Sachin Vaze Case: સચિન વઝેના રહસ્યનો થશે પર્દાફાશ? NIA તપાસમાં સામે આવ્યાં આ 5 મહત્વના પુરાવા

એન્ટિલિયા કેસ (Antilia Case) માં મુંબઈ પોલીસ અધિકારી સચિન વઝે (Sachin Vaze) ની ધરપકડ બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. એન્ટિલિયા કેસની તપાસ NIA કરી રહી છે અને એજન્સીની અત્યાર સુધીની તપાસમાં રૂમાલ, સ્કોર્પિયો, ઈનોવા, મર્સિડિઝ  અને રિયાઝુદ્દીન કાઝીના પત્ર જેવા મહત્વના પુરાવા મળ્યા છે.

Sachin Vaze Case: સચિન વઝેના રહસ્યનો થશે પર્દાફાશ? NIA તપાસમાં સામે આવ્યાં આ 5 મહત્વના પુરાવા

મુંબઈ: એન્ટિલિયા કેસ (Antilia Case) માં મુંબઈ પોલીસ અધિકારી સચિન વઝે (Sachin Vaze) ની ધરપકડ બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. એન્ટિલિયા કેસની તપાસ NIA કરી રહી છે અને એજન્સીની અત્યાર સુધીની તપાસમાં રૂમાલ, સ્કોર્પિયો, ઈનોવા, મર્સિડિઝ  અને રિયાઝુદ્દીન કાઝીના પત્ર જેવા મહત્વના પુરાવા મળ્યા છે. ખાસ વાત એ છે કે આ પુરાવામાં રૂમાલ અને મર્સિડિઝની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આ એ પુરાવા છે જેનાથી સચિન વઝેની મુશ્કેલીઓ વધવાની છે. આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર થઈને પણ પોલીસ કમિશનર જેવો રૂઆબ ધરાવનારા સચિન વઝે સંલગ્ન પુરાવાના રહસ્ય અહીં ખોલી રહ્યા છીએ. ત્યારે જાણો સચિન વઝે કેસમાં મર્સિડિઝ અને પીપીઈ કિટની આખી કહાની...

આ કેસની અત્યાર સુધીની 5 મોટી વાતો

પહેલી મોટી વાત- મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહને બુધવારે પદથી હટાવી દેવાયા અને તેમની જગ્યાએ હેમંત નગરાલે મુંબઈના નવા પોલીસ કમિશનર બન્યા. 

બીજી મોટી વાત- મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો કે સચિન વઝે શિવસેનાના એજન્ટ હતા. 

ત્રીજી મોટી વાત- ભાજપનો આરોપ છે કે સચિન વઝેએ જ ગાડી ગુમ થયાનો રિપોર્ટ મનસુખ હિરેન પાસે લખાવ્યો હતો. 

ચોથી મોટી વાત- ભાજપે દાવો કર્યો છે કે મનસુખ હિરેનની હત્યા કરીને તેના મૃતદેહને ખાડીમાં ફેંકવામાં આવ્યો હતો.

પાંચમી મોટી વાત- સ્કોર્પિયોની અસલ નંબર પ્લેટ NIA એ એક કાળા રંગની મર્સિડિઝ જપ્ત કરી છે. 

'ATS-NIA પાસે વઝે-મનસુખની વાતચીતની ટેપ'
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં સચિન વઝે મામલે પ્રેસ કોન્ફરન્સ કરી. સચિન વઝે શું કરતો હતો, તેના શિવસેના સાથે કેવા સંબંધ હતા અને મનસુખ હિરેન કેવી રીતે મરી ગયો. આ અંગે ફડણવીસે ખુબ ચોંકાવનારા દાવા કર્યા. તેમણે કહ્યું કે એટીએસ અને એનઆઈએ પાસે કેટલીક એવી ટેપ છે જેમાં મનસુખનો અવાજ છે અને તેમા સચિન વઝેએ શું કહ્યું છે તેની પણ પુષ્ટિ થાય છે. હવે આ કનેક્ટેડ મામલો થઈ ગયો છે. આથી મનસુખ હિરેનના મોતની તપાસ પણ NIA એ કરવી જોઈએ. દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર પર મોટા આરોપ લગાવ્યા છે. તો શિવસેના NIA તપાસ પર જ સવાલ ઉઠાવી રહી છે. સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં કાયદાનું રાજ છે અને કાયદો પોતાનું કામ કરતો રહે છે. જો ઘરે ઘરે બોમ્બ બની રહ્યા છે તો તમે ચૂપ કેમ છો. જે રીતે મુંબઈમાં જિલેટિનની 20 સ્ટિક્સ મળી તો NIA ઘૂસી ગઈ. 

— Devendra Fadnavis (@Dev_Fadnavis) March 17, 2021

શું સીસીટીવી ફૂટેજમાં દેખાયા સચિન વઝે?
એન્ટિલિયા કેસની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ને મળેલા કેટલાક મહત્વના પુરાવામાંથી એક છે સીસીટીવી ફૂટેજ, 25 ફેબ્રુઆરીના રોજના સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળી રહ્યો છે. અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે આ વ્યક્તિ પીપીઈ કિટ પહેરેલો છે પરંતુ એવું નથી. આ વ્યક્તિએ પીપીઈ કિટ પહેરી નથી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહેલો શંકાસ્પદ વ્યક્તિ કોણ છે? શું તેણે પીપીઈ કિટ પહેરેલી છે? શું તે સચિન વઝે છે? ઝી ન્યૂઝને NIA ના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ તેણે 25 ફેબ્રુઆરીએ મોટી સાઈઝનો કૂર્તો પાઈજામો પહેર્યો હતો. કૂર્તો પાઈજામો સફેદ રંગના હતા. મોઢા પર માસ્ક અને માથા પર મોટો રૂમાલ બાંધેલો છે. એટલે કે આંખો સિવાય આ વ્યક્તિનો આખો ચહેરો ઢંકાયેલો છે. તૈયારી એવી કરી હતી કે કોઈ ઓળખી શકે નહીં. NIA ના સૂત્રોના જણાવ્યાં મુજબ આ વ્યક્તિ સચિન વઝે હોઈ શકે છે. પંરતુ આ ફક્ત સંભાવના છે તેની કોઈ પુષ્ટિ થઈ નથી. આ વ્યક્તિ સચિન વઝે છે કે કોઈ અન્ય? એ વાતની ભાળ NIA હ્યુમન એનાલિસિસ ફોરેન્સિક તપાસ કરીને મેળવવામાં આવશે. 

શું છે મર્સિડિઝની કહાની?
NIA ને મંગળવારે રાતે કાળા રંગની એક મર્સિડિઝ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસના પાર્કિંગમાંથી મળી. તપાસ એજન્સી મુજબ મોટી વાત એ છે કે આ મર્સિડિઝમાંથી સંદિગ્ધ સ્કોર્પિયોની અસલ નંબર પ્લેટ મળી આવી છે. આ સાથે જ કેટલાક કપડા મળી આવ્યા છે. કેટલીક બોટલો પણ મળી છે. NIA ના આઈજી અનિલ શુક્લાએ જણાવ્યું કે એક બ્લેક કલરની મર્સિડિઝ સીઝ  કરાઈ છે. મર્સિડિઝમાં સ્કોર્પિયોની નંબર પ્લેટ હતી, તેને રિકવર કરાઈ છે. મર્સિડિઝમાંથી 5 લાખથી વધુ કેશ, નોટ ગણવાની મશીન અને કેટલાક કપડા રિકવર કરાયા છે. હાલ કારની ફોરેન્સિક તપાસ ચાલુ છે. NIA હવે એ જાણવામાં લાગી છે કે શું આ મર્સિડિઝ કારથી મનસુખ હિરેન તે દિવસે રાતે ઘરે પાછો ફર્યો હતો, જ્યારે તેણે કાર ખરાબ થવાના કારણે રસ્તા પર અધવચ્ચે છોડી હતી?

અત્યાર સુધીમાં 3 કાર મળી છે
ઝી ન્યૂઝને મળેલી જાણકારી મુજબ આ મર્સિડિઝનો માલિક પહેલા સારાંશ ભાવસાર હતો. ધુલેમાં રહેતા સારાંશનો દાવો છે કે તેણે આ મર્સિડિઝ કાર ખરીદનારી અને વેચનારી એક કંપનીને વેચી હતી. અત્રે જણાવવાનું કે એન્ટિલિયા મામલાની તપાસમાં અત્યાર સુધીમાં 3 ગાડીઓ મળી છે. પહેલી સ્કોર્પિયો કાર, જે એન્ટિલિયાની બહારથી મળી હતી. બીજી ઈનોવા જે સ્કોર્પિયોની પાછળ ચાલતી હતી  અને ત્રીજી કાળા રંગની મર્સિડિઝ કાર. 

પરમવીર સિંહને હટાવવા પાછળના આ 5 કારણો હોઈ શકે છે

1. 25 ફેબ્રુઆરીના રોજ એન્ટિલિયા પાસે જિલેટિનની સ્ટિકવાળી સ્કોર્પિયો કાર મળવાના મામલે પણ મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહે તપાસ કોઈ અન્ય અધિકારીને નહીં પરંતુ સચિન વઝેને જ સોંપી. સચિન વઝે લગભગ 10 દિવસ સુધી આ કેસના ઈનવેસ્ટિગેટિવ ઓફિસર રહ્યા. હવે તેમના પર તમામ પુરાવા નષ્ટ કરવાનો આરોપ પણ લાગ્યો છે. 

2. વર્ષ 2020માં ખ્વાજા યુનુસ મામલે સસ્પેન્ડ ચાલી રહેલા સચિન વઝેને એવું કહીને મુંબઈ પોલીસમાં ફરીથી સામેલ કરાયા હતા કે કોરોના કાળમાં અનેક પોલીસકર્મીઓ સંક્રમિત થયા છે અને પોલીસ વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસકર્મીઓ જોઈએ. પરંતુ સચિન વઝેને ક્યારેય કોરોનાની કોઈ ડ્યૂટી અપાઈ નથી. ઉલ્ટું તેમને તો સીધા ક્રાઈમ બ્રાન્ચના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટમાં જોઈન કરાવવામાં આવ્યું.

3. ક્રાઈમ બ્રાન્ચમાં આમ તો જોઈન્ટ CP થી લઈને એડિશનલ CP, DCP, સિનિયર PI, પોલીસ ઈન્સ્પેક્ટર સુધીના તમામ અધિકારી છે પરંતુ આમ છતાં પરમવીર સિંહ છેલ્લા 10 મહિનાના સૌથી મોટા કેસનું ઈન્વેસ્ટિગેશન માટે સચિન વઝેને જ ઈનવેસ્ટિગેટિવ ઓફિસર બનાવતા રહ્યા.

4. પોલીસ બેડામાં એ વાત દબાયેલા અવાજે કહેવાતી હતી કે સચિન વઝે જે પણ કેસની તપાસ કરે છે તે તેના રિપોર્ટિંગ પોતાના સિનિયર્સને નહીં પરંતુ ડાઈરેક્ટર CP પરમવીર સિંહને કરે છે. 

5. પરમવીર સિંહનું આમ તો કોઈ કેસમાં હજુ સુધી નામ આવ્યું નથી પરંતુ તેમના નાક નીચે તેમનો વ્હાલો પોલીસ અધિકારી આટલો મોટો ખેલ ખેલતો રહ્યો અને પરમવીર  સિંહને જાણ સુદ્ધા ન થઈ. એટલે સુધી કે જે મર્સિડિઝ કારને 5 લાખ રૂપિયા, નોટ કાઉન્ટિંગ મશીન અને કપડા સાથે NIA એ પકડી તે પણ તે જ CP ઓફિસથી મળી આવી જ્યાં ખુદ પરમવીર સિંહની ઓફિસ છે અને તેઓ રોજ ત્યાં આવે છે. પરંતુ આમ છતાં તેઓ આ બધી વાતથી બેખબર હતા. 

રિયાઝુદ્દીન કાઝી છે સચિન વઝે કેસમાં મહત્વનું પાત્ર
સચિન વઝે પર પુરાવા જોતા એક વધુ મહત્વની  કડી છે આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર રિયાઝુદ્દીન કાઝી. કોણ છે આ કાઝી જેની 4 દિવસથી NIA પૂછપરછ કરી રહી છે. રિયાઝુદ્દીન કાઝી મહારાષ્ટ્ર પોલીસમાં આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર અને સચિન વઝે કેસનો મહત્વનો કિરદાર છે. રિયાઝ સચિન વઝેનો નિકટનો અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં સહયોગી પણ છે. રિયાઝ કાઝીએ જ વઝેની સોસાયટીમાં તમામ સીસીટીવી ફૂટેજ પોતાના કબ્જે લીધા હતા અને કહેવાય છે કે ડેટા નષ્ટ પણ કર્યો. નષ્ટ કોણે કર્યો તેની તપાસ જો કે NIA કરી રહી છે. 

NIA ને પ્રાઈવેટ એજન્સીની તલાશ
NIA એ પ્રાઈવેટ એજન્સીને શોધી રહી છે જેણે તે લોકેશનની ભાળવાળો રિપોર્ટ આપ્યો હતો જે મુજબ એક ટેલિગ્રામ મેસેજમાં તિહાડ જેલથી જૈશ ઉલ હિન્દ નામના સંગઠને સ્કોર્પિયો કાર મૂકવાની પહેલા તો જવાબદારી સ્વીકારી પરંતુ પાછળથી ના પાડી દીધી. હવે NIAને લાગે છે કે જે રિપોર્ટ આ અંગે કોઈ પ્રાઈવેટ એજન્સીએ મુંબઈ પોલીસને આપ્યો હતો તે રિપોર્ટ પોતાનામાં જ એક મેન્યુપુલેટેડ રિપોર્ટ હતો. આ સમગ્ર તપાસની દિશા ભટકાવવા માટે પ્રયત્ન થયો હતો જેમાં વઝે અને અન્યની ભૂમિકા છે. 

મનસુખ હિરેનના મોતમાં નવો ખુલાસો
આ બધા વચ્ચે મનસુખ હિરેનના મોત મામલે મહત્વની જાણકારી મળી છે. મનસુખ હિરેનનો કેમિકલ એનાલિસિસ રિપોર્ટ સામે આવ્યો છે. જે મુજબ મનસુખ હિરેન જ્યારે ખાડીમાં પડ્યા ત્યારે તેઓ જીવિત હતા, અને તેમના ફેફસામાં ખાડીનું પાણી મળ્યું છે. જાણકારો મુજબ તળાવ, ઝીલ કે નહેરોના પાણીમાં એક ડાયટમ નામનો પદાર્થ મળે છે. જો પાણીમાં ડૂબીને કોઈનું મોત  થાય છે તો તે વ્યક્તિ શ્વાસ લઈ શકતો નથી. આ કારણે ગળું અને અન્ય રસ્તે પાણી શરીરની અંદર પ્રવેશે છે. થોડીવાર બાદ બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ જાય છે અને વ્યક્તિનું મોત થાય ચે. આ પ્રતિક્રિયામાં મૃતકના શરીરમાં ડાયટમ મળી આવે છે. જો કોઈની હત્યા કરીને મૃતદેહ પાણીમાં ફેંકવામાં આવે તો તેની અંદરથી ડાયટમ મળતો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news