રાજકોટ સાથે જોડાયેલી છે 'કેપ્ટન કુલ' ધોનીની અનેક યાદો, જુઓ તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ 15મી ઓગસ્ટના દિવસે નિવૃતિની જાહેરાત કરી છે. ધોનીની આ જાહેરાતની સાથે તેના કરોડો ફેન્સ દુખી જોવા મળ્યા હતા. ધોનીએ ભારતીય ક્રિકેટને અનેક ટ્રોફીઓ અપાવી છે. ધોનીની હેલિકોપ્ટર શોટ્સને કરોડો લોકો મિસ કરવાના છે. ત્યારે રાજકોટના લોકો પણ ધોનીને યાદ કરી રહ્યાં છે. 

રક્ષિત પંડ્યા/રાજકોટઃ ભારતના પૂર્વ કેપ્ટન ધોનીની રાજકોટમાં અનેક યાદો જોડાયેલી છે. જ્યારે ભારતની રાજકોટમાં મેચ હોય ત્યારે હજારો ફેન્સ ધોનીને જોવા માટે મેદાનમાં પહોંચતા હતા. ધોનીની નિવૃતી બાદ તેના ચાહકો માહીને યાદ કરી રહ્યાં છે. 

1/4
image

મહેન્દ્ર સિંહ ધોનીએ રાજકોટમાં પોતાના કરિયરની પ્રથમ મેચ 2008મા ઈંગ્લેન્ડ સામે રમી હતી. આ મેચમાં ધોનીએ 32 બોલમાં 39 રન બનાવ્યા હતા. ભારતે આ મેચમાં 387 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 229 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.   

2/4
image

તો આ મેચમાં સદી ફટકારનાર યુવરાજ સિંહને મેન ઓફ ધ મેચના એવોર્ડમાં એક બાઇક મળી હતી. ત્યારે ધોનીએ મેચ પૂરી થયા બાદ મેદાનમાં યુવરાજની સાથે બાઇક પર સવારી કરી હતી. ધોની બાઇક ચલાવતો હતો અને યુવરાજ પાછળ બેઠો હતો. રાજકોટવાસીઓના મનમાં આજે પણ આ તસવીર જીવંત છે. 

3/4
image

ત્યારબાદ ધોની બીજીવાર રાજકોટના મેદાનમાં વર્ષ 2009મા શ્રીલંકા સામે ઉતર્યો હતો. આ મેચમાં ભારતે 414 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. તે મેચમાં ધોનીએ 53 બોલમાં 3 સિક્સ અને 5 ચોગ્ગા સાથે શાનદાર 71 રનની ઈનિંગ રમી હતી. આ મેચમાં ભારતનો ત્રણ રને વિજય થયો હતો.   

4/4
image

વર્ષ 2015મા ધોનીએ દક્ષિણ આફ્રિકા સામે રાજકોટના મેદાનમાં વનડે મેચ રમી હતી. આ મેચમાં ધોનીએ 61 બોલમાં 47 રન બનાવ્યા હતા. ધોનીની બેટિંગ દરમિયાન તેના હાથમાંથી બેટ પણ છૂટી ગયું હતું. આ મેચમાં જરૂર ભારતનો પરાજય થયો પરંતુ ધોનીની નિવૃતી બાદ શહેરના લોકો કેપ્ટન કુલને યાદ કરીને શહેર સાથે જોડાયેલી તેની સ્મૃતિઓ વાગોળી રહ્યાં છે.