જસદણ પેટા ચૂંટણી : જસદણ જંગમાં ભાજપ માટે ચૂંટણી પ્રચારમાં જોડાયા છોટે ઉસ્તાદ

જસદણ વિધાનસભાની યોજાનારી પેટા ચૂંટણીનો જંગ જીતવા બંને પક્ષોએ પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. બંને પક્ષોએ તેમના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારીને એડીચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે ભાજપે પ્રચાર માટે આજે નાના ભૂલકાઓને મેદાનમાં ઉતાર્યા હતા. નાના ટાબરિયાઓ હાથમાં કમળના નિશાનવાળા ઝંડા લઈને તેમજ રમકડાની પિસ્તોલ સહિતના વિવિધ રમકડા સાથે રાખીને લોકો પાસેથી ભાજપ માટે મત માગી રહ્યા છે.

1/3
image

જસદણ પેટાચૂંટણીનો રાજકીય પક્ષો અને મતદારોને ઉત્સાહ હોય તે સ્વભાવિક છે. પરંતુ આ ચૂંટણીના રંગે બાળકો પણ રંગાયા છે. જસદણમાં બાળકો પોતાના રમકડાં સાથે પ્રચાર કરતા નજરે પડ્યા હતા. પ્રચાર દરમિયાન ‘જીતેગા ભાઇ જીતેગા, ભાજપ જીતેગા’ના નારા પણ બોલાવ્યા હતા. કહેવાય છે કે, જસદણ પેટા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ભાજપે કંઈ પણ બાકી રાખ્યું નથી. સ્ટાર પ્રચારકો તો ઠીક, પણ ભાજપે હવે બાળકોને પ્રચાર માટે મેદાનમા ઉતાર્યા છે. જેઓ જસદણની ગલીમાં ફરી ફરીને ભાજપ માટે વોટ માંગી રહ્યા હતા. નાની ગાડી બનાવીએ ભૂલકાઓ ભગવા રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. 

2/3
image

તો બીજી તરફ, ભાજપે પ્રચાર માટે બાળકોને મેદાનમાં ઉતાર્યા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો જોઈને સમાજના બુદ્ધિજીવી લોકો અને અન્ય નાગરિકોમાં પણ ખૂબ જ આક્રોશ ફેલાયો છે. આ લોકો ચર્ચા કરી રહ્યા છે કે ખૂબ જ શિસ્તબદ્ધ ગણાતા ભાજપના મોટા માથાઓ પ્રતિષ્ઠાભર્યો ચૂંટણીનો જંગ જીતવા માટે ભાન ભૂલી ગયા છે.

3/3
image

ઉલ્લેખનીય છે કે, જસદણની પેટાચૂંટણીનો પ્રચાર પરાકાષ્ટાએ છે. જાહેર પ્રચાર આડે આજનો દિવસ બાકી રહ્યો છે. ગુરૂવારે તા. ર૦મીએ મતદાન અને તા. ર૩મીએ પરિણામ છે. ચૂંટણી પંચના નિયમ મુજબ આવતીકાલે મંગળવારે સાંજે પ વાગ્યાથી પ્રચાર પડઘર શાંત થશે. જાહેર પ્રચાર પૂરો થયા બાદ બાકી રહેલા એક દિવસમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો ઘરે-ઘરે અને વ્યકિતગત રીતે મતદાતાઓ સુધી પહોંચીને ચૂંટણી કાર્ય કરવાનું રહેશે. હાલ સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી બેય પક્ષોના નેતાઓ, કાર્યકરો ઉતરી પડયા છે. કાલે સાંજે જાહેર પ્રચાર પુરો થયા બાદ બહારના કાર્યકરો મત વિસ્તાર છોડી દેવાનું ફરજીયાત છે. મતદાન મથકમાં સ્થાનિક કાર્યકરો જ ઉમેદવાર વતી જવાબદારી સંભાળી શકશે.