Punjab: સુખજિંદર સિંહ રંધાવા બની શકે છે પંજાબના નવા CM, સોનિયા ગાંધી લેશે અંતિમ નિર્ણય

આજે પંજાબને નવા મુખ્યમંત્રી મળી શકે છે. પંજાબ કોંગ્રેસ કમિટીએ નવા મુખ્યમંત્રી માટે સુખજિંદર સિંહ રંધાવાનું નામ પાર્ટી હાઈકમાન્ડને મોકલી આપ્યું છે. 

Updated By: Sep 19, 2021, 03:41 PM IST
Punjab: સુખજિંદર સિંહ રંધાવા બની શકે છે પંજાબના નવા CM, સોનિયા ગાંધી લેશે અંતિમ નિર્ણય

ચંડીગઢઃ કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ પંજાબમાં મુખ્યમંત્રી પદ માટે હજુ નામ નક્કી થઈ શક્યું નથી. આ વચ્ચે સમાચાર આવી રહ્યાં છે કે પંજાબ કોંગ્રેસે સુખજિંદર રંધાવાનું નામ મુખ્યમંત્રી માટે કોંગ્રેસ હાઈકમાન્ડને મોકલ્યું છે. પાર્ટીના આ પ્રસ્તાવ પર સોનિયા ગાંધીએ અંતિમ નિર્ણય લેવાનો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા અંબિકા સોનીને સીએમ પદ ઓફર કરવામાં આવ્યું હતું, પરંતુ તેમણે મુખ્યમંત્રી બનવાનો ઇન્કાર કરી દીધો હતો. 

સુખજિંદર સિવાય બે નાયબ મુખ્યમંત્રી બનાવવાને લઈને પણ ચર્ચા થઈ રહી છે. અરૂણા ચૌધરીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. આ સિવાય અન્ય એક નેતા ભારત ભૂષણ આશુને ડેપ્યુટી સીએમ બનાવવાની ચર્ચા છે. 

સૂત્રો પાસેથી મળી રહેલી જાણકારી પ્રમાણે પંજાબના ધારાસભ્યો સાથે ચર્ચા બાદ AICC એ સીએમ પદ માટે સુખજિંદર રંધાવાના નામનો પ્રસ્તાવ રાખ્યો છે. દિલ્હીમાં અંબિકા સોનીની સાથે રાહુલ ગાંધીના આવાસ પર બેઠક ચાલી રહી છે. જલદી નામની અંતિમ જાહેરાત કરવામાં આવશે. 

પંજાબ કોંગ્રેસ દ્વારા નામ મોકલ્યા બાદ રંધાવાના ઘર પર ધારાસભ્યો અને કોંગ્રેસ નેતાઓનો જમાવડો થઈ રહ્યો છે. નવજોત સિંહ સિદ્ધૂ સહિતના નેતા તેમના ઘરે પહોંચ્યા છે. રંધાવાના નામને લઈને માત્ર જાહેરાત બાકી છે. 

પંજાબમાં અમરિંદર સિંહ સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા સુખજિંદર સિંહ રંધાવાએ રવિવારે કહ્યુ કે, તેમને ક્યારેય કોઈ પદની લાલચ રહી નથી. તેમણે આ ટિપ્પણી તેવા સમયે કરી છે જ્યારે તેમનું નામ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતાના સંભવિત દાવેદારોમાં લેવામાં આવી રહ્યુ છે. તે પૂછવા પર કે આગામી મુખ્યમંત્રી માટે તેમના નામને લઈને ચર્ચા ચાલી રહી, રંધાવાએ કહ્યુ કે, તેમને અને તેમના પરિવારને કોઈ પદની લાલચ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube