આ ગરવા ગુજરાતીએ તો કમાલ કરી! ગુલાબનું ગુલકંદ કરીને કેનેડા પહોંચાડ્યું, કમાણી એટલી કે ન પૂછો વાત
Organic Farming : જામનગરના ગુલાબની સુગંધ પહોંચી 11,000 કિમી દૂર આવેલા કેનેડા સુઘી... ધ્રોલ તાલુકાના કાનપુર ગામના પ્રગતિશીલ ખેડૂત બલદેવ ખાત્રાણી દેશી ગુલાબમાંથી ગુલકંદ બનાવીને વેચે છે
ગુજરાતના ગુલાબની સોડમ હવે વિદેશમાં પહોંચી
એક સમય એવો હતો જ્યારે ગુજરાતમાં પાણીની તંગી હોવાથી ખેડૂતોના હાથ બંધાયેલા હતા. તેઓને ખેતી માટે પૂરતુ પાણી મળી ન રહેતું. પરંતું હવે તો ગુજરાતમાં નદીઓ વહે છે. ગુજરાતમાં બારેમાસ પાણી મળી રહે છે. જેથી હવે ગુજરાતના ખેડૂતો પણ ખેતીમાં કાઠું કાઢતા થયા છે. ગુજરાતના ખેડૂતો હવે ખેતીમાં ઈનોવેશન કરવા લાગ્યા છે. જેથી વિદેશોમાં ય ગુજરાતના ખેતપેદાશોની માંગ વધી છે. ત્યારે ગુજરાતના ગુલાબની સોડમ હવે વિદેશમાં પહોંચી છે. જામનગરના ગુલાબ હવે કેનેડામાં પહોંચશે. જામનગરના પ્રગિતશીલ ખેડૂતે પોતાના ખેતરમાં ઉગાડેલા ગુલાબથી બનાવેલા ગુલકંદની માંગ અત્યારે ગુજરાત પૂરતી જ નહિ, પરંતુ કેનેડા-ઈગ્લેન્ડ સુધી થઈ રહી છે.
આ ખેડૂત દેશી ગુલાબમાંથી ગુલકંદ બનાવે છે
ગુજરાતમાં હવે બારેમાસ પાણી હોવાથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આ ખેતી થકી ખેડૂતો કંઈ નવુ કરી રહ્યા છે, અને ખેતીમાં મલબખ કમાણી કરી રહ્યાં છે. જામનગરના ધ્રોલ તાલુકાના એક સામાન્ય પ્રગતિશીલ ખેડૂતની મહેનતની મહેક વિશ્વભરમાં પ્રસરી છે. ધ્રોલ તાલુકાના કાનપુર ગામના બળદેવ ખાત્રાણી દેશી ગુલાબમાંથી ગુલકંદ બનાવે છે. જેની માંગ દેશ-વિદેશમાં વધી રહી છે.
પ્રાકૃતિક ખેતીથી ગુલાબ ઉગવે છે
બળદેવભાઈએ જણાવે છે કે, હું 5 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. અત્યારે 10 એકરમાં ગુલાબનું વાવેતર કર્યું છે. ગાયના ગૌમૂત્રમાંથી હું જીવામૃત ઘરે જ બનાવી શકું છું. જેમાં કોઈ ખર્ચો થતો નથી. ખેતરમાં નેચરલ ફોર્મમાં બનેલું ગૌમૂત્રનો જંતુનાશક દવા તરીકે છંટકાવ કરવાથી કોઈ જીવાત રહેતી નથી, અને તેનાથી મારો ખર્ચો પણ ઘણો બચી ગયો છે. દરરોજ સવારે ગુલાબ ઉતારી લીધા પછી એને હું સુકવી દઉં છું. તેમાંથી તૈયાર થયેલી સૂકી ગુલાબની પાંદડીનું હોલસેલમાં વેચાણ કરું છું.
ગુલકંદ કેવી રીતે બનાવે છે
દેશી ગુલાબમાંથી ગુલકંદ બનાવવાની એક ખાસ રીત છે. ગુલકંદ બનાવવા માટે લીલી ગુલાબની પાંદડી, સાકર, મધ, એલચી, વરિયાળી અને જાવંત્રી, આ તમામ પદાર્થો સરખા ભાગમાં મિક્સ કરવામાં આવે છે. તડકા-છાંયામાં મૂકીને મધમાંથી ચાસણી તૈયાર કરાય છે. આ પ્રક્રિયામાં હાનિકારક ખાંડનો ઉપયોગ ના થતો હોવાથી આ હોમમેડ ગુલકંદ ખાધા પછી શરદી, કફ કે ખાંસી થતા નથી. ગુલાબની પાંદડીને સુકવવા માટે પોલી સોલાર ડ્રાયર લીધું છે, જે 1 લાખની કિંમત સુધીનું હોય છે. સવારે મશીનમાં તેઓ પાંદડી સુકવી લે છે, અને બપોર સુધીમાં તે તૈયાર થઈ જાય છે.
શું ભાવે વેચાય છે
આ ગુલકંદની માંગ ભારે છે. ત્યારે એકવાર તૈયાર થયા બાદ તે 500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે માર્કેટમાં વેચવામાં આવે છે. આ માટે તેઓ વિવિધ કૃષિમેળા કે મીલેટ્સ મેળામાં પોતાના ગુલકંદનું વેચાણ કરે છે, અને તેમને એમાંથી સારી કમાણી મળી રહે છે. આ ઉપરાંત કોસ્મેટિક્સ કંપનીઓ પણ તેમની પાસેથી ગુલાબની સૂકી પાંદડી ખરીદે છે, જેનો ઉપયોગ લિપસ્ટીક્સ બનાવવા માટે થાય છે.
બીજા માટે પ્રેરણાદાયી બન્યા આ ખેડૂત
બળદેવભાઈ ભાણજીભાઈ ખાત્રાણીનો આખો પરિવાર દેશી ગુલાબની ખેતીમાં જોડાયેલો છે. સાથે જ આ પરિવાર આસપાસના વિસ્તારના લોકો માટે આદર્શ પરિવાર બની રહ્યો છે. આસપાસના અનેક લોકો તેમની ગુલાબની ખેતી જોવા માટે આવે છે. આમ ખાત્રાણી પરિવાર આખા વિસ્તારમાં પોપ્યુલર બન્યો છે.
Trending Photos