Mansukh Hiren Death Case: મનસુખ હિરેનની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો ATS એ કેવી રીતે એક એક તાર જોડ્યા
મહારાષ્ટ્ર ATS ના સૂત્રોના જણાવ્યાં મુજબ 4 માર્ચના રોજ રાતે 8 વાગ્યાથી લઈને રાતે 8.30 વાગ્યા સુધીમાં મનસુખ હિરેનને અનેક વોટ્સએપ કોલ આવ્યા હતા. ATS એ તે સમયે થાણેના ઘોડબંદર વિસ્તારના ડંપ ડેટાને ખંખાળ્યો જેમાં લગભગ 1000 નંબરોની તપાસ કરાઈ. આ સાથે જ મનસુખ હિરેનને આવેલા વોટ્સએપ કોલની પણ તપાસ કરાઈ.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્ર ATS ની ટીમે મનસુખ હિરેન હત્યા કેસ (Mansukh Hiren Death Case) માં બે લોકોની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કર્યા. જેમાંથી એક વિનાયક શિંદે છે જે પહેલેથી લખન ભૈયા ફેક એન્કાઉન્ટરમાં દોષિત છે અને પેરોલ પર બહાર છે. આ સાથે જ ATS એ નરેશ ગોર નામના એક બૂકીની પણ ધરપકડ કરી છે. ત્રીજું સૌથી મહત્વપૂર્ણ નામ છે સચિન વાઝે. સચિન વાઝેએ મનસુખ હિરેનના મોત મામલે હંમેશા એ સાબિત કરવાની કોશિશ કરી કે જ્યારે મનસુખ હિરેનનું મોત થયું તે સમયે તે મુંબઈના ડોંગરી વિસ્તારમાં એક બાર પર રેડ મારી રહ્યો હતો. આ માટે તેણે ડોંગરી પોલીસ સ્ટેશનમાં સ્ટેશન ડાયરીમાં તેની રજિસ્ટ્રી પણ કરાવી, જે મુજબ રાતે 11.50 મિનિટ પર રેડ શરૂ થઈ અને રાતે 2.20 વાગે પૂરી થઈ.
સચિન વાઝેએ કર્યું હતું આ પ્લાનિંગ
19 માર્ચના રોજ ATS એ કોર્ટમાં પણ એ જ જણાવ્યું હતું કે સચિન વાઝે ( Sachin Vaze) પુરાવાથી સતત એ વાત જણાવવાની કોશિશમાં લાગ્યો હતો કે મનસુખ હિરેનના મોત સમયે તે ત્યાં હાજર નહતો. 4 માર્ચના રોજ જ્યારે મનસુખ હિરેન માર્યો ગયો, CDRના જણાવ્યાં મુજબ તે સમયે સચિન વાઝેને કોઈનો ફોન નહતો આવ્યો, કે કોઈએ તેને કોલ પણ નહતો કર્યો. માત્ર 4 મેસેજ આવ્યા હતા અને તે પણ માર્કેટિંગ કંપનીઓના હતા. આ બધું તપાસની દિશાને ભટકાવવા માટે કરાયું હતું. આ બધુ એક ષડયંત્રનો ભાગ હતો જેને મહારાષ્ટ્ર ATS એ અનેક ટેક્નિકલ એક્સપર્ટ્સની મદદથી બેનકાબ કર્યા છે.
અડધા કલાકમાં આવ્યા અનેક વોટ્સએપ કોલ
મહારાષ્ટ્ર ATS ના સૂત્રોના જણાવ્યાં મુજબ 4 માર્ચના રોજ રાતે 8 વાગ્યાથી લઈને રાતે 8.30 વાગ્યા સુધીમાં મનસુખ હિરેનને અનેક વોટ્સએપ કોલ આવ્યા હતા. ATS એ તે સમયે થાણેના ઘોડબંદર વિસ્તારના ડંપ ડેટાને ખંખાળ્યો જેમાં લગભગ 1000 નંબરોની તપાસ કરાઈ. આ સાથે જ મનસુખ હિરેનને આવેલા વોટ્સએપ કોલની પણ તપાસ કરાઈ. ત્યારબાદ મનસુખને આવેલો છેલ્લો વોટ્સએપ કોલ ટ્રેસ કરીને ATS ને અપાયો. ATS હવે તે વ્યક્તિની શોધમાં લાગી છે જેણે પોતાને કાંદિવલી પોલીસ સ્ટેશનનો તાવડે જણાવીને મનસુખને મળવા બોલાવ્યો હતો. ચોંકાવનારી વાત એ હતી કે આ નંબર અમદાવાદમાં રજિસ્ટર કરાયો હતો.
સચિન વાઝેને નરેશ ગોરે આપ્યું હતું સીમકાર્ડ
ATS એ એ જગ્યા પર રેડ મારી જ્યાં તેને બુકી નરેશ ગોર હોવાની ભાળ મળી હતી. ATS એ નરેશ ગોરની માહિતી કાઢી અને મુંબઈથી તેને અટકમાં લીધો. ત્યારબાદ તેની પાસેથી લગભગ 15 સિમકાર્ડ જપ્ત કર્યા. નરેશ ગોરે જ આ સમગ્ર કાંડ માટે એક સિમકાર્ડ સચિન વાઝેને અને એક સિમકાર્ડ વિનાયક શિંદેને આપ્યું હતું. આ સિમકાર્ડની મદદથી વાઝે સતત વિનાયક શિંદે અને મનસુખ હિરેન સાથે વાત કરતો હતો. વિનાયક શિંદેએ પણ આ સિમકાર્ડનો ઉપયોગ કરીને તાવડે બનીને મનસુખ હિરેનને વોટ્સએપ કોલ કરીને મળવા બોલાવ્યો હોવાનું મનાય છે.
હત્યા સમયે વિનાયક શિંદે હતો હાજર
ATS ના સૂત્રોના જણાવ્યાં મુજબ જે સમયે મનસુખ હિરેન માર્યો ગયો ત્યારે ત્યાં 10 કરતા વધુ લોકો હાજર હોવાનું મનાય છે. જેમાંથી કેટલાક પોલીસકર્મીઓ પણ હોઈ શકે છે. જો કે હાલ આ અંગે તપાસ ચાલુ છે. ATS ના સૂત્રોના જણાવ્યાં મુજબ વિનાયક શિંદે મનસુખ હિરેનની હત્યા સમયે ત્યાં જ હાજર હતો. ATS સૂત્રોના જણાવ્યાં મુજબ નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી મનસુખ હિરેનની સ્કોર્પિયો કાર સચિન વાઝે પાસે જ હતી. એ વાત મનસુખની પત્ની અને ભાઈ પણ પોતાના સ્ટેટમેન્ટમાં જણાવી ચૂક્યા છે. સચિન વાઝેએ મનસુખને સ્કોર્પિયો ચોરી થવાની FIR કરવાનું કહ્યું હતું અને વિશ્વાસ અપાવ્યો હતો કે તે ડરે નહીં તપાસ સચિન વાઝે જ કરવાનો છે. હવે આ સમગ્ર હત્યાકાંડથી પડદો હટતો જોવા મળી રહ્યો છે. આ કાંડને કેવી રીતે અંજામ અપાયો તે સામે છે પરંતુ કયા હેતુથી હત્યા કરાઈ તે હજુ સામે આવવાનું બાકી છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ATS સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો કાર પાર્ક કરવાનું ષડયંત્ર સચિન વાઝેએ જ રચ્યું હતું. આ ષડયંત્રનો મુખ્ય સાક્ષી મનસુખ હિરેન હતો. કેસની તપાસ જ્યારે NIA ને સોંપાઈ ત્યારે સચિન વાઝેને રહસ્ય ખુલી જવાનો ડર હતો અને તેણે ષડયંત્ર રચી મનસુખની હત્યાને અંજામ આપ્યો હોવાનું કહેવાય છે જે મુજબ 4 માર્ચની રાતે 8.30 વાગે વિનાયક શિંદે દ્વારા મનસુખને બોલાવવામાં આવ્યો.
જીવતો જ ખાડીમાં ફેંકી દીધો?
5 માર્ચના રોજ મુંબ્રાના રેતી બંદર સ્થિત ખાડીમાં મનસુખની લાશ મળી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ મનસુખનું મોઢું અને હાથ બાંધીને તેને જીવતો જ ખાડીમાં ફેંકી દેવાયો હતો. ATS પહેલા NIA ને મનસુખની હત્યાના મહત્વના પુરાવા મળી ગયા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મનસુખ કેસની તપાસ NIA નો સોંપી તેના ગણતરીના કલાકોમાં ATS એ બે લોકોની ધરપકડ કરી મામલો ઉકેલ્યો હોવાનો દાવો કર્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે