Bye Bye 2020: કોરોનાથી રામ મંદિરના શિલાન્યાસ સુધી, આ 20 મોટી ઘટનાઓ માટે યાદ રહેશે વર્ષ 2020

  • કોરોના વાયરસે 1 કરોડથી વધારે લોકોને સંક્રમિત કરી દીધા

  • લૉકડાઉનથી અનેક લોકોને રઝળપાટ કરવાનો વારો આવ્યો

    કોરોના સંકટની વચ્ચે બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ

    નિર્ભયા ગેંગરેપના ગુનેગારોને ફાંસીના માંચડે લટકાવી દેવાયા

    અનેક દિગ્ગજ નેતાઓ, સેલિબ્રિટીઓએ દુનિયાને અલવિદા કહી

Trending Photos

Bye Bye 2020: કોરોનાથી રામ મંદિરના શિલાન્યાસ સુધી, આ 20 મોટી ઘટનાઓ માટે યાદ રહેશે વર્ષ 2020

જયેશ જોશી, અમદાવાદઃ વર્ષ 2020 પૂર્ણાહૂતિ તરફ છે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ અનેક એવી યાદો છે જે સરળતાથી ઝાંખી પડવાની નથી. આ વખતે આખું વર્ષ લગભગ કોરોના વાયરસ અને તેનાથી ઉભા થયેલા પડકારોથી ભરપૂર રહ્યું. 2020ની શરૂઆતના થોડાક મહિના પછી દેશમાં આ જીવલેણ મહામારીએ ધીમા પગલે પ્રવેશ કરી દીધો. અને હજુ સુધી તે કાળો કેર મચાવી રહી છે. તે સિવાય અનેક એવી વસ્તુઓ રહી જેને સરળતાથી ભૂલી શકાય તેમ નથી. આ વર્ષે દિલ્લી અને બિહારમાં મહત્વપૂર્ણ ચૂંટણી થઈ. તો મધ્ય પ્રદેશમાં સત્તાનો સંગ્રામ પણ જોવા મળ્યો.

તો નાગરિકતા સંશોધન કાયદાના વિરોધણાં પૂર્વોત્તરથી ઉઠેલો અવાજ 2020ની શરૂઆતમાં દેશભરમાં વિરોધ પ્રદર્શનનું સ્વરૂપ લઈ ચૂક્યો હતો. CAAના વિરોધમાં ભડકેલી હિંસા ફેબ્રુઆરીના અંત સુધી હિંસામાં ફેરવાઈ ગઈ. તે ઉપરાંત 2012ના નિર્ભયા ગેંગરેપના દોષીઓને ફાંસીની સજા પણ આ વર્ષે આપવામાં આવી. લદાખની ગલવાન ઘાટીમાં ચીનની ચાલબાજીમાં દેશના 20 જવાન શહીદ થયા. તો બીજી બાજુ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ધ્રૂજાવી દીધી. બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાંથી અનેક જાણીતા અભિનેતા, ગાયક, ડાયરેક્ટર અને મ્યુઝિક ડાયરેક્ટર આપણને અલવિદા કહીને ચાલ્યા ગયા. તો પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીથી લઈને મોદી સરકારના મંત્રી પણ આ વર્ષે આપણાથી વિખૂટા પડ્યા.

આ 20 મોટી ઘટનાઓ માટે હંમેશા યાદ રહેશે વર્ષ 2020

1. કોરોના વાયરસ મહામારી:

વર્ષ 2020ની શરૂઆતના એક-બે મહિના જ વીત્યા હતા. અને દેશમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ સામે આવી ગયો. પછી તેની સંખ્યામાં ધીમે-ધીમે વધારો થતો ગયો અને તેણે દેશને પાટા પરથી નીચે ઉતારી દીધો. અત્યાર સુધી દેશમાં 1 કરોડથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા હતા અને મૃત્યુનો આંકડો દોઢ લાખ સુધી પહોંચી ગયો છે.

2. લૉકડાઉન:

કોરોના મહામારીના કારણે દેશમાં પહેલીવાર લૉકડાઉન લગાવવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધનમાં કોરોના સંક્રમણના ફેલાવાથી રોકવા માટે પહેલીવાર દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી. 24 માર્ચ 2020ના રોજ પીએમ મોદીએ 21 દિવસો માટે દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી. તેના પછી લૉકડાઉનને અનેક ફેઝમાં 31 મે સુધી વધારવામાં આવતું રહ્યું. ત્યારબાદ 1 જૂનથી ફેઝ મેનરમાં પ્રતિબંધની સાથે દેશમાં અનલોક કરવાની શરૂઆત થઈ.

3. ટ્રેન, હવાઈ અને મેટ્રો સેવાઓ પર પ્રતિબંધ:

કોરોના સંક્રમણ અને દેશવ્યાપી લૉકડાઉનના કારણે ટ્રેન સેવાઓ પર પહેલીવાર બ્રેક લાગી. તે ઉપરાંત હવાઈ વ્યવહાર અને મેટ્રો સેવાઓને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું. હજુ પણ દેશમાં નિયમિત ટ્રેનો અને હવાઈ સેવાઓને યોગ્ય રીતે ચાલુ કરવામાં આવી નથી. તો મેટ્રો સેવાઓ ચોક્કસ શરૂ કરવામાં આવી છે. પરંતુ અનેક રાજ્યોમાં લોકલ સેવાઓ પર પ્રતિબંધ યથાવત છે.

4.મજૂરોનું પલાયન અને રોજગારનું સંકટ:

દેશવ્યાપી લૉકડાઉનના કારણે આર્થિક પ્રવૃતિઓ પર બ્રેક લાગી ગઈ. તેનાથી પ્રવાસી મજૂર પલાયન કરવા માટે મજબૂર થઈ ગયા. તેમની સામે રોજી-રોટીનું સંકટ ઉભું થઈ ગયું. કેમ કે દેશમાં વાહનવ્યવહારની તમામ સુવિધાઓ પર પ્રતિબંધ હતો. તેના કારણે સેંકડો કિલોમીટર ચાલીને ઘરે જનારા મજૂરોની તસવીરો અને દર્દને દર્શાવતી કહાનીઓ હંમેશા લોકોના મનમાં યાદ રહેશે.

 

5. દિલ્લી અને બિહારમાં વિધાનસભાની ચૂંટણી:

ફેબ્રુઆરી 2020માં થયેલી દિલ્લી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ફરી એકવાર ડંકો વાગ્યો. આમ આદમી પાર્ટીએ 70માંથી 62 બેઠકો કબ્જે કરી. તો 8 બેઠક ભાજપના ખાતામાં ગઈ. તો કોંગ્રેસના સૂંપડા સાફ થઈ ગયા. જ્યારે બિહારમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં ફરી એકવાર એનડીએ સરકાર બની અને નીતિશ કુમાર રેકોર્ડબ્રેક સાતમી વાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા.

 

6. મધ્ય પ્રદેશમાં સત્તા સંગ્રામ:

મધ્ય પ્રદેશમાં મોટી રાજકીય હલચલ ત્યારે થઈ જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસનો હાથ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા. તેમના રાજીનામા પછી સિલસિલો શરૂ થયો અને રાજકીય રસાકસી પછી કમલનાથ સરકારનું પતન થયું અને શિવરાજસિંહ ચૌહાણ ફરી એકવાર મધ્ય પ્રદેશના મુ્ખ્યમંત્રી બન્યા.

7. અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ:

લાંબી કાયદાકીય લડાઈ પછી સુપ્રીમ કોર્ટના નિર્ણયથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો રસ્તો સાફ થઈ ગયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટે રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યું અને મંદિરની આધારશિલા રાખી.

8. દિલ્લી હિંસા અને CAA (નાગરિકતા સંશોધન કાયદા) સામે પ્રદર્શન:

પૂર્વોત્તરના અનેક શહેરોમાં પ્રદર્શન પછી દિલ્લીના શાહીનબાગમાં નાગરિકતા કાયદા સામે લાંબા સમય સુધી પ્રદર્શન ચાલ્યું અને હજારોની સંખ્યામાં લોકો સામેલ થયા. તો CAAના વિરોધમાં ભડકેલી હિંસા ફેબ્રુઆરી મહિનાના અંત સુધી હિંસામાં ફેરવાઈ ગઈ. દિલ્લીમાં કાયદાના સમર્થક અને વિરોધી સામસામે આવી ગયા. દિલ્લી હિંસામાં 50થી વધારે લોકોના જીવ ગયા અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા. અનેક દિવસો સુધી પૂર્વી દિલ્લીના અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ રહી.

9. નિર્ભયાના દોષીઓને ફાંસી:

દેશને ધ્રૂજાવી નાંખનારા વર્ષ 2012ના નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના દોષીઓને આખરે ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા. દિલ્લીની તિહાર જેલમાં 20 માર્ચ 2020ના રોજ નિર્ભયાના ચારેય ગુનેગારો મુકેશ સિંહ, પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષય સિંહને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા. નિર્ભયાના એક દોષી રામ સિંહે 2013માં તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.

 

10. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા:

બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત જૂન મહિનામાં પોતાના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવ્યો. તેના મૃત્યુએ આખા દેશને અનેક મહિનાઓ સુધી ધ્રૂજાવીને રાખી દીધો. તેના અપમૃત્યુમાં ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનું નામ આવ્યું અને બોલિવુડમાં ડ્રગ્સ કનેક્શનનો એંગલ પણ. રિયા ચક્રવર્તીને ડ્રગ્સ કેસમાં એનસીબીએ કેટલાંક દિવસ સુધી કસ્ટડીમાં રાખી અને બોલિવુડની અનેક મોટી હસ્તીઓની પૂછપરછ પણ કરી. હાલ રિયા જામીન પર બહાર છે. તો સીબીઆઈ સુશાંતના મૃત્યુનો કોયડો ઉકેલવા માટે પ્રયાસ કરી રહી છે.

 

11. રાજનીતિના અનેક દિગ્ગજોનું નિધન:

રાજનીતિના અનેક દિગ્ગજોને વર્ષ 2020એ આપણી પાસેથી છીનવી લીધા. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજી, લોક જનશક્તિ પાર્ટીના સંસ્થાપક રામવિલાસ પાસવાન, વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહમદ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંત સિંહ, દિગ્ગજ નેતા અમર સિંહ, અસમના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈ અને બિહારના દિગ્ગજ નેતા રઘુવંશ પ્રસાદ સિંહનું આ વર્ષે નિધન થયું.

12. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી અનેક હસ્તીઓનો સાથ છૂટ્યો:

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી અનેક દિગ્ગજ હસ્તીઓ 2020માં આપણી વચ્ચેથી ચાલી ગઈ. અભિનેતા રિશી કપૂર, ઈરફાન ખાન, જાણીતા શાયર રાહત ઈન્દોરી, જાણીતા બાંગ્લા અભિનેતા સૌમિત્ર ચેટરજી, આસિફ બસરા, મ્યુઝિશિયન એસપી બાલાસુબ્રમણ્યમ, ડાયરેક્ટર નિશિકાંત કામત, કોમેડિયન જગદીપ, કોરિયોગ્રાફર સરોજ ખાન, મહાન ફિલ્મકાર બાસુ ચેટરજી અને જાણીતા ડાયરેક્ટર વાજિદ ખાનને આપણી પાસેથી છીનવી લીધા.

 

13. કેરળમાં ગર્ભવતી હાથણીની હત્યા:

કેરળના પલક્કડમાં એક ગર્ભવતી હાથણીના મૃત્યુથી આખો દેશ દર્દથી રડી પડ્યો. દરેક વ્યક્તિએ આ હેવાનિયતની આકરા શબ્દોમાં ટીકા કરી. આખા દેશમાં તેની સામે દુખ અને ગુસ્સો જોવા મળ્યો. કેન્દ્ર અને રાજ્ય બંનેએ તેને ક્રૂર હત્યા ગણાવતાં નિંદા કરી.

 

14. વિકાસ દુબેનું એન્કાઉન્ટર:

ઉત્તર પ્રદેશના કાનપુરમાં જુલાઈ 2020ની એક રાત્રિ દિલને ધ્રૂજાવી દેનારી ઘટનાની સાક્ષી બની. બિકરુ ગામમાં 8 પોલીસકર્મીઓ પર તાબડતોબ ગોળીઓ ચલાવવામાં આવી. પોલીસ ગેંગસ્ટર વિકાસ દુબેની ધરપકડ કરવા ગઈ હતી. વિકાસને તેની માહિતી મળી ગઈ અને તેણે સંપૂર્ણ તૈયારી સાથે પોલીસ પર હુમલો કરી દીધો. જેમાં 8 પોલીસકર્મીઓનો જીવ ગયો. અનેક દિવસો સુધી સંતાયા પછી પોલીસે એમપીના ઉજ્જૈનથી વિકાસની ધરપકડ કરી. યૂપી પોલીસ જ્યારે વિકાસ દુબેને લઈને પાછી આવી રહી હતી. ત્યારે ગાડીને અકસ્માત થયો અને વિકાસ દુબે ભાગવાની ફિરાકમાં માર્યો ગયો.

 

15. હાથરસ ગેંગરેપ, મર્ડર કેસ:

સપ્ટેમ્બર મહિનામાં ઉત્તર પ્રદેશના હાથરસમાં એક 20 વર્ષની દલિત છોકરી સાથે ગામના જ કેટલાંક છોકરાઓએ હેવાનિયત કરી. દુષ્કર્મ દરમિયાન છોકરી સાથે મારપીટ કરવામાં આવી. તે રાક્ષસોએ છોકરીના શરીરને એવી પીડા આપી, જેને સાંભળીને કાચા-પોચા માણસનું હ્રદય બેસી જાય. પ્રાથમિક સારવાર પછી 29 સપ્ટેમ્બરે દિલ્લીની સફદરગંજ હોસ્પિટલમાં પીડિતાએ દમ તોડ્યો. તેના પછી આનન-ફાનનમાં યૂપી પોલીસે મોડી રાત્રે લગભગ 3 કલાકે પીડિત પરિવારને ઘરમાં બંધ કરીને છોકરીના અંતિમ સંસ્કાર કરી દીધા. તેના પર રાજનીતિ ગરમાઈ અને યૂપી પોલીસ સવાલોના કુંડાળામાં આવી. તેના પછી SITની રચના થઈ અને સીબીઆઈને તપાસ સોંપવામાં આવી.

 

16. પાલઘરમાં સાધુઓની હત્યા:

મહારાષ્ટ્રમાં પાલઘરના બે સાધુઓ અને તેમના ડ્રાઈવરની માર મારીને હત્યાથી દેશભરમાં ઘણો આક્રોશ ફેલાયો. જિલ્લાના ગઢચિંચલા ગામમાં એપ્રિલ 2020માં આ ઘટના બની. મુંબઈથી કારમાં સવાર થઈને અંતિમ સંસ્કારમાં સામેલ થવા સુરત જઈ રહેલા બે સાધુઓ અને તેમના ડ્રાઈવરની ભીડે બાળકચોર સમજીને લાકડીના દંડા અને હાથમાં જે આવ્યું તેનાથી માર મારીને હત્યા કરી નાંખી. સ્થાનિક પોલીસ અને રાજ્ય સીઆઈડીએ આ મામલામાં 134થી વધારે લોકોની ધરપકડ કરી. આ ઘટનાની નિંદા પણ આખા દેશમાં થઈ.

 

17. 28 વર્ષ પછી બાબરી વિધ્વંસનો નિર્ણય:

6 ડિસેમ્બર 1992માં અયોધ્યામાં વિવાદિત ઢાંચો પાડી દેવાના કેસમાં 28 વર્ષ પછી 30 સપ્ટેમ્બરે નિર્ણય આવ્યો. સીબીઆઈની વિશેષ અદાલતે તમામ આરોપીઓને નિર્દોષ છોડી દીધા અને કહ્યું કે મસ્જિદ વિધ્વંસ સુનિયોજિત ન હતો. જજે ચુકાદો સંભળાવતાં કહ્યું કે નેતાઓના ભાષણનો ઓડિયો સ્પષ્ટ નથી. નેતાઓએ ભીડને રોકવાનો પ્રયાસ પણ કર્યો. જજે કહ્યું કે આરોપીઓની સામે કોઈજાતના પૂરાવા નથી. આ મામલામાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ સહિત 32 આરોપી હતા.

18. દુશ્મનોનો કાળ 'રાફેલ' વાયુસેનામાં સામેલ થયું:

જુલાઈ મહિનામાં રાફેલની પહેલી ખેપ એટલે પાંચ વિમાનો ભારત પહોંચ્યા. ચીનની સાથે સીમા વિવાદની વચ્ચે રાફે યુદ્ધ વિમાનના આવવાથી ભારતીય સેનાની તાકાતમાં ધરખમ વધારો થયો. વિમાનોને અંબાલા એરબેઝ પર પહોંચ્યા પછી રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે રાફેલ વિમાનોનું ભારતમાં આવવું આપણા સૈન્ય ઈતિહાસમાં નવા યુગની શરૂઆત છે. આ ગેમચેન્જર વિમાનોથી વાયુસેનાની ક્ષમતાઓમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યા છે. હાલ 8 રાફેલ વિમાન ભારતીય સેનામાં સામેલ થઈ ચૂક્યા છે. 2022 સુધીમાં ભારતીય વાયુસેમામાં કુલ 36 રાફેલ વિમાનોનો સમાવેશ થઈ જશે.

 

19. અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિ:

અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ વર્ષ 2020 ઘણું ખરાબ રહ્યું. અર્થવ્યવસ્થા પર કોરોના મહામારીનો મોટો માર પડ્યો. કોરોનાને કાબૂમાં રાખવા માટે દેશમાં લગાવવામાં આવેલા લૉકડાઉનથી આર્થિક પ્રવૃતિઓ સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગઈ. ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાંકીય વર્ષ 2020-21 માટે જીડીપીમાં 7.5 ટકા ઘટાડાનું અનુમાન લગાવ્યું છે.

 

20. ખેડૂત આંદોલન:

વર્ષ 2020ના છેલ્લા મહિનામાં નવા કૃષિ કાયદાને લઈને ખેડૂતોનું આંદોલન શરૂ થઈ ગયું. કેન્દ્ર સરકાર સપ્ટેમ્બર મહિનામાં 3 નવા કૃષિ બિલ લઈને આવ્યું.જે સંસદની મંજૂરી અને રાષ્ટ્રપતિની મહોરથી કાયદો પણ બની ગયો. ખેડૂતોને તે પસંદ આવી રહ્યું નથી. ખેડૂતો રાષ્ટ્રીય રાજધાની દિલ્લી અને તેની આસપાસના વિસ્તારમાં ઘેરો નાંખીને બેઠા છે. અને સરકાર સાથે લાંબી લડાઈ માટે તૈયાર છે. ખેડૂતો આ કાયદાને રદ કરાવવા સિવાય બીજું કંઈ માનવા તૈયાર નથી. જોકે ખેડૂતોને મનાવવાના પ્રયાસો ચાલુ છે અને સરકારની સાથે અનેક દોરની વાતચીત પણ થઈ ચૂકી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news