સારા પગારની જગ્યાએ સુરક્ષિત નોકરીને મહત્વ આપે છે ભારતીય, જાણો કેમ

ભારતીય યુવા વધુ વેતન નહીં, પરંતુ નોકરીની સુરક્ષાને વધુ મહત્વ આપે છે. એક સર્વેમાં જણાવવામાં આવ્યું કે, યુવા સુરક્ષિત નોકરી બાદ બીજા નંબર પર જીવન અને કામમાં સંતુલન બનાવી રાખવાને વધુ મહત્વ આપે છે. 

Updated: Oct 21, 2019, 08:10 PM IST
સારા પગારની જગ્યાએ સુરક્ષિત નોકરીને મહત્વ આપે છે ભારતીય, જાણો કેમ

બેંગલુરૂઃ ભારતીય યુવા વધારે પગાર નહીં, પરંતુ નોકરીની સુરક્ષા (જોબ સિક્યોરિટી)ને વધુ મહત્વ આપે છે. એક સર્વેમાં જણાવવામાં આવ્યું કે યુવા સુરક્ષિત નોકરી બાદ બીજા નંબર પર જીવન અને કામમાં સંતુલન બનાવી રાખવાને વધુ મહત્વ આપે છે. તેથી ભારતીય યુવાઓમાં બેન્કિંગ અને સરકારી નોકરીઓ પ્રત્યે ખાસ આકર્ષણ હોય છે. સર્વેમાં દેશભરમાં બેન્કિંગ અને સરકારી નોકરીની તૈયારી કરનાર પાંચ હજાર યુવાઓની પ્રતિક્રિયાઓને સામેલ કરવામાં આવી હતી. 

44.3 ટકાએ સ્થિરતા માટે આપ્યો વોટ 
'ઓલિવબોર્ડ'ના સર્વેમાં જાણવા મળ્યું કે, 44.3 ટકા યુવાઓએ નોકરીને સ્થિરતા માટે મત આપ્યો હતો. જ્યારે 36.7 ટકાએ કામ અને જીવન વચ્ચે સંતુલનને પસંદ કર્યું હતું. સારા વેતનને માત્ર 11.1 ટકા યુવાઓએ મહત્વ આપ્યું હતું. સર્વેમાં સામેલ યુવાઓમાથી 79 ટકા ટિયર-2 અને ટિયર-3 શહેરોથી છે. 

જાહેર ક્ષેત્રની નોકરીઓની માગ સૌથી વધુ
ઓલિવબોર્ડના સહ-સંસ્થાપક તથા સીઈઓ અભિષેક પાટિલે કહ્યું, 'જ્યારે અમે ભારતીય યુવાઓની આકાંક્ષાઓ વિશે વાત કરીએ છીએ તો તે મહત્વપૂર્ણ હોય છે કે મોટા શહેરો, મલ્ટિનેશનલ કંપનીઓ તથા સ્ટાર્ટઅપથી અલગ જોવામાં આવે. મોટા ભાગના ભારતીય નાના શહેરો અને ગામડામાં રહે છે, જ્યાં જાહેર ક્ષેત્રની નોકરીઓની માગ સૌથી વધુ હોય છે.'

પાટિલે કહ્યું, 'અમારો સર્વે સમાજના તે ઉપેક્ષિત વર્ગના સપના અને પ્રેરણાઓ પર પ્રકાશ પાડે છે. સર્વે અનુસાર, 23 ટકા યુવાઓએ અંગ્રેજીની જગ્યાએ હિન્દીમાં મોક ટેસ્ટનો વિકલ્પ પસંદ કર્યો હતો. અભ્યાસમાં કહેવામાં આવ્યું કે, મોટા ભાગના ઉમેદવાર (39.4) એક સાથે ત્રણ કે તેથી વધારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે.'

સર્વેમાં તે પણ જોવા મળ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ જેઈઈ, એનઈઈટી, બેન્કિંગ, એસએસસી અને ગેટ માટે ઓનલાઇન કોચિંગનો ઉપયોગ વધુ ગતિ પ્રાપ્ત કરી ચુક્યો છે.