IND vs WI : વિન્ડિઝ 109/8, ભારતનો 5 વિકેટે વિજય

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ ટી20 મેચની શ્રેણીની આજથી શરૂઆત થઈ રહી છે, અગાઉ ભારત ટેસ્ટ અને વન ડે શ્રેણી જીતી ચૂક્યું છે 

IND vs WI : વિન્ડિઝ 109/8, ભારતનો 5 વિકેટે વિજય

કોલકાતાઃ કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ટી20 મેચમાં ભારતનો 5 વિકેટે વિજય થયો હતો. ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતાં 8 વિકેટે 109 રન બનાવ્યા હતા. ભારતે વિજય માટે જરૂરી 110 રન 17.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને બનાવી લીધા હતા.

ભારત તરફથી દિનેશ કાર્તિકે શ્રેષ્ઠ બેટિંગ કરી હતી. તેણે 34 બોલમાં 31 રન બનાવ્યા હતા. છઠ્ઠા ક્રમે આવેલા કૃણાલ પંડ્યાએ સુંદર રમત દેખાડતાં માત્ર 9 બોલમાં 21 રન ફટકારીને ભારતને વિજય તરફ દોરી ગયો હતો. વિન્ડિઝ તરફથી થોમસ અને બ્રાથવેઈટે 2-2 વિકેટ લીધી હતી, જ્યારે પિયરેને 1 વિકેટ મળી હતી. 

રોહિત શર્માનો રેકોર્ડ
રોહિત શર્માએ આ વિજય સાથે અનોખો રેકોર્ડ બનાવ્યો છે. રોહિત કેપ્ટન તરીકે 9 ટી20 મેચ જીતનારો પ્રથમ ખેલાડી બન્યો છે. ત્યાર બાદ શોએબ મલિક, એમ. ક્લાર્ક, અસગર અફઘાન અને સરફરાઝ અહેમદે કેપ્ટન તરીકે સળંગ 8 ટી20 મેચ જીતી છે. 

પાંચમી વિકેટની ભાગીદારીમાં દિનેશ કાર્તિક અને મનીષ પાંડેની જોડીએ બાજી સંભાળી લીધી હતી. મનીષ પાંડે 24 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. દિનેશ કાર્તિક 30 રને બેટિંગમાં છે. 

Team India win first T20

બ્રાથવેઈટ ફરી ત્રાટક્યો હતો અને તેણે ભારતની ચોથી વિકેટ ખેરવી નાખી હતી. લોકેશ રાહુલ 16 રન બનાવીને બ્રાવોના હાથે કેચ આઉટ થયો. ભારતના 8 ઓવરમાં 4 વિકેટે 45 રન. 

ભારતની ત્રીજી વિકેટ પડી. 6 ઓવરમાં ભારતે 3 વિકેટ ગુમાવીને 35 રન બનાવી લીધા છે. ઋષભ પંત માત્ર 1 રન બનાવીને બ્રાથવેઈટના બોલે બ્રાવોના હાથે કેચ આઉટ થયો. લોકેશ રાહુલ(13 રન)ને સાથ આપવા માટે મનીષ પાંડે આવ્યો છે. 

શિખર ધવનના સ્વરૂપમાં ભારતની બીજી વિકેટ પડી ગઈ છે. ભારતની બીજી વિકેટ પણ થોમસે લીધી છે, જેણે શિખર ધવનને 3 રનના અંગત સ્કોરે બોલ્ડ કર્યો છે. લોકેશ રાહુલ(6 રન) અને ઋષભ પંત બેટિંગ કરી રહ્યા છે. 

ભારત તરફથી રોહિત શર્મા અને શિખર ધવને શરૂઆત કરી હતી. જોકે કેપ્ટન રોહિત શર્મા 6 બોલમાં 6 રન બનાવીને થોમસના બોલે રામદીનના હાથે કેચઆઉટ થયો હતો. ભારતે બે ઓવરમાં 1 વિકેટના ભોગે 11 રન બનાવી લીધા છે. 

ભારત તરફથી કુલદીપ યાદવ સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે 4 ઓવરમાં 13 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવ, ખલીલ અહેમદ, જસપ્રીત બુમરાહ અને કૃણાલ પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી. ખલીલ અહેમદે તેની 4 ઓવરના સ્પેલમાં 1 મેડન ઓવર નાખી હતી. 

ટી20 વિશ્વવિજેતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતના બોલરો સામે જાણે કે ઘુંટણિયે પડી ગઈ હોય એવી રમત આજે દાખવી હતી. વિન્ડિઝના 5 ખેલાડી બે આંકડાનો સ્કોર પણ બનાવી શક્યા ન હતા. 8 મા ક્રમે આવેલા ફાબિયન એલેને સૌથી વધુ 20 બોલમાં 27 રન બનાવ્યા હતા. બાકીને બેટ્સમેન પણ 20 નો આંકડો પણ પાર કરી શક્યા ન હતા. જેના કારણે વિન્ડિઝની ટીમ ભારતને મોટો ટાર્ગેટ આપી શકી ન હતી. 

વેસ્ટ ઈન્ડિઝની 18 ઓવરમાં 8 વિકેટ પડી ગઈ છે. ટીમ અત્યાર સુધી માત્ર 87 રન જ બનાવી શકે છે. ટીમ ઈન્ડિયાનું પલડું ભારે છે. ભારતીય બોલરો સામે વિન્ડિઝના બેટ્સમેન ઘુંટણિયા પડતા દેખાઈ રહ્યા છે.

વિન્ડિઝની  5 વિકેટ પડી. ચોથા સ્થાને આવેલો કિરોન પોલાર્ડ કૃણાલ પંડ્યાના બોલ પર મનીષ પાંડેના હાથે કેચ આઉટ થયો. પાંચમા સ્થાને આવેલો ડેરેન બ્રાવો પણ વધુ કમાલ દેખાડી શક્યો નહીં અને માત્ર 5 રન બનાવીને કુલદીપનો શિકાર બન્યો. 

વેસ્ટ ઈન્ડિઝની ત્રીજી વિકેટ પડી. સ્કોર 5 ઓવરમાં 3 વિકેટે 31 રન. આ અગાઉ ખલિલ અહેમદે એક મેઈડન ઓવર નાખી હતી. ટી20માં મેઈડન ઓવરની ઘટના જ્વલ્લે જ જોવા મળતી હોય છે.

શાઈ હોપના સ્થાને રમવા આવેલો શિમરોન પણ વધુ રન બનાવી શક્યો ન હતો. 7 બોલમાં તેણે 10 રન બનાવ્યા હતા. બુમરાહે તેને વિકેટકીપર દિનેશ કાર્તિકના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.

શાઈ હોપ 14 રન બનાવીને રન આઉટ થઈ જતાં વેસ્ટ ઈન્ડિઝની બીજી વકેટ પડી. સ્કોર 3.1 ઓવરમાં 2 વિકેટે 22 રન. 

વેસ્ટ ઈન્ડિઝ તરફથી શાય હોપ અને દિનેશ રામદીન ઓપનિંગમાં આવ્યા હતા. ભારતના ઉમેશ યાદવે ત્રીજી ઓવરના પ્રથમ બોલે જ દિનેશ રામદીનને કાર્તિકના હાથે કેચઆઉટ કરાવીને વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ વિકેટ પાડી દીધી છે. વેસ્ટ ઈન્ડિઝે 16 રનના સ્કોરે પ્રથમ વિકેટ ગુમાવી દીધી છે. 

આ અગાઉ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. ટીમ ઈન્ડિયામાં ભુવનેશ્વર કુમારનો સમાવેશ કરાયો નથી. તેની ગેરહાજરીમાં ઉમેશ યાદવ બોલિંગની શરૂઆત કરશે. આ ઉપરાંત યુજવેન્દ્ર ચહલને પણ અંતિમ ઈલેવમાં લેવાયો નથી. કૃણાલ પંડ્યાને ટીમમાં સ્થાન મળ્યું છે. 

ટેસ્ટ અને વનડે શ્રેણી જીત્યા બાદ ટી20 શ્રેણી જીતવું ભારત માટે સરળ નહીં રહે, કેમ કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટી20માં વર્તમાનમાં સૌથી ખતરનાક ટીમ છે. તે વર્તમાન ટી20 ચેમ્પિયન પણ છે. 

વિરાટ અને ધોની વગરની ટીમ
આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસને ધ્યાનમાં રાખીને વિરાટ કોહલીને ટી20 શ્રેણીમાં આરામ અપાયો છે. પસંદગીકર્તાઓએ આ વખતે મહેન્દ્ર સિંહ ધોનીને પણ ટીમમાં લીધો નથી. એટલે અત્યારે ટીમનું કેપ્ટનપદ રોહિત શર્માને સોંપવામાં આવ્યું છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતે તાજેતરમાં જ એશિયા કપ જીત્યો હતો. 

વેસ્ટ ઈન્ડિઝમાં પોલાર્ડ અને રસેલની વાપસી
વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં તેના અનુભવી ખેલાડીઓ આન્દ્રે રસેલ, કેરન પોલાર્ડ અને ડેરેન બ્રાવોનું પુનરાગમન થયું છે. આ ત્રણેય ખેલાડીઓ ટી20માં તોફાની ખેલાડી છે. જેના કારણે ટીમનું પાસું મજબૂત થઈ ગયું છે. 

ભારતીય ટીમઃ 
રોહિત શર્મા(કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, ઋષભ પંત (વિકેટકીપર), કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, જસપ્રીત બુમરાહ અને ખલીલ અહેમદ.

વેસ્ટ ઈન્ડિઝ ટીમઃ 
કાર્લોસ બ્રાથવેટ(કેપ્ટન), ફાબિાયન એલાન, ડેરેન બ્રાવો, શિમરોન હેટમાયેર, ઈવિન લુઈસ, ઓબેડ મેક્કોય, એશલે નર્સ, કીમો પોલ, ખેરી પિયરે, કેરન પોલાર્ડ, રોવમેન પાવેલ, દિનેશ રામદીન(વિકેટકીપર), આન્દ્રે રસેલ, શેરફેન રુધરફોર્ડ, ઓશાને થોમસ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news