શું સરકારની સાથે ઉદ્ધવ ઠાકરે પાસેથી શિવસેના પણ છીનવી લેશે એકનાથ શિંદે? આ છે નિયમ
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઉભુ થયું છે. શિવસેના સામે બળવો કરનાર એકનાથ શિંદે સાથે 40 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો આ બધા ધારાસભ્યો શિવસેનાના છે તો ઉદ્ધવ ઠાકરે સરકાર પર જ સંકટ નહીં પરંતુ પાર્ટી બચાવી રાખવાનો પણ પડકાર ઉભો થયો છે.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના બળવાથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકાર પર જ નહીં પરંતુ શિવસેના માટે પણ મોટુ સંકટ ઉભુ થઈ ગયું છે. શિવસેના સામે બળવો કરનાર 40થી વધુ ધારાસભ્યો એકનાથ શિંદે સાથે ગુવાહાટીમાં છે. તેવામાં શિવસેનામાં બે ભાગ પડી શકે છે તો પક્ષ પલટા વિરોધી કાયદાનો પણ ખતરો રહેશે નહીં. આ રીતે ઉદ્ધવના હાથમાંથી મગારાષ્ટ્રની સત્તાની સાથે-સાથે શિવસેનાની કમાન પણ એકનાથ શિંદે છીનવી શકે છે?
શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેની આગેવાનીમાં ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ જે રીતે બળવો થયો છે તેના કારણે માત્ર સરકાર નહીં પરંતુ પાર્ટી પર પણ ખતરો ઉભો થયો છે. શિવસેનાના આશરે 40 ધારાસભ્યો પહેલા ગુજરાત ગયા અને હવે અસમના ગુવાહાટીમાં છે. આ ધારાસભ્યો જે ઉદ્ધવ સરકારથી નારાજ છે.
તેવામાં બાગી નેતા મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને પાડવા માટે ભાજપનું સમર્થન કરી શકે છે. ભાજપે ઉદ્ધવ સરકારના અલ્પમતમાં આવવાનો દાવો કર્યો છે, પરંતુ સરકાર રચનાને લઈને તે હાલ વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે.
આ પણ વાંચોઃ Maharashtra: નિતિન દેશમુખનું ચોંકાવનારું નિવેદન- 'સુરતમાં મારી તબિયત બગડી જ નહતી, મને નજરકેદ કર્યો હતો'
ઉદ્ધવથી વધુ ધારાસભ્યો શિંધે સાથે
2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાના 56 ધારાસભ્યો જીતીને આવ્યા હતા, તેમાંથી એક ધારાસભ્યનું નિધન થઈ ચુક્યુ છે. તેના કારણે 55 ધારાસભ્યો શિવસેનાની સાથે છે. એકનાથ શિંદેનો દાવો છે કે તેમની સાથે 40 ધારાસભ્યો છે. તેવામાં તમામ 40 ધારાસભ્યો જો શિવસેનાના છે તો ઠાકરે સામે મોટુ સંકટ છે. આ રીતે એકનાથ શિંદે કોઈ પગલું ભરે તો પક્ષ પલટા વિરોધી કાયદા પ્રમાણે કાર્યવાહી પણ થશે નહીં.
હકીકતમાં પક્ષ પલટા વિરોધી કાયદો કહે છે કે જો કોઈ પાર્ટીના કુલ ધારાસભ્યોમાંથી બે-તૃતિયાંશથી ઓછા ધારાસભ્યો બળવો કરે છે તો તેને અયોગ્ય ઠેરવી દેવામાં આવે છે. તે પ્રમાણે શિવસેનાની પાસે 55 ધારાસભ્યો છે. તેવામાં પક્ષ પલટા વિરોધી કાયદાથી બચવા માટે બળવો કરનાર ગ્રુપને 37 ધારાસભ્યો (55માંથી બે-તૃતિયાંશ) ની જરૂરીયાત હશે અને શિંધે પોતાની સાથે 40 ધારાસભ્યો હોવાનો દાવો કરી રહ્યાં છે. તેવામાં ઉદ્ધવની પાસે માત્ર 15 ધારાસભ્યો રહેશે. આ રીતે ઉદ્ધવથી વધુ ધારાસભ્યો શિંધેની સાથે જોવા મળી રહ્યાં છે.
શું છે પક્ષ પલટા વિરોધી કાયદો
1967ની સામાન્ય ચૂંટણી બાદ ધારાસભ્યોના એકમાંથી બીજી પાર્ટીમાં જવાને કારણે ઘણા રાજ્યોની સરકાર પડી ભાંગી. તેવામાં 1985માં રાજીવ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર પક્ષ પલટા વિરોધી કાયદો લઈને આવી હતી. સંસદે 1985માં બંધારણની 10મી અનુસૂચીમાં તેને જગ્યા આપી હતી. પક્ષ પલટો વિરોધી કાયદા દ્વારા ધારાસભ્યો અને સાંસદોના પાર્ટી બદલવા પર લગામ લગાવવામાં આવી. તેમાં તે પણ જણાવવામાં આવ્યું કે પક્ષ પલટાને કારણે તેનું સભ્ય પદ પણ જઈ શકે છે.
પરંતુ સાંસદો/ધારાસભ્યોના સમૂહને પક્ષ પલટા વિરોધી કાયદાની હેઠળ આવ્યા વગર બીજા પક્ષમાં સામેલ થવાની (વિલય) ની મંજૂરી છે. તે માટે કોઈ પાર્ટીના બે તૃતિયાંશ ધારાસભ્યો કે સાંસદો બીજી પાર્ટીમાં જાય તો તેનું સભ્ય પદ જશે નહીં. મહારાષ્ટ્રમાં આવી સ્થિતિ બનતી જોવા મળી રહી છે. શિવસેનાના ઘણા ધારાસભ્યો શિંદેની સાથે છે, જેથી ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી વધી શકે છે. ઠાકરેના હાથમાંથી સરકારની સાથે પાર્ટીની કમાન પણ જઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે