ગણેશ ચતુર્થીના દિવસે બની રહ્યો છે ખૂબ જ શુભ સંયોગ, જાણી લો પૂજા અને વિધિનો સમય

ગણેશ ચતુર્થીના દિવસે બની રહ્યો છે ખૂબ જ શુભ સંયોગ, જાણી લો પૂજા અને વિધિનો સમય

ખ્યાતિ ઠક્કર, અમદાવાદઃ આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. આ સમયમાં તમે ઘરે અથવા પંડાલમાં ગણેશજીની સ્થાપના કરી પૂજા અર્ચના કરી શકો છો. 10 સપ્ટેમ્બરે દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવશે. જેને લઈને સમગ્ર દેશમાં વિઘ્નહર્તા બાપ્પાના સ્વાગત માટે ધૂમધામ પૂર્વક તૈયારીઓ બધે જોવા મળી રહી છે. ગત વર્ષે કોરોના સંકટને કારણે લોકોએ પોતાના ઘરમાં ખૂબ જ સાદાઈ પૂર્વક ગણેશ પૂજાની ઉજવણી કરી હતી, પરંતુ આ વખતે લોકો કોરોનાના નિયમનું પાલન કરતા કરતા જાહેર ગણેશોત્સવના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે અને સાથે સાથે પોતપોતાના ઘરમાં પણ ગણપતિની પૂજા કરી રહ્યા છે.

દેશમાં ગણેશોત્સવની ધૂમધામ પૂર્વક તૈયારી:
પરંપરાગત રીતે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે શ્રદ્ધાળુઓ પોતપોતાના ઘર અને જાહેર ગણેશોત્સવ પંડાલમાં ગણપતિની પ્રતિમાને પ્રાણ-પ્રતિષ્ઠા સહિતની પૂજા કરીને સ્થાપિત કરે છે. ઘણા લોકો 10 દિવસ માટે ગણપતિ પૂજન કરે છે જેઓ અનંત ચતુર્દશીના દિવસે વાજતે ગાજતે બાપ્પાને વિદાઈ આપીને વિસર્જન કરે છે. 
જ્યારે કેટલાક લોકો એક દિવસ પાંચ દિવસ એમ અલગ અલગ રીતે ગણપતિ પૂજન કરે છે અને પોતાના પરિવારની સુખમય મંગલ કામના કરીને આગામી વર્ષે ફરી વહેલી તકે બાપ્પાને તેડાવવાની કામના સાથે વિદાય આપે છે.

ભદ્રા હોવા છતાં અશુભ નહીં:
આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે ભદ્રાનો પડછાયો છે.  ગણપતિ પૂજનમાં ક્યારેય ભદ્રા અવરોધરુપ માનવામાં આવતી નથી. કારણ કે ગણેશ પોતે મંગલમૂર્તી અને વિઘ્નહર્તા છે. 
આ ઉપરાંત શાસ્ત્રો મુજબ પાતાળ નિવાસિની ભદ્રાને શુભ ગણવામાં આવે છે. જેના કારણે ધરતી પર ભદ્રાનો અશુભ પ્રભાવ નથી રહેતો. તેથી વિઘ્નહર્તા ગણેશની ચતુર્થીના દિવસે આવતી ભદ્રા પણ શુભ ફળદાયી બની જાય છે.

ગણપતિ સ્થાપના પૂજનનું શુભ મુહૂર્ત:
આ વર્ષે ગણપતિ પૂજનના શુભ મુહૂર્ત અમૃત  - સવારે 6:30 થી 11:08 શુભ  - બપોરે 12:45 થી 1:34 સુધી અમૃત  - સાંજે 5:30 થી 7:13 સુધી શુભ સમય રહેશે. પૂજાના સમયમાં 'ઓમ ગં ગણપતયે નમઃ' મંત્રનો જાપ કરતા ગણપતિજીને જળ, ફૂલ, અક્ષત, ચંદન અને ધૂપ-દીપ તેમજ ફળ અને મોદકનો નૈવેદ્ય ધરાવવો જોઈએ.

ગણેશ પૂજા:
ગણેશ પૂજા માટે ભક્તોએ સૂર્યોદય પહેલા સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. જે બાદ ગણપતિ સામે બેસીને પૂજા પ્રારંભ કરો. તેમનું ગંગાજળથી અભિષેક કરો. જે બાદ ચોખા, ફૂલ, દૂર્વા વગેરે અર્પિત કરો. તેમની પ્રિય ચીજ મોદકનો ભોગ લગાવો. જે બાદ ધૂપ, દીપ તથા અગરબત્તી કરીને તેમની આરતી કરો. ગણેશજીના મંત્રોનો જાપ કરો, જે બાદ ફરી આરતી કરો અને પૂજા સમાપ્ત કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news