માત્ર રૂ.500માં તમે ખરીદી શકો છો PM મોદીને મળેલી ભેટ-સોગાદો, જાણવા કરો ક્લિક...
છેલ્લા 4 વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જે ભેટ-સોગાદો મળી છે, તેમની ઓનલાઈન હરાજી થવા જઈ રહી છે, હરાજી દ્વારા એક્ઠી થયેલી રકમનો ઉપયોગ પ્રજા કલ્યાણના કાર્યો પાછળ કરાશે
Trending Photos
નવી દિલ્હીઃ વડાપ્રદાન નરેન્દ્ર મોદી પાસે લોકો ફેસબુક, ટ્વીટર અને અન્ય માધ્યમો મારફતે તેમને મળેલી ભેટ-સોગાદો અંગે માગણી કરતા હોય છે. હવે, તમે પણ મોદીને મળેલી ગીફ્ટ ખરીદીને તેના માલિક બની શકો છો. છેલ્લા 4 વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જેટલી પણ ભેટ-સોગાદ મળી છે, તેની ઓનલાઈન હરાજી થવાની છે. આ તમામ ભેટ-સોગાદોને દિલ્હીની નેશનલ ગેલરી ઓફ મોર્ડન આર્ટ્સમાં પ્રદર્શન માટે મુકવામાં આવી છે. પીએમ મોદીને મળેલી ભેટ-સોગાદોની હરાજીમાંથી જે કોઈ રકમ મળશે તેનો ઉપયોગ પ્રજા કલ્યાણના કાર્યોમાં કરવામાં આવશે.
સરકાર કરી રહી છે હરાજી
2014માં વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીને અત્યાર સુધી દેશ-વિદેશમાંથી લગભગ 1900 જેટલી ભેટ-સોગાદો મળી છે. આ તમામને ઈ-ઓક્શનમાં મુકવામાં આવશે. વડા પ્રધાન મોદીને મળેલી ભેટ-સોગાદોમાં પાઘડીઓ, હાફ-જેકેટ, પેઈન્ટિંગ્સ, ધનુષ સહિતની અનેક ચીજ-વસ્તુઓનો સમાવેશ થાય છે. દોરાથી બનેલી ફ્રેમ પેઈન્ટિંગ, હનુમાનજીની ગદા, સરદાર પટેલની મેટલિક મૂર્તિ સહિત અનેક ચીજ-વસ્તુઓમાંથી તમે તમારી મનપસંદ વસતુ ઈ-ઓક્શનમાં ખરીદી શકો છો.
સરકાર પોતે જ વડા પ્રધાનને મળેલી આ ભેટ-સોગાદોની હરાજી કરી રહી છે. વડા પ્રધાનને જે કોઈ ભેટ-સોગાદો મળતી હોય છે તેને સરકારી ખજાનામાં જમા કરવામાં આવતી હોય છે. અત્યારે મોદીને મળેલી ભેટ-સોગાદોને લોકો નિહાળી શકે તેના માટે તેને દિલ્હીમાં આવેલી 'નેશનલ ગેલરી ઓફ મોડર્ન આર્ટ્સ'માં મુકવામાં આવી છે.
ડિસેમ્બરમાં બીજા અઠવાડિયે શરૂ થશે હરાજી
વડા પ્રધાનને મળેલી ભેટ-સોગાદોની હરાજી ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં શરૂ કરવામાં આવશે. ઓનલાઈન હરાજીની તૈયારીઓ પુરી થઈ ગઈ છે. પ્રદર્શનીમાં જઈને જોયા બાદ તમે અત્યારથી નક્કી કરી શકો છો કે તમારે કઈ વસ્તુ ખરીદવી છે. દેશના ઈતિહાસમાં આ પ્રથમ વખત થઈ રહ્યું છે જ્યારે વડા પ્રધાનને મળેલી ભેટ-સોગાદોની હરાજી કરવામાં આવી રહી છે.
કેવી રીતે ખરીદી કરશો?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટ-સોગાદો માટે તમારે openauction.gov.in પર બોલી લગાવાની રહેશે. PMO દ્વારા તેની બેઝ પ્રાઈઝ નક્કી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા ટ્રેન્ડ અનુસાર વડા પ્રધાનને મળેલી પાઘડીઓ, શાલ અને પેઈન્ટિંગ્સની સૌથી વધુ ડિમાન્ડ રહી શકે છે. કેમ કે, સોશિયલ મીડિયા દ્વારા લોકો પીએમ મોદી સમક્ષ આ બાબતની માગણી કરી ચૂક્યા છે.
કઈ વસ્તુનો કેટલો ભાવ?
વડા પ્રધાને અત્યાર સુધી જેટલી પણ પાઘડીઓ પહેરી છે, તેની હરાજી થવાની છે. હરાજીની શરૂઆત બેઝ પ્રાઈઝથી થશે. પાઘડીની બેઝ પ્રાઈઝ રૂ.800 નક્કી કરવામાં આવી છે. શાલની બેઝ પ્રાઈઝ રૂ.500 નક્કી કરાઈ છે. પેઈન્ટિંગ અને ફોટો ફ્રેમની બોલી રૂ.500થી શરૂ થશે. 3D પેઈન્ટિંગ્સ, ટેક્સટાઈલ પેઈન્ટિંગ્સ, મંદિરનું નકશીકામ ધરાવતી વૂડન ફ્રેમની બેઝ પ્રાઈઝ રૂ.4 થી 5 હજાર નક્કી કરવામાં આવી છે.
સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ સૌથી વધુ પસંદ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટ-સોગાદોમાં સૌથી આકર્ષક સરદાર વલ્લભભાઈ પટેલની મેટલિક મૂર્તિ છે. આ મૂર્તિ 42 સેન્ટીમીટર ઊંચી છે. હરાજીમાં તેની બેઝ પ્રાઈઝ રૂ.10 હજાર રાખવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની ફોટો ફ્રેમની બેઝ પ્રાઈઝ રૂ.5,000 રખાઈ છે.
7 ઘોડાવાળો ચાંદીનો રથ
વડા પ્રધાન મોદીને કાચની પેટીમાં બંધ એક 7 ઘોડાવાળો ચાંદીનો રથ પણ મળ્યો છે. ચાંદીના આ રથની હરાજી રૂ.1000થી શરૂ થવાની છે. એ જ રીતે, ગ્રામ ઉદય સે ભારત ઉદય અભિયાનમાં તેમને મળેલા 4 ઘોડાવાળા રથની બોલી રૂ.4 હજારથી શરૂ થશે.
રામનું ધનુષ્ય અને હનુમાનની ગદા પણ થશે નિલામ
વડા પ્રધાનને મળેલી ભેટ-સોગાદોમાં રામનું ધનુષ્ય અને હનુમાનજીની ગદાનો પણ સમાવેશ થાય છે. ધનુષ્યની બેઝ પ્રાઈઝ રૂ.500 રાખવામાં આવી છે. ગદાની બેઝ પ્રાઈઝ રૂ.2,500 રખાઈ છે. ગદાની લંબાઈ 147 સેન્ટીમીટર છે.
સરકારે જણાવ્યું કે, વડો પ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટ-સોગાદીની હરાજી દ્વારા જે કોઈ રકમ એક્ઠી થશે તેનો ઉપયોગ પ્રજા કલ્યાણના કાર્યો કરવા માટે કરાશે. ઓનલાઈન હરાજી ક્યારથી શરૂ થશે તેની જાહેરાત ટૂંક સમયમાં જ હરાજીની વેબસાઈટ openauction.gov.in પર કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે