગ વચ્ચે શિવસેના ધારાસભ્ય સંજય ગાયકવાડે કેન્દ્રીય મંત્રી પ્રતાવરાવ જાધવ અને ભાજપ નેતા સંજય કુટે ઉપર જ નિશાન સાંધી દીધુ. ગાયકવાડે 20 નવેમ્બરે થયેલી ચૂંટણીમાં બુલઢાણામાં શિવસેના (યુબીટી) ઉમેદવાર જયશ્રી શેલકે વિરુદ્ધ માત્ર 841 મતના મામૂલી અંતરથી જીત મેળવી હતી. ગાયકવાડે દાવો કર્યોકે જાધવે શિવસેના (યુબીટી) ચીફ ઉદ્ધવ ઠાકરેના એક નીકટના સહયોગીને ફોન કર્યો અને તેમને જયશ્રી શેલકેને મારા વિરુદ્ધ મેદાનમાં ઉતારવા જણાવ્યું હતું. 

સંજય કુટે ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યો
આ ઉપરાંત સંજય કુટે વિશે કહ્યું કે તેમણે પણ શિવસેના (યુબીટી) નેતા અનિલ પરબને ફોન કરીને આ ભલામણ કરી હતી. મારી પાર્ટી કે ગઠબંધનના એક પણ જિલ્લા સ્તરના નેતા મારી સાથે નહતા. તેમણે સવાલ કર્યો કે કુટેએ અડધી રાતે શેલકે સાથે મુલાકાત કેમ કરી? સહયોગી પાર્ટીના નેતા આ રીતે વર્તન કરે છે.

કોણ છે જાધવ અને કુટે
પ્રતાપરાવ જાધવ બુલઢાણાથી સાંસદ છે અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં આયુષની સાથે સાથે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પણ છે. આ ઉપરાંત કુટેએ જળગાંવ (જામોદ) વિધાનસભા સીટથી ચૂંટણી જીતી હતી. 

અત્રે જણાવવાનું કે 20 નવેમ્બરે મહારાષ્ટ્રમાં મતદાન થયું હતું અને ત્યારબાદ 23 નવેમ્બરે આવેલા પરિણામોમાં મહાયુતિએ મહારાષ્ટ્ર વિધાનસભામાં શાનદાર જીત મેળવી હતી. આ ગઠબંધને રાજ્યની 288 વિધાનસભા સીટોમાંથી 230 સીટો પર જીત મેળવી હતી. જેમાં ભાજપના ખાતામાં સૌથી વધુ 132 સીટો જ્યારે શિવસેનાને 57 અને એનસીપીને 41 સીટ મળી હતી. મહાયુતિમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના, અને અજીત પવારની એનસીપી સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news