રાજ બબ્બરે નક્સલવાદને ગણાવી ક્રાંતિ, અમિત શાહે રાહુલ પાસે માંગી સ્પષ્ટતા

ભાજપ અધ્યક્ષ અમિત શાહે રવિવારે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નક્સલવાદના મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરે

રાજ બબ્બરે નક્સલવાદને ગણાવી ક્રાંતિ, અમિત શાહે રાહુલ પાસે માંગી સ્પષ્ટતા

રાયપુર : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના અધ્યક્ષ અમિત શાહે રવિવારે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નક્સલવાદના મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરે. શાહે નક્સલ પ્રભાવિત રાજનાંદગાંવ જિલ્લાનાં ખુજ્જી વિધાનસભા વિસ્તારના અંતર્ગત અંબાગઢ ચોકીમાં એક સભાને સંબોધિત કરતા કહ્યું કે, કોંગ્રેસનાં એક નેતા કાલે આવ્યા હતા અને તેમણે નિવેદન આપ્યું કે નક્સલવાદ એક ક્રાંતિ છે. નક્સલવાદી દેશમાં ક્રાંતિ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ નક્સલવાદના મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરે. તમારી પાર્ટીના નેતા નક્સલવાદને ક્રાંતિ કહે છે, તમે શું માનો છો. 

ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બરે શનિવારે રાયપુરમાં એક પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે, ગોળીઓ અને બંદુકો નક્સલવાદનો ઉકેલ લાવી શકે તેમ નથી. ધમકાવીને, ડરાવીને આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. એવા લોકોને રોકી શકાય નહી તેમણે ક્રાંતિની શરૂઆત કરી દીધી છે. 

જો કે બબ્બરે આ મુદ્દે પોતાની સ્પષ્ટતા આપી છે. શાહે કહ્યું કે, ક્રાંતિ નક્સલવાદથી નથી થતી, કોઇનું લોહી વહાવીને નથી થતી. બોમ્બ બંદુક અને ગોળીઓથી નથી થતું. જ્યારે ગરીબ માતાઓને ગાય અને ભેંસ આપીને શ્વેત ક્રાંતિ કરે છે ત્યારે જઇને ક્રાંતિ થાય છે. ગરીબોના પેટમાં ભુખની આગ લાગે છે અને બે રૂપિયા કિલોમાં ત્યાં ચોખા પહોંચે છે ત્યારે જઇને ક્રાંતિ થાય છે. 

ગરીબોનાં ઘરે બીમારી હોય છે અને આયુષ્માન ભારત યોજનાથી ગરીબોને પાંચ લાખ રૂપિયા સુધી સારવારનો ખર્ચ મળે છે ત્યારે ક્રાંતિ થાય છે. જ્યારે ખેડૂત પરસેવો વહાવે છે તેને પાકની ડોઢ ગણી કિંમત મળે છે ત્યારે ક્રાંતિ થાય છે. તેમણે કહ્યું કે, તેઓ છત્તીસગઢની જનતાને કહેવા આવે છે કે કોંગ્રેસને નક્સલવાદની અંદર ક્રાંતિ દેખાય છે અને ભાજપના વિકાસની અંદર ક્રાંતિ દેખાય છે. 

હું છત્તીસગઢની જનતાને પુછુ છું કે તમને નક્સલવાદને ક્રાંતિ માનનારી કોંગ્રેસ પાર્ટી લાવવી છે અથવા વિકાસને ક્રાંતિ માનનારી ભાજપ લાવવી છે. હું પુછવા માંગુ છું કે તમને નક્સલવાદ ફેલાવનારી કોંગ્રેસ પાર્ટી ઇચ્છો છો કે વિકાસ કરનારી ભાજપની સરકાર જોઇએ છે. ભાજપ અધ્યક્ષે કહ્યું કે, 2018ની ચૂંટણી છત્તીસગઢને નવુ છત્તીસગઢ બનાવવાનો છે તથા સમૃદ્ધ છત્તીસગઢ બનાવવાનું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news