Mizoram Election Result 2023: મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં ZPM ને મળી બમ્પર જીત, 27 સીટો કરી કબજે
Mizoram Election Results 2023: મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને નિરાશા હાથ લાગી છે. કોંગ્રેસને માત્ર એક સીટ મળી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ખાતામાં બે સીટ આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Mizoram Elections Result 2023: મિઝોરમ વિધાનસભા ચૂંટણીનું પરિણામ સામે આવી ગયું છે. વિધાનસભા ચૂંટણીમાં ઝોરમ પીપુલ્સ મૂવમેન્ટ (જેડપીએમ) ને શાનદાર જીત મળી છે. આ ચૂંટણીમાં સત્તામાં રહેલા મિઝો નેશનલ ફ્રંટ (એમએનએફ), ઝોરમ પીપુલ્સ મૂવમેન્ટ (જેડપીએમ) અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો થવાની આશા હતી. પરંતુ સત્તામાં રહેલા મિઝો નેશનલ ફ્રંટે હારનો સામનો કરવો પડ્યો છે. ઝોરમ પીપુલ્સ મૂવમેન્ટ (જેડપીએમ) એ 40 સીટોવાળી વિધાનસભામાં 27 બેઠકો પર જીત મેળવી છે. તો મિઝો નેશનલ ફ્રંટને 9 સીટ પર જીત મળી છે. આ ચૂંટણીમાં ભાજપને 2 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે.
મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી હાર્યા
મિઝોરમના મુખ્યમંત્રી અને એમએનએફ ઉમેદવાર જોરમથાંગાએ હારનો સામનો કરવો પડ્યો છે. તેમને જેડપીએમના ઉમેદવાર લાલથનસાંગાએ 2101 મતથી આઇઝોલ પૂર્વી-1 સીટ પર પરાજય આપ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું કે લાલથનસાંગાને 10727 મત મળ્યા જ્યારે જોરામથાંગાને 8626 મત મળ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર લાલસંગલુરા રાલ્તેએ માત્ર 2520 મતથી સંતોષ કરવો પડ્યો છે.
30 વર્ષથી મુખ્યમંત્રીની ખુરશી પર હતા બે ચહેરા
મિઝોરમના 8.57 લાખ મતદાતાઓએ સાત નવેમ્બરે 40 ધારાસભ્યો ચૂંટવા માટે મતદાન કર્યું હતું. આ વખતે 80 ટકાથી વધુ મતદાતાઓએ મતદાન કર્યું હતું. મત ગણતરી પહેલા આવેલા એક્ઝિટ પોલમાં એમએનએફની વિદાયની ભવિષ્યવાણી કરવામાં આવી હતી, જે સાચી પડી છે. મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં ઝોરમ પીપુલ્સ મૂવમેન્ટે જીત મેળવી છે. આ ચૂંટણીમાં 16 સીટ ગુમાવ્યા બાદ મિઝો નેશનલ ફ્રંટ રાજ્યની સત્તા પરથી દૂર થઈ ગઈ છે. છેલ્લા 35 વર્ષમાં પ્રથમવાર હશે, જ્યારે કોઈ નવો ચહેરો મિઝોરમના મુખ્યમંત્રી બનશે. 1984 બાદ મિઝોરમની સત્તા કોંગ્રેસ અને મિઝો નેશનલ ફ્રંટ વચ્ચે ઘૂમી રહી હતી. 1989 બાદથી કોંગ્રેસ તરફથી લાલથનહવલા અને એમજેએમ તરફથી જોરમથંગા મુખ્યમંત્રી બનતા રહ્યાં છે. આ વખતે લાલદુહોમા તરીકે મિઝોરમને નવા મુખ્યમંત્રી મળી શકે છે. લાલદુહોમાએ જણાવ્યું કે તે બુધવારે રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. નવી સરકાર જલ્દી શપથ લેશે.
કોંગ્રેસને 20 ટકા મત પરંતુ સીટમાં ભાજપ કરતા પાછળ
મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં સત્તા પરિવર્તન થયું પરંતુ ભાજપને એક સીટનો ફાયદો થયો છે. આ વખતે ભાજપે મિઝોરમમાં બે સીટ જીતી છે, જ્યારે કોંગ્રેસને માત્ર એક સીટ મળી છે. રાહુલ ગાંધીએ આઇઝોલમાં રોડ શો પણ કર્યો હતો, પરંતુ તેનો ફાયદો થયો નહીં. કોંગ્રેસને 20.82 ટકા મત મળ્યા છે. મત ટકાવારીની દ્રષ્ટિએ તે ત્રીજા સ્થાને રહી. ભાજપને 5.06 ટકા મત મળ્યા પરંતુ તે બે સીટ જીતવામાં સફળ રહ્યું છે. સત્તા હાસિલ કરનાર જેડપીએમને 37.88 ટકા મત મળ્યા છે. મિઝો નેશનલ ફ્રંટ વોટ શેર અને સીટોની દ્રષ્ટિએ બીજા સ્થાને રહ્યું છે. પાર્ટીને 35.10 ટકા મત અને 10 સીટો મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે