Sameer Wankhede ના પત્નીએ CM ઉદ્ધવ ઠાકરેને લખ્યો ખુલ્લો પત્ર, બાળાસાહેબનું નામ દઈ કહી આ વાત

સમીર વાનખેડે પર ઉઠી રહેલા સવાલો વચ્ચે તેમના પત્ની ક્રાંતિ રેડકર તેમના સપોર્ટમાં આગળ આવી છે. ક્રાંતિએ એક ટ્વીટ કરીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નામે ખુલ્લો પત્ર લખ્યો છે. 

Updated By: Oct 28, 2021, 01:54 PM IST
Sameer Wankhede ના પત્નીએ CM ઉદ્ધવ ઠાકરેને લખ્યો ખુલ્લો પત્ર, બાળાસાહેબનું નામ દઈ કહી આ વાત
ફાઈલ ફોટો

નવી દિલ્હી: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરનારા એનસીબી અધિકારી ખુબ ચર્ચામાં છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે હવે વિવાદમાં ફસાતા જોવા મળી રહ્યા છે. એનસીપી નેતા નવાબ મલિકે સમીર વાનખેડે પર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. સમીરના નેતૃત્વમાં જ ડ્રગ કેસોમાં સતત કાર્યવાહી થઈ છે. સમીર પર ઉઠી રહેલા સવાલો વચ્ચે તેમના પત્ની ક્રાંતિ રેડકર તેમના સપોર્ટમાં આગળ આવી છે. ક્રાંતિએ એક ટ્વીટ કરીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નામે ખુલ્લો પત્ર લખ્યો છે. 

ક્રાંતિનો ઓપન લેટર
સમીર વાનખેડેના પત્ની ક્રાંતિ રેડકરે પોતાના આ ઓપન લેટરમાં લખ્યું છે કે, 'માનનીય ઉદ્ધવ ઠાકરે સાહેબ, હું એક મરાઠી યુવતી છું જે બાળપણથી જ શિવસેનાને મરાઠી લોકોના ન્યાયસંગત અધિકારો માટે લડતા જોઈને મોટી થઈ છું. હું છત્રપતિ શિવાજી મહારાજ અને હિન્દુ હ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેના ઉદાહરણ સમજીને મોટી થઈ છું. તેમણે આપણને શિખવાડ્યું છે કે આપણે કોઈની પણ સાથે અન્યાય ન કરીએ અને અન્યાયને બિલકુલ સહન ન કરીએ. આ સબક લેતા આજે હું એવા ઉપદ્રવીઓની સામે ઊભી છું, જે મારા અંગત જીવન પર હુમલો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો બસ મજા લઈ રહ્યા છે. હું એક કલાકાર છું. હું રાજકારણ સમજતી નથી અને હું તેમાં પડવા પણ માંગતી નથી. દરરોજ સવારે જ્યારે કોઈની પાસે કરવા માટે કશું હોતું નથી ત્યારે તેઓ અમારી પ્રતિષ્ઠા ધૂળમાં મેળવે છે. શિવસેનાના રાજ્યમાં એક મહિલાની ગરિમા સાથે રમત થઈ રહી છે. તાકાત છે! જો આજે બાળાસાહેબ હોત તો તેમને સારું ન લાગત. આજે તેઓ નથી, પરંતુ તમે છો. અમે તમારામાં તેમની છાયા, તેમની છબી જોઈએ છીએ. તમે અમારું નેતૃત્વ કરી રહ્યા છો અને મને તમારા પર પૂરેપૂરો ભરોસો છે. મને વિશ્વાસ છે કે તમે મારા અને મારા પરિવાર સાથે ક્યારેય અન્યાય થવા દેશો નહીં. આથી એક મરાઠી મહિલા તરીકે હું આજે તમારી પાસે ન્યાયની આશા કરું છું. હું તમને ન્યાય કરવાની અપીલ કરુ છું.'

પતિના સમર્થનમાં પહેલા પણ ક્રાંતિએ કરી હતી ટ્વીટ
અત્રે જણાવવાનું કે અગાઉ પણ સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પતિનું સમર્થન કર્યું હતું. તેણે પોતાની અને સમીર સાથે લગ્નની તસવીર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તે બંને હિન્દુ છે. સાથે સાથે ક્રાંતિએ પતિ પર લાગી રહેલા તમામ આરોપોને પણ ખોટા ગણાવ્યા હતા. આ અગાઉ પણ તેણે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે ભગવાન બધુ સાચુ જાણે છે અને તેમને ભરોસો છે કે ઉપરવાળો બધુ ઠીક કરશે. 

કોણ છે ક્રાંતિ રેડકર
અત્રે જણાવવાનું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર અભિનેત્રી છે. ક્રાંતિ રેડકરની પહેલી ફિલ્મ એક મરાઠી ફિલ્મ હતી. તેણે 'સૂન અસાવી અશી' માં કામ કર્યું. તેમાં તેની સાથે અંકૂશ ચૌધરી જોવા મળ્યો હતો. આ ફિલ્મ વર્ષ 2000માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ તેણે બોલીવુડમાં અજય દેવગણની ફિલ્મ ગંગાજલથી ડેબ્યૂ કર્યું હતું. ક્રાંતિ ફિલ્મમાં એ યુવતી હતી જેનું અપહરણ થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube