વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસ દિલવાળી નહીં ડિલવાળી...

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી ચરમસીમાએ પહોંચી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બંગારપેટમાં જાહેર સભાને સંબોધતાં રાહુલ ગાંધી અને કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસ દિલવાળી નહીં ડિલવાળી...

બંગારપેટ : કર્ણાટક વિધાનસભાની ચૂંટણી ચરમસીમાએ પહોંચી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બંગારપેટમાં જાહેર સભાને સંબોધતાં રાહુલ ગાંધી અને કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. રાહુલ ગાંધીના વડાપ્રધાન બનવાની જાહેરને લઇને એમણે અહંકારી અને નામદાર તરીકે ગણાવતાં આડેહાથ લેતાં આકરા પ્રહાર કર્યા હતા. ભાજપને રોકવા માટે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા હિન પ્રયાસો અંગે પણ એમણે કહ્યું કે, બધી વિગતો હવે સરળતાથી મેળવી શકાય છે. આ જનતા બધુ જાણે છે. વધુ મતદાન કરાવવા અને ભાજપને જીતાડવા માટે એમણે જનમેદનીને અપીલ કરી હતી. 

કોંગ્રેસ સામે નિશાન સાધતાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આમને નામદારોની જરૂર છે કામદારોની જરૂર નથી. દિલ્હીમાં 10 વર્ષ મનમોહનસિંહ વડાપ્રધાન હતા પરંતુ રિમોટ કંટ્રોલ 10 જનપથમાં મેડમ પાસે હતું. ચાર વર્ષથી દિલ્હીમાં તમે મોદીની સરકાર બનાવી છે ભાજપની સરકાર બનાવી છે. અમારૂ પણ રિમોટ કંટ્રોલ છે પરંતુ એ સવા સો કરોડ હિન્દુસ્તાની છે. આ જ મારો હાઇકમાન્ડ છે. આ કહેશે કે મોદી બેસી જાવ, આ હાઇ કમાન્ડ કહેશે કે મોદી ઉભા થાવ તો મોદી ઉભા થશે, કારણ કે લોકશાહીમાં હાઇ કમાન્ડ જનતા જ છે. 

મોદીએ કહ્યું કે, જ્યાં કોંગ્રેસને તક મળે છે ત્યાં બુરાઇઓને મજબૂતી મળે છે. બેઇમાન મોટા થાય છે. પરંતુ જ્યાં ભાજપને તક મળે છે ત્યાં બુરાઇઓ ઓછી થાય છે. અચ્છાઇઓ ઉપર આવે છે. આ કોંગ્રેસના નામદાર સોનાની ચમચી લઇને જન્મ્યા છે. આ સોનું પણ અહીંનું વિદેશીઓથી ભ્રષ્ટાચારથી આવેલું છે. જે સોનાની ચમચી લઇને જન્મ્યા છે એમને ગરીબી જોવા માટે ગરીબોના ઘરમાં કેમેરા લઇને જવું પડે છે. ટોઇલેટ નથી એનાથી માતાઓને શું તકલીફ છે એમને શું ખબર પડે. મારા ભાઇઓ મારા દેશમાં 5 કરોડ ટોઇલેટ બનાવ્યા તો એ શું અમીરો માટે બનાવ્યા છે? 

હું આજે અહીં એક નાની વાત કહેવા માગું છું. મને ખબર છે તમે સરળતાથી સમજી જશે. એસીમાં બેસનારાઓને નહીં સમજાય. જે ગામમાં પાણીની અછત હોય છે અને ગામને ખબર પડે કે મંગળવારે બપોરે 3 વાગે પાણીનું ટેન્કર આવવાનું છે તો ગામના લોકો શું કરે છે, ટેન્કરની જગ્યાએ જઇને પાણીની ડોલ રાખી દે છે. બધા કતારમાં ડોલ લગાવે છે. 3 વાગે ટેન્કર આવે એની રાહ જોવે છે. લોકો કેટલા ઇમાનદાર હોય છે કે કોઇ ડોલને અડતું નથી. ટેન્કર આવે ત્યારે વારા ફરતી બધા ભરે છે. આ બધા વચ્ચે ગામમાં કોઇ એવો કોઇ દબંગ હોય તો એ 3 વાગે પહોંચી જાય છે અને છાતી ખોલીને બધાની ડોલે ખસેડીને પોતાની ડોલ પહેલા ભરી લે છે. 

કાલે કર્ણાટકની રાજનીતિમાં પણ આવું થયું,  40 વર્ષથી જે નેતાઓ બેઠાઓ હોય ત્યાં શું થયું, આવીને કહી દીધું કે હું વડાપ્રધાન બનીશ. તમે મને કહો કે આ પ્રકારે પોતાને વડાપ્રધાન જાહેર કરી દેવા એ અહંકાર સાતમા આસમાને પહોંચ્યો છે એ બતાવે છે કે નહીં? હું તમને પુછું કે કે આ નામદારનો અહંકાર સાતમા આસમાને પહોંચ્યો છે કે નહીં? જોરથી જવાબ આપો...આ અહંકારી નામદારીનો પોતાને વડાપ્રધાન જાહેર કરવાની આ જાહેરાત કોંગ્રેસની આંતરિક લોકશાહીની પોલ ખોલ દે છે કે નહીં? એટલું જ નહીં મોદી હટાવવા માટે ગઠબંધન કરવા માટે બેઠકો થઇ રહી છે મોટા નેતાઓના પગ પકડવામાં આવી રહ્યા છે. પોતાને પીએમ જાહેર કરવો એ કેટલો મોટો અહંકાર છે.

જે નામદારને ગઠબંધનના સાથી દળ પર ભરોસો ન હોય, સિનિયર નેતાઓની તવજ્જુ ન હોય, જે નામદારનો અહંકાર સાતમા આસમાને હોય અને પોતાને વડાપ્રધાન તરીકે જાહેર કરે એ વ્યક્તિને જનતા સ્વીકાર કરશે ખરી? એક જમાનામાં પંચાયતથી પાર્લામેન્ટમાં કોંગ્રેસનો ઝંડો હતો પરંતુ એ એમના જ કારનામાથી 400થી 40 પર આવ્યા છે. લોકશાહી પર શ્રધ્ધા ન હોવાથી થયું છે. પરાજય માટે તૈયાર રહો. એ સંસદને પણ ચાલવા દેતા નથી. લોકતંત્રની પણ આબરૂ લીલામ કરી રહ્યા છે. 

આ અહંકારી કોંગ્રેસ, અહંકારી નામદાર, ન કોંગ્રેસ દિલવાલી છે. ન કોંગ્રેસ દલિતોવાલી છે આ કોંગ્રેસ પાર્ટી તો ડિલવાળી છે. દરેક બાબતોમાં ડિલ કરવી એ જ છે. આ ડિલવાળી વાત મોદી નથી કહી રહ્યા આ ડિલવાળી વાત ડંકાની ચોટ પર કર્ણાટકના કોંગી સાંસદ વિરપ્પા મોઇલીજીએ ચિક્કાબલ્લાપુરથી કોંગ્રેસની ડિલનો પર્દાફાશ કર્યો છે. જ્યારે કોંગ્રેસમાં ટિકિટ વહેંચાતી હતી એ સમયે વિરપ્પાજીનું દર્દ જાગી ઉઠ્યું હતું અને કહ્યું હતું. એમણે જાતે લખ્યું છે કે, કર્ણાટકના પીડબ્લયુડીના મંત્રીનું ઠેકેદારો સાથે ગઠબંધન છે અને એને આધારે જ ટિકિટ વહેંચવામાં આવી છે. 

આ વિરપ્પા મોઇલી કોંગ્રેસના નાના નેતા નથી મોટા દિગ્ગજ નેતા છે અને દિલ્હી દરબારના મોટા રાજદારી પણ છે. આ નામદારોના એવા દરબારી છે કે સામાન્ય સ્થિતિમાં ક્યારેય મોં ખોલે એમ નથી. હવે કોંગ્રેસ પાર્ટી એમને કિનારે કરવા ઇચ્છતી હતી અન્યોની જેમ એમની સાથે પણ એવું જ કરવાની હતી. કર્ણાટક જાણે છે કે, મોટા નેતાઓનું શું થયું? મોઇલીને લાગ્યું ત્યારે એમણે રાજ ખોલી દીધા અને કોંગ્રેસ એમને સાચવવા લાગી. ફરી એકવાર નવી ડિલ થઇ અને મોઇલીજીને મહા કાવ્ય લખવાનું કામ સોંપાયું અને મોં બંધ કરી દેવાયું. 

વધુમાં એમણે ખેડૂતોના વિકાસ પર ભાર મુકતાં વેલ્યુએડિશન અને વૈજ્ઞાનિક ખેતી માટે વાત કરી હતી. એમણે સિંચાઇ માટે ડ્રિપ ઇરીગેશન સહિતની કેન્દ્ર સરકારની યોજનાઓની સિધ્ધિઓ ગણાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news