સમગ્ર દેશમાં આજથી 3 નવા કાયદા લાગૂ: FIR, ધરપકડ.....જાણો કયા કયા ધરખમ ફેરફાર જોવા મળશે

New Criminal Laws: અત્યાર સુધી દેશમાં ભારતીય દંડ સંહિતા, દંડ પ્રક્રિયા સંહિતા અને 1872નો ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગૂ હતા. પરંતુ હવે તેમની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમે લીધી છે. આજથી સમગ્ર દેશમાં આ ત્રણેય નવા કાયદા લાગૂ થઈ ગયા છે.

સમગ્ર દેશમાં આજથી 3 નવા કાયદા લાગૂ: FIR, ધરપકડ.....જાણો કયા કયા ધરખમ ફેરફાર જોવા મળશે

દેશમાં આજધી 3 નવા કાયદા લાગૂ થઈ ગયા છે. આ કાયદા લાગૂ થયા બાદ ભારતની ન્યાય પ્રણાલીમાં એક મોટો ફેરફાર જોવા મળશે. અત્યાર સુધી દેશમાં ભારતીય દંડ સંહિતા, દંડ પ્રક્રિયા સંહિતા અને 1872નો ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગૂ હતા. પરંતુ હવે તેમની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમે લીધી છે. આજથી સમગ્ર દેશમાં આ ત્રણેય નવા કાયદા લાગૂ થઈ ગયા છે. સરકારના જણાવ્યાં મુજબ નવા કાયદાથી ઝડપથી ન્યાય થઈ શકશે. ઓનલાઈન પોલીસ ફરિયાદ, ઝીરો એફઆઈઆર, ગંભીર ગુનાના સ્થળની ફરજિયાતપણે વીડિયોગ્રાફી કરવી વગેરે ફેરફાર કરાયા છે. ત્યારે આ નવા કાયદામાં બીજી પણ શું નવિનતા છે તે પણ ખાસ જાણવું જરૂરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ ત્રણેયકાયદા ભારતીયો દ્વારા ભારતીયો માટે ભારતીય સંસદ દ્વારા તૈયાર થયા છે. 

નવા કાયદાની મહત્વની વાતો....

1. અગાઉ ક્રિમિનલ કેસોમાં જેટલા પણ ચુકાદા આવતા હતા તેમાં પહેલા સુનાવણી બાદ ચુકાદો આપવામાં 60 દિવસ લાગતા હતા પરંતુ હવે આ સમયગાળો 45 દિવસનો થવા જઈ રહ્યો છે એટલે કે 15 દિવસ ઘટશે. ચુકાદો 45 દિવસની અંદર આવશે. 

2. બળાત્કાર પીડિતોના જ્યારે પણ મેડિકલ કરવામાં આવશે ત્યારે કોઈ પણ સંજોગોમાં 7 દિવસની અંદર રિપોર્ટ આપવો પડશે. બળાત્કાર પીડિતાનું તેના માતા પિતા કે સગા સંબંધીની હાજરીમાં મહિલા પોલીસ કર્મી દ્વારા નિવેદન નોંધાશે. 

3. જે નવા કાયદા લાગૂ થયા છે તેમાં હવે બાળકોને ખરીદવા કે વેચવા એ જઘન્ય અપરાધ ગણવામાં આવશે. એ જ રીતે જો સગીર વયના સાથે બળાત્કાર થાય તો આજીવન કેદ કે પછી મૃત્યુદંડની સજા પણ મળી શકે છે. જો કે પોક્સો કાયદામાં પણ હાલ આ સજાની જોગવાઈ તો છે. 

4. હવે જો લગ્નના ખોટા વચન આપીને મહિલાને છોડવામાં આવશે તો તેના અંગે પણ દંડની કડક જોગવાઈ કરાઈ છે. 

5. આરોપી હોય કે પીડિત બંનેને 14 દિવસની અંદર પોલીસ રિપોર્ટ, ચાર્જશીટ મેળવાનો પૂરેપૂરો અધિકાર રહેશે. 15 વર્ષથી ઓછી વય અને 60 વર્ષથી વધુ વયના તેમજ દિવ્યાંગો અથવા ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા વ્યક્તિએ હવે પોલીસ સ્ટેશન રૂબરૂ જવાની જરૂર નહીં રહે. પોલીસ દ્વારા આવા લોકોને ઘરેબેઠા મદદ પૂરી પાડવાની રહેશે. 

6. મહિલાઓ વિરુદ્ધ જ્યારે પણ ગુનો થશે ત્યારે તમામ હોસ્પિટલોએ મફત સારવાર કરવી પડશે. જો બાળકો સાથે અપરાધ થયો તો પણ હોસ્પિટલ મફત સારવાર કરવા માટે બાધ્ય રહેશે. 

7. એફઆઈઆર મામલે મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. નવા કાયદામાં ટેક્નોલોજીનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. એટલે કે હવે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆર દાખલ કરી શકાશે. જ્યાં ફરિયાદ દાખલ કરવી હોય અને તે વિસ્તારમાં ભલે ગુનો ન આચરાયો હોય પરંતું પોલીસે આ ફરિયાદ દાખલ કરવાની રહેશે. ઈલેક્ટ્રોનિક કમ્યુનિકેશનથી પણ ફરિયાદ દાખલ થઈ શકશે. આમ થવાથી પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરવાની રહેશે. અન્ય એક મહત્વની જોગવાઈ એ પણ કરાઈ છે કે જ્યારે કોઈની ધરપકડ કરાય ત્યારે તે વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ વ્યક્તિને ધરપકડ સહિતની તમામ જાણકારી આપી શકશે. જેથી આડેધડ અને મનમાની રીતે થતી ધરપકડ અટકી શકશે. ધરપકડ બાદ પોલીસ સ્ટેશને ધરપકડની માહિતી લગાવવાની રહેશે જેથી કરીને જેને પકડ્યા હોય તેની માહિતી પરિવાર સુધી પહોંચી શકે. 

8. જો ગંભીર અપરાધ હશે તો ફોરેન્સિક એક્સપર્ટ્સનું ઘટનાસ્થળે જવું જરૂરી હશે, પહેલા જરૂરિયાત મુજબ આ નિર્ણય લેવાતા હતા. 

9. લિંગની પરિભાષામાં ટ્રાન્સજેન્ડર સમાજના લોકોને પણ સામેલ કરાયા છે. તેનાથી સમાનતાને પ્રોત્સાહન મળશે અને જમીન પર સ્થિતિ બદલાશે. 

10. મહિલા પીડિતાના નિવેદનને યથાસંભવ મહિલા મેજિસ્ટ્રેટ દ્વારા નોંધાવવા જોઈએ. બળાત્કાર જેવા કેસોમાં ઓડિયો-વીડિયો માધ્મમથી નિવેદન લેવાવા જોઈએ. 

એ પણ જાણવું જરૂરી છે કે નવા કાયદામાં આઈપીસીની કલમોને 511થી ઘટાડીને 358 કરવામાં આવી છે. કેટલીક કલમોને મર્જ કરાઈ છે જેથી કરીને સંખ્યા ઘટી છે. કેટલાક ગુનાઓ જેમ કે લગ્નના ખોટા વચનો, સગીરા સાથે ગેંગરેપ, મોબ લિન્ચિંગ, ચેઈન સ્નેચિંગ વગેરે કેસોમાં ગુનો તો દાખલ થાય છે પરંતુ કોઈ જોગવાઈ ન હોવાના કારણે મુશ્કેલી આવતી હતી પરંતુ હવે નવા કાયદા ભારતીય ન્યાય સંહિતામાં આ માટે અલગથી જોગવાઈ કરાઈ છે.

કલમો પણ બદલાઈ
હવે નવા કાયદામાં અનેક કલમો પણ બદલાઈ છે. જેમ કે બળાત્કાર માટે કલમ 375 અને 376 નહીં રહે. પરંતુ હવે તેની જગ્યાએ ફક્ત કલમ 63 રહેશે. જો સામૂહિક બળાત્કારનો મામલો હશે તો કલમ 70 લાગશે. હત્યાના કેસમાં કલમ 302 નહીં પરંતુ 101 રહેશે. ત્રણ કાયદા લાગૂ થયા બાદ 41 કેસમાં સજાનો સમયગાળો બદલવામાં આવ્યો છે. 82 ગુનામાં દંડ વધુ કરાયો છે.   

નવા કાયદાઓ વિશે ટૂંકમાં વાત...

- કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ઝીરો FIR કરી શકાશે, આ ઝીરો એફઆઈઆર લાગૂ પડતા પોલીસ સ્ટેશનમાં 15 દિવસમાં મોકલવાની રહેશ. 
- તમામ પ્રકારના ગેંગરેપ કેસમાં 20 વર્ષ કે આજીવન કેદની સજા થઈ શકે છે. 
- સગીરા પર રેપના કેસમાં ફાંસીની સજાની પણ જોગવાઈ. 
- ફરિયાદ થાય તેના 90 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવી પડશે, જેને કોર્ટ 90  દિવસ માટે લંબાવી શકે. 
- ચાર્જશીટ મળ્યાના 60 દિવસની અંદર કોર્ટે આરોપો ઘડવાનું કામ પૂરું કરવાનું રહેશે. 
- સુનાવણી પૂરી થાય કે 30 દિવસની અંદર ચુકાદો સંભળાવવાન રહેશ. 
- ક્રોસ એક્ઝામિનેશન સહિત સમગ્ર સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગથી કરી શકાશે. 
- ચુકાદો આવે કે તેના સાત દિવસમાં કોપી ફરજિયાતપણે ઓનલાઈન અપલોડ કરવી પડશે. 
- સાત વર્ષ કે તેથી વધુની સજાના ગુનામાં ફોરેન્સિક ટીમોએ ફરજિયાત ક્રાઈમ સ્થળે હાજર રહેવું પડશે. 
- દરોડા કે જપ્તીની કાર્યવાહીની ફરજિયાતપણે વીડિયોગ્રાફી થશે. 
- જિલ્લા સ્તરે મોબાઈલ એફએસએલ તૈનાત
- સાત વર્ષ કે તેથી વધુ સજાના કેસમાં પીડિતને સુનાવણીની તક આપ્યા વગર પરત લેવાશે નહીં. 
- મહિલાને નોકરી કે લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા બાદ ત્યજી દેવી એ ગંભીર ગુનો ગણાશે. 
- મોબાઈલ સ્નેચિંગ, ચેઈન સ્નેચિંગ માટે પણ જોગવાઈ. 
- બાળકો વિરુદ્ધ થતા ગુનામં સજા સાત વર્ષથી વધારી 10 વર્ષ કરાઈ. 
- ફાંસીને આજીવન કેદ, આજીવન કેદને 7 વર્ષ અને સાત વર્ષને 3 વર્ષ સુધી જ બદલી શકાશે. 
- કોઈ પણ ગુનામાં જપ્ત કરાયેલા વાહનોની ફરજિયાતપણે વીડિયોગ્રાફી કરવી પડશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news