કચ્છ રણ ઉત્સવ શરૂ થઈ ગયો, ટેન્ટી સિટીથી આવી સુંદર તસવીરો, PHOTOs
Kutch Rann Utsav રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : વિશ્વના પ્રવાસીઓને આકર્ષિત કરતા કચ્છના પ્રસિદ્ધ સફેદ રણમાં ટેન્ટસીટીમાં રણોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વર્ષે રણોત્સવ 15 માર્ચ સુધી ચાલશે. રણોત્સવના પ્રારંભે જ પ્રવાસીઓ ઉમટ્યા હતા. રણોત્સવ જ્યાં યોજાય છે તે ધોરડો ગામને તાજેતરમાં જ યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજનો એવોર્ડ પણ મળ્યો છે.
સરહદી જિલ્લો કચ્છ ટુરીઝમ ક્ષેત્રે હવે વિશ્વ ફલક પર પહોંચ્યું છે. પ્રવાસીઓ માટે વર્ષના અંતે કચ્છનું સફેદ રણ અને રણોત્સવ હોટ ફેવરેટ ડેસ્ટીનેસન બની ચૂક્યા છે. રણોત્સવ એટલે કે કચ્છની કળા, સંસ્કૃતિ, મહેમાનગતિ, પરંપરા, સંગીત અને ભાતીગળનો સંગમ.
આ વર્ષે રણોત્સવમાં પણ પ્લાસ્ટિકના બદલે લાકડાના ઉપયોગ પર પહેલીવાર પ્રયોગ હાથ ધરાયો છે. સાથે જ ઇલેક્ટ્રીક વાહનોની સંખ્યા અને સાયકલોની સંખ્યામાં વધારો કરાયો છે. પર્યાવરણની જાળવણી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને રણોત્સવમાં આ વર્ષથી પ્લાસ્ટીકનો ન્યૂનતમ ઉપયોગ કરવામાં આવ્યો છે.
દિવાળી વેકેશન ચાલુ થઈ ગયું છે ત્યારે કચ્છ અને ગુજરાત સહીત દેશભરના પ્રવાસીઓએ રણોત્સવની ટેન્ટ સિટીમાં અગાઉથી જ બૂકીંગ કરી રાખી છે અને નિયત બુકિંગ મુજબ તેઓ આ વર્ષે રણોત્સવની મજા માણવા ઉમટશે. વૈશ્વિક ધરોહર વર્લ્ડ હેરિટેજ ધોળાવીરાથી કચ્છના સફેદ રણ સુધી રસ્તો બની જતા હવે પ્રવાસીઓ રોડ ટુ હેવન મારફતે સફેદ રણ ઉપરાંત વૈશ્વિક વિરાસત ધોળાવીરાનો નજારો પણ માણી શકશે. તો આ વર્ષે ડિસેમ્બર માસની પણ એડવાન્સ બુકિંગ થઈ ચૂકી છે.80થી 90 ટકા એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે
રણોત્સવના ટેન્ટ સિટીના મેનેજર અમિત ગુપ્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રણ કે રંગની થીમ પર આખી ટેન્ટ સિટીમાં કચ્છની સંસ્કૃતિ ઉજાગર કરવાનું આખું સ્ટ્રકચર ઉભુ કરાયું હોવાની વાત કરી હતી. 2009થી રણોત્સવની સફર શરૂ થઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2009ના વિઝનથી હાલમાં 2023 સુધી દર વર્ષે રણોત્સવમાં સુધારા આવ્યા છે અને દર વર્ષે અલગ સ્તર પર રણોત્સવને લઇ જવામાં આવી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે, આ વર્ષે પર્યાવરણની જાળવણી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ધ્યાને લેતા આ વર્ષથી ટેન્ટ સિટીમાં પણ પરિવર્તન કરવામાં આવ્યા છે અને પ્લાસ્ટીકનો ન્યૂનતમ ઉપયોગ કરાયો છે. પ્લાસ્ટિક ક્રસર મશીનનો પ્રયોગ હાથ ધરાયો છે. સાથે જ ઇલેક્ટ્રીક વાહનોની સંખ્યા અને સાયકલની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે
રણોત્સવમાં ઊભી કરાયેલ ટેન્ટ સિટીમાં 400 જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. રણોત્સવમાં ધરતી પર જાણે દુર દુર સુધી સફેદ ચાદર બિછાવવામાં આવી હોય તેવો કુદરતી નજારો જોવા માટે પ્રવાસીઓ સફેદરણની મુલાકાતે આવી રહ્યા છે.
રણોત્સવમાં દરબારી અને રજવાડી ટેન્ટ પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભું કરશે. તો દર વર્ષે લાખો સહેલાણીઓ સફેદરણની મુલાકાત પગલે ગુજરાત ટુરીઝમ વિભાગ અને રાજય સરકારને કરોડો રૂપિયાની આવક પણ ઉભી થાય છે.
રણોત્સવમાં આવતા દેશ વિદેશના પ્રવાસીઓ કચ્છની કલા અને સંસ્કૃતિના દર્શન કરી રહ્યા છે. વિશ્વના ખૂણે ખૂણેથી સફેદ રણની મજા માણવા માટે આવતા પ્રવાસીઓ પણ કચ્છના આ સફેદ રણનો અદભુત નજારો માણીને અલગ અનુભૂતિ કરી રહ્યા છે.
Trending Photos