બિહારમાં નીતિશ સરકાર રહેશે કે જશે? સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ

બિહારમાં સોમવારે સત્તાપક્ષ તથા વિપક્ષ બંનેની પરીક્ષા થશે. સરકારનો દાવો છે કે તેની પાસે બહુમત માટે જરૂરી ધારાસભ્યોની સંખ્યાથી વધુ સમર્થન પ્રાપ્ત છે. તો વિપક્ષ એકતા દેખાડવાનો પ્રયાસ કરશે. 

બિહારમાં નીતિશ સરકાર રહેશે કે જશે? સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ

પટનાઃ બિહારની રાજનીતિમાં આવતીકાલનો દિવસ સૌથી મોટો અને મહત્વપૂર્ણ છે. કારણ કે આવતીકાલે બિહાર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી નીતિશકુમાર અને NDA સબ સલામત હોવાના દાવા કરી રહ્યું છે. તો સામે તેજસ્વી યાદવ અને તેમની RJDએ કહ્યું છે કે ઓપરેશન લોટસ પર ઓપરેશન લાલટેન ભારે પડશે...જુઓ બિહારના રાજકારણ પર અમારો આ વિશેષ અહેવાલ....

બિહારમાં ફ્લોર ટેસ્ટ થવાનો છે. તે પહેલા રાજદ અને જેડીયુ જુથમાં ડિનર પોલિટિક્સનો દોર ચાલી રહ્યો છે. નીતિશ સરકારમાં મંત્રી વિજય કુમાર ચૌધરીના ઘરે જેડીયુના ધારાસભ્યોની બેઠક યોજાઈ...આ બેઠક પછી ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી નીતિશકુમાર પણ આ ડિનરમાં સામેલ થયા હતા. તો રાજદના નેતા મૃત્યુજય તિવારીએ એક એવો દાવો કર્યો કે, અમારા તમામ ધારાસભ્યોએ એક સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. આ સરકાર હવે 24 કલાકની મહેમાન છે. ઓપરેશન લોટસ પર ઓપરેશન લાલટેન ભારે પડશે. 

...તો પહેલા JDUના ધારાસભ્યોની એકજૂથતા તપાસ માટે મંત્રી શ્રવણ કુમારના ઘરે લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે તેમાં 45માંથી 39 ધારાસભ્યો જ પહોંચ્યા હતા. જે ધારાસભ્યો નહતા પહોંચ્યા તે મામલે JDUએ કહ્યું હતું કે તમામ સાથે વાતચીત થઈ હતી. આ તમામ વ્યક્તિગત કારણોથી લંચમાં પહોંચ્યા નહતા. તો બિહારના નાયબ મુખ્યમંત્રી વિજયકુમાર સિન્હાએ RJDના ખેલા હોગાના દાવા પર કહ્યું કે, તે ડરે છે. અને જાણે છે કે તેમના ધારાસભ્યો કોઈ પણ સમયે સાથ છોડી શકે છે. કારણ કે તેઓ વંશવાદી અને ભ્રષ્ટ રાજનીતિથી તંગ આવી ચુક્યા છે. ધારાસભ્યોને મજબૂર બનાવીને રાખવા તે લોકતંત્ર કમજોર કરે છે. 

તો આ બધાની વચ્ચે જેમના પર સૌથી વધારે નજર છે તે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ ફરી એકવાર કહ્યું કે, હું NDAની સાથે છું. મારી મુલાકાત કરવા માટે કોઈ પણ આવી શકે છે. પરંતુ હું ક્યારેય અલગ થવાનો નથી. 

તો કેન્દ્ર મંત્રી પશુપતિ કુમાર પારસે ફ્લોર ટેસ્ટ પર કહ્યું કે, જે ખેલ થવાનો હતો તે થઈ ગયો. હવે કોઈ ખેલ બાકી નથી. RJDના લોકોને ડર લાગી રહ્યો છે. તેથી જ તેજસ્વી યાદવે પોતાના ધારાસભ્યોને પોતાના ઘરમાં કેદ કરીને રાખ્યા છે. RJDના તમામ ધારાસભ્યોના ફોન બંધ કરાવી દેવામાં આવ્યા છે. 

ફ્લોર ટેસ્ટ થવા જઈ રહ્યો છે ત્યારે બિહારના રાજકીય ગણિતને પણ સમજી લઈએ. બિહારમાં વિધાનસભાની કુલ 243 બેઠક છે. જેમાં સૌથી વધુ RJD પાસે 79, ભાજપ પાસે 78, JDU પાસે 45, કોંગ્રેસ પાસે 19, CPI(ML) પાસે 12, HAM 4 જ્યારે અન્ય પાસે 6 બેઠક છે. બિહારમાં બહૂમતિ માટે 122 ધારાસભ્યોની જરૂર છે.. વાત NDAના સાથી પક્ષોની કરીએ તો, ભાજપના 78, JDUના 45,  HAMના 4 અને અપક્ષનો એક મળી કુલ 128 ધારાસભ્યો થાય છે. એટલે કે બહૂમતિ મળી જાય છે. વાત મહાગઠબંધનની કરીએ તો, RJDના 79, કોંગ્રેસના 19, CPI(ML)ના 12 અને અન્યના 4 મળી કુલ 114 ધારાસભ્યો થાય છે. એટલે કે બહૂમતિથી 8 ધારાસભ્યો ઓછા છે. હાલ NDA સરળતાથી બહુમતનો આંકડો પાર કરી લેશે તેવું લાગી રહ્યું છે. પરંતુ રાજનીતિમાં ક્યારે શું થાય તે કહી શકાતું નથી. તેથી ફ્લોર ટેસ્ટ સુધી રાહ જોવી જ રહી. 

શું છે બિહારનું રાજકીય ગણિત?
કુલ બેઠક-243
RJD-79
ભાજપ-78
JDU-45
કોંગ્રેસ-19
CPI(ML)-12
HAM-4
અન્ય- 6 

બિહારમાં કોને મળશે બહૂમતિ?
બહૂમતિ માટે જરૂર-122

NDA
ભાજપ-78
JDU-45
HAM-4
અપક્ષ-1
કુલ- 128 (+4)

મહાગઠબંધન
RJD-79
કોંગ્રેસ-19
CPI(ML)-12
અન્ય-4
કુલ- 114 (-8)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news