ઉત્તર ભારતમાં વરસાદનો કહેર, ઓછામાં ઓછા 12 લોકોના મોત, દિલ્હીમાં તૂટ્યો 41 વર્ષનો રેકોર્ડ

Delhi Weather Update: દિલ્હી, એનસીઆર, ઉત્તર પ્રદેશ, પંજાબના ઘણા વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ બની ગઈ છે. અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે તો નદી-તળાવોની જળ સપાટી ઉપર આવી છે. દિલ્હી સરકારે અધિકારીઓની રજા રદ્દ કરી દીધી છે. 
 

ઉત્તર ભારતમાં વરસાદનો કહેર, ઓછામાં ઓછા 12 લોકોના મોત, દિલ્હીમાં તૂટ્યો 41 વર્ષનો રેકોર્ડ

નવી દિલ્હી. છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

IMDએ જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચોમાસાના પવનોને કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં મુશળધાર વરસાદ અને દિલ્હીમાં સિઝનનો પ્રથમ ભારે વરસાદ થયો છે. આ ભારે વરસાદને કારણે અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તે જ સમયે, રાજધાની દિલ્હી સહિત NCRમાં શનિવાર રાતથી સતત વરસાદ ચાલુ છે. દિલ્હીમાં શનિવારે સવારે 8:30 વાગ્યાથી રવિવારે સવારે 8:30 વાગ્યાની વચ્ચે 153 મિમી વરસાદ નોંધાયો હતો.

દિલ્હીમાં તૂટ્યો 41 વર્ષનો રેકોર્ડ
IMDના એક અધિકારીએ જણાવ્યું કે સફદરજંગ વેધશાળામાં રવિવારે સવારે 8.30 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 153 મિમી વરસાદ નોંધાયો હતો, જે 25 જુલાઈ, 1982ના રોજ એક દિવસમાં નોંધાયેલા 169.9 મિમી વરસાદ પછીનો સૌથી વધુ વરસાદ છે. અધિકારીના જણાવ્યા અનુસાર, શહેરમાં 10 જુલાઈ, 2003ના રોજ 133.4 મિમી, 28 જુલાઈ, 2009ના રોજ 126 મિમી અને 8 જુલાઈ, 1993ના રોજ 125.7 મિમી વરસાદ નોંધાયો હતો. 21 જુલાઈ, 1958ના રોજ સૌથી વધુ 266.2 મીમી વરસાદ પડ્યો હતો.

સરકારી અધિકારીઓની રજા રદ્દ
દિલ્હીમાં વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આઈએમડીએ આગામી બે દિવસ માટે રાષ્ટ્રીય રાજધાનીમાં ભારે વરસાદની ભવિષ્યવાણી કરી છે. રવિવારે સવારે દિલ્હી શહેર અને તેની આસપાસના ભાગમાં મધ્યમ વરસાદ પડ્યો હતો. આ વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તમામ સરકારી અધિકારીઓની રજા રદ્દ કરી દીધી છે. અધિકારીઓને ફીલ્ડ પર રહેવાનો નિર્દેશ આપ્યો છે. 

આગામી 2-3 દિવસ ભારે વરસાદની શક્યતા
ભારતીય હવામાન વિભાગે 9 જુલાઈએ એક ટ્વીટમાં કહ્યું- દિલ્હીના અલગ-અલગ વિસ્તારો અને આસપાસના એરિયામાં હળવાથી મધ્યમ તીવ્રતા સાથે વરસાદ પડશે. આઈએમડીએ દિલ્હીમાં 2-3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આઈએમડીએ કહ્યું કે દિલ્હીમાં 9 જુલાઈએ સવારે 8.30 કલાકે સમાપ્ત થયેલા 24 કલાકમાં 153 મિમી વરસાદ થયો છે, જે 1982 બાદ જુલાઈમાં એક દિવસમાં સૌથી વધુ છે. 

દિલ્હીમાં રેડ એલર્ટ, અનેક વિસ્તારો જળમગ્ન
IMDના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરના પ્રાથમિક હવામાન મથક સફદરજંગ વેધશાળામાં 9 જુલાઈના રોજ સવારે 8:30 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં 153 મિમી વરસાદ નોંધાયો હતો, જે 25 જુલાઈ, 1982ના 24 કલાકમાં 169.9 મિમી પછી સૌથી વધુ છે. . શહેરમાં 10 જુલાઈ 2003ના રોજ 133.4 મિમી વરસાદ નોંધાયો હતો અને 21 જુલાઈ 1958ના રોજ સૌથી વધુ 266.2 મિમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે યલો એલર્ટ જારી કરીને મધ્યમ વરસાદની ચેતવણી આપી હતી. હવે સ્થિતિને જોતા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રિજ, લોધી રોડ અને દિલ્હી યુનિવર્સિટીના હવામાન મથકોએ અનુક્રમે 134.5 મીમી, 123.4 મીમી અને 118 મીમી વરસાદ નોંધાયો હતો. મેટ ઓફિસ મુજબ, 15 મીમીથી ઓછા વરસાદને "હળવો", 15 મીમીથી 64.5 મીમી "મધ્યમ", 64.5 મીમીથી 115.5 મીમી "ભારે" અને 115.6 મીમીથી 204.4 મીમી "ખૂબ ભારે" ગણવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news