હવે ચીન નહીં ભારતમાંથી દુનિયાને મળશે બુલેટ ટ્રેનના સૌથી સસ્તા કોચ
બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પુરો કરવાની અંતિમ સમયમર્યાદા ડિસેમ્બર, 2023 છે, પરંતુ ભારત સરકાર આ પ્રોજેક્ટ 15 ઓગસ્ટ, 2022 સુધીમાં પૂરો કરી દેવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે
Trending Photos
નવી દિલ્હીઃ દેશની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડવાની છે, જે 2022 સુધીમાં શરૂ થઈ જવાની સંભાવના છે. આ સમગ્ર પ્રોજેક્ટ જાપાન સંભાળી રહ્યું છે અને તેણે ભારત સરકારને લોન પણ આપી છે. બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પુરો કરવાની અંતિમ સમયમર્યાદા ડિસેમ્બર, 2023 છે, પરંતુ ભારત સરકાર આ પ્રોજેક્ટ 15 ઓગસ્ટ, 2022 સુધીમાં પૂરો કરી દેવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે.
વડા પ્રધાન મોદીની ઈચ્છા છે કે, દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ પ્રસંગે દેશને આ ભેટ આપવામાં આવે. આ દરમિયાન ભારતે જાપાન સમક્ષ બુલેટ ટ્રેનના કોચોનું નિર્માણ દેશમાં જ કરવાની અને તેની નિકાસ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ભારતીય રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ આ વાત જણાવી છે.
રેલવે બોર્ડના સભ્ય (એન્જિન અને ડબ્બા) રાજેશ અગ્રવાલે જણાવ્યું કે, "અમે જાપાન સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો છે કે, બુલેટ ટ્રેનના ડબ્બાનું નિર્માણ સ્થાનિક સ્તરે કરવામાં આવે. તેના માટે જાપાન પાસે ટેક્નિકલ સહાય આપવાની માગણી કરી છે. જો ભારતમાં બુલેટ ટ્રેનનાં કોચનું નિર્માણ શરૂ થઈ જાય તો તે દુનિયામાં સૌથી સસ્તા હશે."
તેમણે વધુમાં જણાવ્યું કે, "જો ભારતમાં નિર્માણ શરૂ થઈ જશે તો આપણે દુનિયાને પણ તે પુરા પાડી શકીશું. મોટાભાગના દેશો ચીનને બદલે ભારત પાસેથી બુલેટ ટ્રેનના કોચ ખરીદશે. માત્ર દક્ષિણ-પૂર્વનાં દેશો જ નહીં પરંતુ યોરોપ અને અમેરિકા જેવા દેશ પણ ભારત પાસેથી આ કોચ ખરીદશે."
બુલેટ ટ્રેનના કોચના નિર્માણ અંગે તેમણે જણાવ્યું કે, "રાયબરેલી ખાતે આધુનિક કોચ નિર્માણ ફેક્ટરી આ પ્રકારના ડબ્બાના નિર્માણ માટે સંપૂર્ણ પણે તૈયાર છે. રેલવે પાસે અત્યારે કુલ 1,50,000 કુશળ કારિગરો, 50 રેલવે વર્કશોપ અને 6 ઉત્પાદન એકમ છે."
ભારતમાં જાપાનના રાજદૂત કેન્જી હિરામાત્સુએ જણાવ્યું કે, 'શિનકાસેન ટ્રેનોનું સ્થાનિક સ્તરે નિર્માણ કરવા અંગે વાટાઘાટો ચાલી રહી છે. જો તેનું સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે તો તે કિંમતની દૃષ્ટિએ પણ પરવડી શકે એમ છે. આ અંગે બંને દેશ ગંભીરતાપૂર્વક વિચારી રહ્યા છે.'
દેશમાં રોજગારની તકોનું નિર્માણ થશે
જો બંને દેશ વચ્ચે આ બાબતે સહમતિ સધાઈ જશે તો સરકારી સંગઠન માટે કારોબારની એક નવી તક ઉભી થશે. સમગ્ર દુનિયામાં હાઈસ્પીડ ટ્રેન નેટવર્કની અપાર સંભાવનાઓ છે. અમેરિકા, વિયેટનામ, મલેશિયા, સિંગાપુર, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયામાં આ દિશામાં વિવિધ સ્તરે કામ ચાલી રહ્યું છે.
અગ્રવાલે જણાવ્યું કે, જાપાન ભારતમાં માત્ર રેલગાડીના રોલિંગ સ્ટોક (એન્જિન, ડબ્બા)નું જ નિર્માણ કરે એવો વિચાર નથી. આ સાથે જ જાપાન તેના આ ઉત્પાદન એકમનો ઉપયો સંરક્ષણ અને અન્ય ક્ષેત્રો માટે પણ કરી શકે છે.
ભારતમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે સ્થપાનારા આ પ્રથમ હાઈસ્પીડ રેલવે નેટવર્કની કુલ લંબાઈ 508 કિમી છે. જેમાં 12 સ્ટેશન હશે. તેનો લગભગ 350 કિમી જેટલો ભાગ ગુજરાતમાં અને 150 કિમી મહારાષ્ટ્રમાં હશે. દરેક બુલેટ ટ્રેનમાં 10 કોચ હશે, જેમાં એક બિઝનેસ ક્લાસ અને 9 સામાન્ય શ્રેણીના હશે. અત્યારે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કાર્યવાહી ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે