દિવાળી પહેલા નીરવ મોદીને ઝટકો, EDએ દુબઈમાં 56.8 કરોડની 11 સંપત્તી કરી જપ્ત

ઈડીએ આ કાર્યવાહી નીરવ મોદી અને તેની કંપની ફાયરસ્ટાર સામે કરી છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તીની કુલ કિંમત 70.79 લાખ ડોલર (લગભગ રૂ.56.8 કરોડ) છે. ઈડીએ આ કાર્યવાહી પીએમએલએ અંતર્ગત કરી છે 

દિવાળી પહેલા નીરવ મોદીને ઝટકો, EDએ દુબઈમાં 56.8 કરોડની 11 સંપત્તી કરી જપ્ત

નવી દિલ્હીઃ રૂ.13,400 કરોડના ગોટાળાના આરોપી નીરવ મોદી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ફરી એક વખત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દુબઈમાં તેની લગભગ 11 જેટલી સંપત્તી જપ્ત કરવામાં આવી છે. ઈડીએ આ કાર્યવાહી નીરવ મોદી અને તેની કંપની ફાયરસ્ટાર સામે કરી છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તીની કુલ કિંમત 70.79 લાખ ડોલર (લગભગ રૂ.56.8 કરોડ) છે. ઈડીએ આ કાર્યવાહી પીએમએલએ અંતર્ગત કરી છે.

આ અગાઉ પણ ઈડીએ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીને ઝટકો આપ્યો હતો. અગાઉ EDએ નીરવ મોદીની હોંગકોંગમાં રૂ.255 કરોડની સંપત્તી જપ્ત કરી લીધી હતી. આ દરમિયાન ઈડીએ પાંચ વિદેશી ખાતા જપ્ત કર્યા હતા, જેમાં નીરવના રૂ.278 કરોડ જમા હતા. આ ઉપરાંત નીરવ મોદીના જ્વેલરી અને મુંબઈના ઘરને પણ સીઝ કરાયું હતું. 

13,400 કરોડના ગોટાળાનો છે આરોપ 
આપને જણાવી દઈએ કે હીરા વેપારી નીરવ મોદી પર રૂ.13,400 કરોડના પંજાબ નેશનલ બેન્ક સાથે ગોટાળાનો આરોપ છે. તાજેતરમાં જ નીરવ મોદી સામે FIR નોંધાઈ હોવા છતાં પણ કરોડો રૂપિયાની જ્વેલરી હોંગકોંગ મોકલવામાં આવી હતી. 

— ANI (@ANI) November 6, 2018

આ બાબતે કાર્યવાહી કરતાં ઈડીએ રૂ.637 કરોડની સ્થાયી-અસ્થાયી સંપત્તી જપ્ત કરી છે. ઈડીના અનુસાર પીએનબી કૌભાંડમાં નીરવ મોદીની અત્યાર સુધી કુલ રૂ.4,744 કરોડની સંપત્તી જપ્ત કરવામાં આવી છે. 

ભાઈ અને પત્ની સામે પણ કેસ દાખલ 
ઈડીએ છેલ્લી કાર્યવાહી દરમિયાન હોંગકોંગમાંથી રૂ.22 કરોડ 69 લાખની જ્વેલરી પાછી મગાવી છે. આ જ્વેલરીને પણ ઈડીએ સીઝ કરી દીધી છે. 

જ્વેલરીની કિંમત કાગળોમાં રૂ.85 કરોડ બતાવવામાં આવી હતી. નીરવ મોદીએ આ સ્થાયી સંપત્તી વર્ષ 2017માં ખરીદી હતી. સીબીઆઈએ આ મહાકૌભાંડમાં નીરવ મોદી, તેના ભાઈ, તેની પત્ની અને તેને વ્યવસાયિક ભાગીદાર સામે કેસ દાખલ કરેલો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news