ફેક ન્યૂઝ અંગે જાગૃતિ લાવવા વ્હોટ્સએપ ઓલ ઈન્ડિયા રેડિયોનાં 46 સ્ટેશનનો ઉપયોગ કરશે

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપે બુધવારે જાહેરાત કરી છે કે તે ફેક ન્યૂઝ અંગે ભારતમાં જાગૃતિ લાવવા માટે રેડિયો પર અભિયાન ચલાવશે, અભિયાનના ભાગ રૂપે લોકોને કોઈ પણ ન્યૂઝ ફોરવોર્ડ કરતાં પહેલાં ચકાસવાનું જણાવાશે

ફેક ન્યૂઝ અંગે જાગૃતિ લાવવા વ્હોટ્સએપ ઓલ ઈન્ડિયા રેડિયોનાં 46 સ્ટેશનનો ઉપયોગ કરશે

નવી દિલ્હીઃ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપે બુધવારે જાહેરાત કરી છે કે તે ફેક ન્યૂઝ અંગે ભારતમાં જાગૃતિ લાવવા માટે ઓલ ઈન્ડિયા રેડિયો પર અભિયાન ચલાવશે, અભિયાનના ભાગ રૂપે લોકોને કોઈ પણ ન્યૂઝ ફોરવોર્ડ કરતાં પહેલાં ચકાસવાનું જણાવાશે. 

આ માટે વ્હોટ્સએપ ઓલ ઈન્ડિયા રેડિયોનાં 46 સ્ટેશનનો ઉપયોગ કરશે, જેમાં બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડનો પણ સમાવેશ થાય છે. સૌ પ્રથમ સંદેશો હિન્દી ભાષામાં પ્રચારિત કરાશે અને ત્યાર બાદ સ્થાનિક ભાષામાં પણ આ અભિયાન ચલાવાશે. આ સાથે જ જે લોકોને તેમના વ્હોટ્સએપમાં કોઈ વાંધાજનક મેસેજ મળે તો સ્થાનિક સત્તામંડળને તેની જાણ કરવા પણ જણાવાશે. સાથે જ આવા ખોટા સમાચારને ફોરવોર્ડ કરવા સામે પણ તેમને ચેતવણી આપવામાં આવશે. 

તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા ફેસબૂકની માલિકીવાળી વ્હોટ્સએપ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય અને નાણા મંત્રાલયને પુછ્યું છે કે, શા માટે ભારતમાં હજુ સુધી કોઈ ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી? સર્વોચ્ચ અદાલતે ચાર સપ્તાહમાં આ બાબતે જવાબ આપવા જણાવ્યું છે. સુપ્રીમના આદેશ બાદ વ્હોટ્સએપ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે પણ ગયા અઠવાડિયે વ્હોટ્સએપને સ્થાનિક ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરવા અને ફેક ન્યૂઝનું મૂળ શોધી કાઢવા માટે ટેક્નીકલ સમાધાન શોધવા જણાવ્યું હતું. 

વ્હોટ્સએપના સીઈઓ ક્રિસ ડેનિયલ તાજેતરમાં જ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદ સહિત દેશના ટોચના અધિકારીઓને મળ્યા હતા. જેમાં વ્હોટ્સએપ પર ચાલતા ફેક ન્યૂઝને કારણે દેશમાં મોબ લિંચીંગ જેવી કેટલીક ગંભીર અપરાધિક ઘટનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. 

કેન્દ્ર સરકારે ફેસબૂકની માલિકીની કંપનીને બે નોટિસ પણ મોકલી હતી. જેમાં તેમના મેસેજ પ્લેટફોર્મ દ્વારા ખોટી માહિતીના પ્રચાર-પ્રસારને રોકવા માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવા જણાવાયું હતું. 

ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ભૂતકાળમાં જણાવ્યું હતું કે, કંપની તેની જવાબદારીમાંથી છટકી શકે નહીં. તેમણે ખોટો ઉષ્કેરણીજનક મેસેજ ક્યાંથી મોકલવામાં આવ્યો છે તેનું મૂળ શોધી કાઢવું જોઈએ. આ સાથે જ કંપનીને ચેતવણી પણ આપવામાં આવી હતી કે, જો તે યોગ્ય પગલાં નહીં ભરે તો તેના પર અફવા ફેલાવા અંગે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news