UPA સરકારમાં ફોન કોલ પર લોન અપાઈ, હું એક-એક પાઈ વસૂલ કરીશ: PMનો કોંગ્રેસ પર પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઈન્ડિયા પોસ્ટ એન્ડ પેમેન્ટ્સ બેંકના લોન્ચ અવસરે બેંકોમાં એનપીએના મુદ્દે પૂર્વની યુપીએ સરકાર પર આકરા પ્રહારો કર્યાં.

UPA સરકારમાં ફોન કોલ પર લોન અપાઈ, હું એક-એક પાઈ વસૂલ કરીશ: PMનો કોંગ્રેસ પર પ્રહાર

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઈન્ડિયા પોસ્ટ એન્ડ પેમેન્ટ્સ બેંકના લોન્ચ અવસરે બેંકોમાં એનપીએના મુદ્દે પૂર્વની યુપીએ સરકાર પર આકરા પ્રહારો કર્યાં. તેમણે દાવો કર્યો કે ગત સરકારમાં ફોન કોલ પર લોન અપાતી હતી. તેમણે એમ પણ કહ્યું કે આવા ડિફોલ્ટર્સ પાસેથી તેઓ એક એક પાઈ વસૂલ કરશે. 

મોદીએ શનિવારે ભારતીય પોસ્ટ ઓફિસની પેમેન્ટ્સ બેંકનું ઉદ્ધાટન કર્યું. તેનો હેતુ લગભગ 3 લાખ પોસ્ટમેન અને ગ્રામીણ પોસ્ટ સેવક અને પોસ્ટ ઓફિસની શાખાઓના વ્યાપક તંત્રનો ઉપયોગ કરીને સામાન્ય માણસના ઘર સુધી બેંકિંગ સેવા પહોંચાડવાનો છે. તેમણે સ્થાનિક સમૂહોની સાથે પોસ્ટમેનના ભાવનાત્મક જોડાણનો ઉલ્લેખ કરીને કહ્યું કે જનતાનો સરકાર પરથી વિશ્વાસ ડગમગી શકે છે પરંતુ પોસ્ટમેન પરથી નહીં. 

પીએમ મોદીએ કહ્યું કે દાયકાઓ પહેલા જ્યારે પોસ્ટમેન એક ગામથી બીજા ગામે જતા હતાં ત્યારે ડાકૂ લુટેરાઓ ક્યારેય પોસ્ટમેન પર હુમલો કરતા નહતાં. તેઓ જાણતા હતાં કે તેઓ કદાચ જે પૈસા લઈને આવી રહ્યાં છે તે કોઈ પુત્રએ ગામડામાં રહેતી પોતાની માતા માટે મોકલ્યા છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંધાધૂંધ રીતે લોનની ફાળવણી કરીને અર્થવ્યવસ્થાના રસ્તામાં બારુદી સુરંગ બિછાવવા બદલ કોંગ્રેસ પર નિશાન સાંધ્યું. તેમણે કહ્યું કે પૂર્વની યુપીએ સરકારમાં નામદારોના ફોન કોલ બાદ પસંદગીના ઉદ્યોગપતિઓને લોન આપી દેવાઈ. તેમણે બેંકિંગ ક્ષેત્રમાં ડૂબેલા નાણાની ભારે સમસ્યાને લઈને પૂર્વની યુપીએ સરકાર પર 'ફોન પર લોન'ના સ્વરૂપમાં થયેલા કૌભાંડને જવાબદાર ગણાવ્યું. આ સાથે જ તેમણે કહ્યું કે 'નામદારો'ના ઈશારે અપાયેલી લોનની એક એક પાઈ વસૂલવામાં આવશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હાલની સરકાર દ્વારા 12 મોટા લોન ડિફોલ્ટરોમાંથી કોઈને પણ લોન અપાઈ નથી. તેમના પર 1.75 લાખ કરોડ રૂપિયા બાકી લેણા છે. તેમણે કહ્યું કે ગત યુપીએ સરકારે એનપીએ સંબંધિત જાણકારીઓ છૂપાવી. તેમની સરકારે તેની વિધિવત ઓળખ કરી અને તેની ભૂલોને પહોંચી વળવા માટે વસૂલીના કડક કાયદા બનાવ્યાં. ગત સરકારે દેશને અંધારામાં રાખ્યો અને કહ્યું કે 2થી 2.5 લાખ કરોડ રૂપિયા એનપીએ છે. જ્યારે અસલમાં તે 9 લાખ કરોડ રૂપિયા હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રતિક્રિયા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના તે નિવેદન બાદ આવી છે જેમાં તેમણે સરકાર પર નિશાન સાંધતા કહ્યું હતું કે યુપીએ સરકારમાં એનપીએ 2.5 લાખ કરોડ રૂપિયા હતી જે એનડીએમાં વધીને 12.5 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. પીએમ મોદીએ કહ્યું કે વર્ષ 2014માં તેમની સરકાર સત્તામાં આવ્યાં બાદ જોયુ કે સરકારી બેંકો લૂંટવામાં આવી છે. 2008થી 2014 વચ્ચે બેંકો દ્વારા અપાયેલી લોન વધીને 52 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. જ્યારે 2008 પહેલાના છ દાયકામાં આ આંકડા ફક્ત 18 લાખ રૂપિયા પર પહોંચી હતી. તેમણે કહ્યું કે તપાસ કર્યા વગર, નિયમોને નેવે મૂકીને લોન અપાઈ રહી હતી. લોન ન ચૂકવનારાને લોન પુર્નગઠનના નામ પર વધુ લોન અપાઈ. 

પીએમ મોદીએ કહ્યું કે 'આ લોન કેવી રીતે અપાઈ? નામદારો તરફથી એક ફોન કોલ અને અમીરોને લોન આપી દેવાતી હતી.' તેમણે કહ્યું કે 'કોંગ્રેસ અને તેના નામદારોની આ ફોન બેંકિંગથી દેશને મોટુ નુકસાન થયું.' બેંકોએ નામદારોની વાતો એટલા માટે સાંભળી કારણ કે ટોચના અધિકારીઓ આ જ નામદારો દ્વારા નિયુક્ત થયેલા હતાં. બેંકોને બરાબર ખબર હતી કે લોનના પૈસા પાછા આવવાના નથી છતાં કર્જ અપાયું. મોદીએ કહ્યું કે 2014માં અમારી સરકાર બન્યા બાદ અમને ખબર પડી કે કોંગ્રેસ અને તેના નામદારોએ દેશની અર્થવ્યવસ્થાના રસ્તામાં બારુદી સુરંગ બિછાવી છે. તેના ફાટવાથી અર્થવ્યવસ્થાને મોટું નુક્સાન થઈ શકતું હતું. સરકારે બીમારી પકડી અને તેને જડથી ખતમ કરવા માટે પગલાં લીધા. 

મોદીએ એમ પણ કહ્યું કે તેમની સરકારે નામદારો દ્વારા બિછાવવામાં આવેલી આ બારુદી સુરંગને 'નિષ્ક્રિય' કરી નાખી અને તેનું પરિણામ એ છે કે આજે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં 8.2 ટકાનો આર્થિક વૃદ્ધિદર જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે આજે જે વૃદ્ધિદર છે તે અમારી અર્થવ્યવસ્થાની પોતાની તાકાતના દમ પર છે. દેશ સૌથી ઝડપથી વિકસિત થઈ રહેલી અર્થવ્યવસ્થા છે અને સૌથી ઝડપી ગતિથી ગરીબી પણ ઓછી કરી રહ્યો છે. તેમણે કહ્યું કે હું ખાતરી કરાવવા માંગુ છું કે નામદારોના કારણે બેંકોના જે પણ પૈસા ફસાયેલા છે તેની પાઈ પાઈ વસૂલ કરવામાં આવશે અને તેનો ઉપયોગ ગરીબોના કલ્યાણ માટે કરવામાં આવશે. 

તેમણે કહ્યું કે 50 કરોડ રૂપિયાથી વધુના તમામ કર્જની સમીક્ષા કરવામાં આવી છે અને કર્જની વસૂલીના નિયમોનું કડકાઈથી પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે બેંકોને પરસ્પર ભેગા થવાનો પ્રસ્તાવ છે. તેમના કામમાં વિશેષજ્ઞતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે '12 મોટા લોન ડિફોલ્ટર્સ પર 1.75 લાખ કરોડ રૂપિયા બાકી છે. અન્ય 27 ચૂકકર્તાઓ પર એક લાખ કરોડ રૂપિયા બાકી લેણા છે. અમે સુનિશ્ચિત કરીશુ કે તેમની પાસેથી એક એક પાઈ વસૂલ કરવામાં આવે.' 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news