શું ખરેખર પાકિસ્તાને તુર્કીની મદદ માટે જતા ભારતીય વિમાનને રોક્યું? જાણો સાચી હકીકત

ભારતમાંથી એરફોર્સના વિમાનોમાં રાહત સામગ્રી અને NDRFની ટીમો તુર્કી મોકલવામાં આવી હતી. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાને તુર્કી જઈ રહેલા ભારતીય વિમાનને તેના એરસ્પેસમાં પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો.

શું ખરેખર પાકિસ્તાને તુર્કીની મદદ માટે જતા ભારતીય વિમાનને રોક્યું? જાણો સાચી હકીકત

નવી દિલ્હીઃ તુર્કીમાં ભુકંપને કારણે ભારે તબાહી મચી છે. આવી સ્થિતિમાં ભારતે તુરંત જ મદદનો હાથ લંબાવીને તુર્કીમાં રાહત સામગ્રી પહોંચાડવા અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમો રવાના કરી દીધી હતી. જોકે, દરમિયાન, ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાને રાહત સામગ્રી અને ટીમ લઈને તુર્કી જઈ રહેલા ભારતીય વિમાનને તેની એરસ્પેસ આપવાનો ઈન્કાર કરી દીધો છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

ઉલ્લેખનીય છેકે, તુર્કીમાં ભૂકંપના કારણે થયેલી તબાહી બાદ ભારતે સોમવારે માનવતાવાદી વલણ અપનાવીને મદદની જાહેરાત કરી હતી. ભારતમાંથી એરફોર્સના વિમાનોમાં રાહત સામગ્રી અને NDRFની ટીમો તુર્કી મોકલવામાં આવી હતી. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાને તુર્કી જઈ રહેલા ભારતીય વિમાનને તેના એરસ્પેસમાં પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. જેને કારણે આ મામલે સોશિયલ મીડિયામાં પણ ભારે ઓહાપોહ મચ્યો હતો. 

ભારતીય વાયુસેનાના અધિકારીની સ્પષ્ટતાઃ
હજુ સુધી આ અંગે ભારત કે પાકિસ્તાન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. બીજી તરફ જ્યારે આ મામલે ભારતમાં તુર્કીના રાજદૂતને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેમની પાસે આ અંગે કોઈ માહિતી નથી. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય વાયુસેનાના C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટને અન્ય માર્ગ પસંદ કરવો પડ્યો કારણ કે પાકિસ્તાને તેના એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે, સમગ્ર મામલે ભારતીય વાયુસેનાના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે ભારતીય વિમાન તુર્કી જવા માટે પાકિસ્તાનના આકાશમાંથી ઉડતું જ નથી અને ભારતે આ માટે પાકિસ્તાન પાસેથી કોઈ પરવાનગી લીધી નથી. ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "અમારા એરક્રાફ્ટ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા હેઠળ પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ કરતા જ નથી. અમારા વિમાનો યુરોપ અથવા પશ્ચિમ એશિયા જવા માટે ગુજરાતથી લાંબો રૂટ લે છે." ભારતીય સેનાના વિમાનો પાકિસ્તાની એરસ્પેસ દ્વારા તુર્કી જતા નથી.

ભારતે ક્યારેય પાકિસ્તાન પાસે આવી કોઈ સેના સંબંધિત પરવાનગી માંગી નથીઃ
આ સમાચારો વચ્ચે એક વાત જાણવી ખૂબ જ જરૂરી છે. ભારતે ક્યારેય પાકિસ્તાની ઉડ્ડયન વિભાગ પાસેથી તેના આર્મી પ્લેન ક્યાંય મોકલવા માટે પરવાનગી માંગી નથી. વર્ષ 2021માં પણ જ્યારે અફઘાનિસ્તાન પર તાલિબાનોએ ફરીથી કબજો જમાવ્યો હતો, ત્યારે ભારતીય સેનાના વિમાનોએ ત્યાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ઈરાની એરસ્પેસનો ઉપયોગ કર્યો હતો.

વિકટ સમયમાં ભારતે કરેલી મદદ બદલ તુર્કીએ આભાર માન્યોઃ
તુર્કીએ વિનાશક ભૂકંપની સ્થિતિની વચ્ચે ભારત દ્વારા કરવામાં આવેલી મદદ બદલ ખુબ જ આભાર વ્યક્ત કર્યો છે. ભારતમાં તુર્કીના રાજદૂત ફિરત સુનેલે કહ્યું કે મિત્ર તુર્કી અને હિન્દીમાં સામાન્ય શબ્દ છે. તુર્કીમાં કહેવત છે કે જે મિત્ર જરૂરિયાતના સમયે કામ લાગે તે સાચો મિત્ર છે. ખુબ ખુબ આભાર.

સોમવારે સતત ત્રણ ભૂકંપથી હચમચી ઉઠ્યું હતું તુર્કી:
સોમવાર તુર્કી માટે કાળો દિવસ સાબિત થયો. તુર્કીમાં સવારે, બપોર અને સાંજે ત્રણ મોટા ભૂકંપ આવ્યા હતા. સોમવારે સવારથી ભૂકંપના કારણે એવી તબાહી મચી કે મોટી મોટી ઈમારતો પણ સેકન્ડોમાં ધરાશાયી થઈ ગઈ. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 3500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે આ તબાહીમાં હજારો લોકો ઘાયલ થયા છે. 8 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ ઘણા લોકોને બચાવવામાં આવી રહ્યા છે.

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ અર્દોઆને 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ સાથે ભૂકંપ પ્રભાવિત 10 પ્રાંતોમાં ત્રણ મહિનાની ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. શાળા અને કોલેજો પણ 13 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવામાં આવી છે. જે વિસ્તારોમાં તબાહી થઈ છે ત્યાં લોકોને ઘરની બહાર ન જવા માટે અપીલ કરવામાં આવી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news